Home Current એક યે ભી દિવાલી હૈ – ભુજ અને મુન્દ્રાએ દિવાળીની ઉજવણીની ચીંધેલી...

એક યે ભી દિવાલી હૈ – ભુજ અને મુન્દ્રાએ દિવાળીની ઉજવણીની ચીંધેલી રાહ લોકોને ગમી…

1296
SHARE
દિવાળી એટલે હૃદયમાં ખુશીના દિવડાં પ્રગટાવતો પારિવારિક ઉજવણીનો તહેવાર!! પણ, જો આ તહેવારની ઉજવણીમાં જરૂરિયાતમંદ લોકોને પણ સહભાગી બનાવાય તો!! આજે એવા અનેક પરિવારો આપણી આજુબાજુ રહેતા હશે કે જેમના માટે દિવાળીની ઉજવણી પણ કરવી મુશ્કેલ હોય છે. તો, તેમનાં બાળકો માટે દિવાળીનો તહેવાર અન્ય લોકોની ઉજવણી જોવાનો અવસર માત્ર બની રહે છે. પરંતુ, સમાજના જરૂરિયાતમંદ પરિવારો પણ દિવાળીની ઊજવણીમાં સામેલ થાય, તેમના બાળકોના ચહેરા ઉપર પણ તહેવારોની ખુશી વરતાય એવા ઉમદા વિચારો સાથે પારકા પરિવારોને પોતીકા ગણીને વિવિધ સંસ્થાઓ, વ્યક્તિઓએ દિવાળીની ઉજવણીની ચીંધેલી રાહ લોકોને ગમી છે.

અંધશાળાના બાળકો સાથે…

શરૂઆત કરીએ, ભુજની અંધશાળાના દ્રષ્ટિહીન બાળકોની અંધ આંખોમાં પ્રગટેલા ખુશાલીના કિરણોથી!! હંમેશા લોકોને તેમની આર્થિક, માનસિક અને શારીરિક મુશ્કેલીઓમાં મદદરૂપ બનતા સામાજિક કાર્યકર મિતેશ શાહ એક વ્યક્તિના રૂપમાં હાલતી ચાલતી સેવાભાવી સંસ્થા છે. દિવાળી પ્રસંગે મિતેશ શાહની પ્રેરણાથી હિતેશ ગજકંધ દ્વારા અંધશાળાના બાળકોને ફટાકડાં લાવી આપીને તેમની સાથે જ ફટાકડા ફોડી, મીઠાઈ દ્વારા મો મીઠું કરીને માણસાઈના દિવડાં પ્રગટાવતી ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે પીએસઆઇ કપિલસિંહ ઝાલાએ ઉપસ્થિત રહી અંધશાળાના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતો. સૌએ સાથે ભોજન લીધું હતું. સામાજિક કાર્યકર મિતેશ શાહે (મોબાઈલ- 9925633766) તેમની સેવાકીય પ્રવૃતિઓમાં સાથ આપનાર દાતાઓનો આભાર માન્યો હતો.

ગરીબ બાળકોને રમકડાં, કપડાં અને ભોજન…

જનસેવા સંસ્થાએ મુન્દ્રા પંથકમાં માનવીય સંવેદના સાથે દિવાળી ઉજવી હતી. અહીં જનસેવા સંસ્થાના સેવાભાવી યુવાન રાજ સંઘવીએ જલારામ ખીચડી ઘરના દાતાઓ પાર્થ ઠકકર અને એ પ્રફુલ ગુગરામના સહયોગથી ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને સેવ બુંદી ખવડાવીને મો મીઠું કરાવ્યું હતું. મુન્દ્રામાં જનસેવાની ધૂણી ધખાવનારા રાજ સંઘવી દ્વારા લોકોની સહાયતાથી દિવાળીના સપરમાં તહેવારો પ્રસંગે ગરીબ મજદૂર વર્ગના બાળકોને રમકડાં તેમજ જુના કપડા આપવામાં આવ્યા હતા. રાજ સંઘવી (મોબાઈલ 9408054400) દ્વારા માનવતાનો દીપ ઝળહળતો રાખનાર દાતાઓનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં દર્દીઓને સ્વસ્થ થવાની શુભેચ્છા સાથે ફ્રૂટ વિતરણ

શાળામાં ભણી લીધા બાદ પોતાના ધંધા વ્યવસાય અને નોકરી કરનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ સેવાની જ્યોત દ્વારા માનવતાને પ્રજ્વલિત રાખી છે. કચ્છના ડુમરા સહિત રાજ્યની નવોદય વિદ્યાલયોમાં ભણેલાં વિદ્યાર્થીઓના એલ્યુમની એસોસિએશન દ્વારા દિવાળી પ્રસંગે કચ્છની મુખ્ય સરકારી હોસ્પિટલ જી.કે. જનરલ મધ્યે ૭૦૦ દર્દીઓને તેમના સ્વસ્થ સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવી ફ્રૂટ વિતરણ કરાયું હતું. પૂર્વ વિદ્યાર્થી સંગઠનના માધ્યમથી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરનાર મહેન્દ્રસિંહ જાડેજા (મોબાઈલ- 9687689514)એ સૌ વિદ્યાર્થીઓ મિત્રો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

સરકારી શાળાના બાળકોને ફટકડાનું વિતરણ

સેવાકીય ક્ષેત્રે જુની જાણીતી સંસ્થા સત્યમ દ્વારા દિવંગત સેવાભાવી તબીબ કવિતા (મીરા) સચદે ટ્રસ્ટના સહયોગથી ભુજની સરકારી પ્રાથમિક શાળા નંબર ૧૨ ના બાળકોને ફટાકડાની કીટ અપાઈ હતી. ભુજ સહિત કચ્છભરમાં સેવાકીય ક્ષેત્રે સદાય પ્રવૃતિશીલ અને નામાંકિત એડવોકેટ શંકરભાઈ સચદે દ્વારા ખાસ દિવાળી પ્રસંગે અનેક ગરીબ બાળકોને ફટાકડાની કીટ આપીને તેમના ચહેરા ઉપર તહેવારોની ખુશી લાવવાનો ઉમદા પ્રયાસ હાથ ધરાયો હતો. સત્યમ સંસ્થાના દર્શક અંતાણીએ (મોબાઈલ- 9374337157) હમેંશા લોકસેવાના કાર્યોમાં પ્રવૃત રહીને માનવતાના દીપકને ઝળહળતો રાખ્યો છે.
આપણી એક નાનકડી મદદ અનેક જરૂરિયાતમંદ લોકોના ચહેરા ઉપર ખુશીનું હાસ્ય રેલાવી શકે છે ત્યારે આપણી સાથે રહીને સેવાકીય કાર્યો કરતાં સામાજિક કાર્યકરો સાથે તન, મન અને ધન થી જોડાઈ માનવતાનો દીપ પ્રગટાવી આપણી માનવીય સંવેદનાને જીવંત રાખીએ.