Home Crime કચ્છ પોલીસના સાયબર સેલે ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં ભચાઉના યુવાનને ઝડપ્યો- ફેસબુક મેસેન્જરે...

કચ્છ પોલીસના સાયબર સેલે ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં ભચાઉના યુવાનને ઝડપ્યો- ફેસબુક મેસેન્જરે ભાંડો ફોડ્યો

773
SHARE
કચ્છ બોર્ડર રેન્જ પોલીસના સાયબર સેલ તેમજ ભચાઉ પોલીસે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડીયો શેર કરનારા ભચાઉના દરજી યુવાનને ઝડપી પાડ્યો છે. ગત એપ્રિલ મહિનામાં ફેસબુક મેસેન્જર દ્વારા ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડીયો શેર કરવા બદલ જિતેન્દ્ર રમેશ દરજી નામના યુવાનને પોલીસે પકડ્યો છે. ભચાઉના રામવાડી મધ્યે રહેતા ૩૫ વર્ષીય જિતેન્દ્ર દરજીએ ફેસબુક મેસેન્જર દ્વારા જે અમેરિકન મિત્રને ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડીયો મોકલ્યો હતો એ એકાઉન્ટ ફેક હતું. પણ, ફેસબુક મેસેન્જરને એ કન્ટેન્ટ (પોર્નોગ્રાફી વીડીયો) શંકાસ્પદ લાગતા ફેસબુક દ્વારા આ અંગે સાયબર પોલીસ સ્ટેશનને જાણ આવતા બોર્ડર રેન્જ સાયબર સેલ અને ભચાઉ પોલીસે જિતેન્દ્ર રમેશ દરજીને ઝડપી પાડ્યો હતો. સાયબર ક્રાઇમ સેલ અને ભચાઉ પોલીસની સતત ચાર કલાકની પૂછપરછ અને તપાસ દરમ્યાન જિતેન્દ્રના મોબાઇલમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડીયો પણ મળી આવ્યો હતો. આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી ભચાઉ પોલીસે ઇન્ફર્મેશન ટેક્નોલોજી એકટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કચ્છ બોર્ડર રેન્જ સાયબર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જી.એમ.હડીયાના જણાવ્યા પ્રમાણે સોશ્યલ મીડીયામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતી ચેટ, સર્ચ કે વીડીયો કન્ટેન્ટ વગેરે બાબતે સોશ્યલ મીડીયા ક્ષેત્રે કાર્યરત કંપનીઓ દ્વારા સતત સર્ચ અને માહિતી એકઠી થતી રહે છે અને એ અંગે સરકાર તેમજ પોલીસને પણ જાણ કરાય છે. સોશ્યલ મીડીયામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવાનો, તેને લગતો વીડીયો કે ચેટ એકબીજાને મોકલવાની હરકત કરનારા નેટજીવીઓ માટે કાયદો સખત બની ગયો છે. સમાજને હાનિ પહોંચાડતી, સામાજિક મૂલ્યોને નુકસાન કરતી આવી હરકતો સામે કાયદાનો ગાળિયો વધુ કડક બને તે સમાજના હિતમાં છે. કચ્છ બોર્ડર રેન્જ પોલીસે કચ્છમાં પ્રથમ જ વાર ચાઈલ્ડ પોર્નોગ્રાફી એકટ હેઠળ ધાક બેસાડતી કાયદાકીય કાર્યવાહી કરી છે. જોકે, કેન્દ્ર સરકારે વેબ સિરિઝોમાં આવતાં અશ્લીલ કન્ટેન્ટ સામે પણ સખત કાયદો ઘડવાની જરૂરત છે. એન્ડ્રોઇડ મોબાઈલને પગલે સારી અને નરસી બન્ને અસરો ભારતીય સમાજમાં જોવા મળી રહી છે. નાની બાળકીઓ તેમજ મહિલાઓ સામે વધતી જતી ગુનાખોરીમાં પણ ક્યાંક ને ક્યાંક મોબાઇલની નરસી અસરો જોવા મળી રહી છે, તે કડવું સત્ય છે.