શરીર પર લગાડવાના ટેલકમ પાવડર માંથી ખાવા માટેની મીઠાઈ બરફી બનાવવાની ઘટનાએ સરકારની સાથે લોકોને પણ ચોંકાવી દીધા હતા વળી, આ કિસ્સો રાજ્યની રાજધાની ગાંધીનગરમાંથી ફૂડ એન્ડ સેફટી વિભાગે ઝડપ્યો હતો આ સિવાય સુરત, અમદાવાદ અને રાજકોટમાં પણ મીઠાઈની જાણીતી દુકાનોમાં મીઠાઈમાં વપરાતા માવા, ઘી તેમજ કડેલા (વારંવાર ઉકાળેલા તેલ) માંથી ફરસાણ બનાવવાના કિસ્સાઓ ઝડપાયા બાદ રાજ્ય સરકારે લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈને મીઠાઈ તેમજ ફરસાણના વ્યાપારીઓ માટે નિયમો બહાર પાડીને આ નિયમોનું પાલન કરવા ખાસ સૂચના આપી છે. તો, ભેળસેળ સામે જાગૃતિ રહે તે માટે તેમજ લોકો પણ સરકારના આ નિયમો વિશે જાણે તેમજ જ્યારે મીઠાઈ કે ફરસાણ ખરીદે ત્યારે મોંઘા ભાવે પોતે જ્યાંથી ચીજ વસ્તુ ખરીદી છે, ત્યાં સરકારના નિયમોનું યોગ્ય પાલન દુકાનદાર કરે છે કે નહીં તે માટે લોકોને જાગૃત કરવા ફૂડ અને સેફટી વિભાગ દ્વારા ખાસ પ્રેસ નોટ પણ બહાર પાડવામાં આવી છે.
હું જ્યાંથી મારા બાળકો માટે, મિત્રો માટે મીઠાઈ ફરસાણ ખરીદું છું, તે વ્યાપારી સરકારની સૂચનાનો અમલ કરે છે ખરો? ૧૨ % GST વસૂલ્યા પછી ભરાય છે?
રાજ્ય સરકારના ફૂડ એન્ડ સેફટી વિભાગના રાજ્યના કમિશનર એચ.જી. કોશિયા દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ નોટમાં મીઠાઈ અને ફરસાણના વ્યાપારીઓને ગ્રાહકો જાણી શકે તે માટે નક્કી કરેલી માહિતી જાહેરમાં મુકવા જણાવાયું છે. ન્યૂ4કચ્છના માધ્યમથી આવો જાણીએ લોકોના હિત માટેની સરકારની સૂચના.
– મીઠાઈ અને ફરસાણ કઈ ચીજ વસ્તુઓમાંથી ( દૂધ, માવો, બેસન અથવા અન્ય વપરાતી ચીજ વસ્તુઓ) બનાવાયા છે?
– મીઠાઈ અને ફરસાણ બનાવવામાં ક્યુ ઘી (દેશી, વેજીટેબલ), તેલ (પામ કે સીંગતેલ), અથવા તો ફેટ વપરાઈ છે? જો, દૂધ અને માવાની મીઠાઈ લુઝમાં વેંચતા હો કે પેકિંગમાં વેંચતા હો, પણ દુકાનદારે તે કેટલો સમય ટકી શકશે? (કેટલા સમયમાં વાપરી શકાશે?) તે અંગે બેસ્ટ બીફોર યુઝ/ યુઝડ બાય ડેટ વિશેની માહિતી અવશ્ય લખવાની રહેશે. આ બધી જ માહિતી ગ્રાહક જોઈ શકે એ રીતે દુકાનદારે રાખવાની રહેશે.
જોકે, ગ્રાહકે આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખ્યા બાદ જાગૃતિ માટે એટલું અવશ્ય ધ્યાનમાં રાખવું કે, પોતે ખરીદેલી મીઠાઈ કે ફરસાણનું બિલ અચૂક લેવું એટલે, જ્યારે કોઈ ફરિયાદ કરવાની નોબત ઉભી થાય ત્યારે બિલના આધાર પુરાવા સાથે ફરિયાદ કરી શકાય. મીઠાઈ અને ફરસાણ ઉપર ૧૨% જીએસટી છે કચ્છમાં ગ્રાહકને મોટી અને પ્રખ્યાત મીઠાઈ ફરસાણની દુકાનો દ્વારા ૪૦૦ થી ૧૧૦૦ જેટલા માવાની, ઘીની મીઠાઈ તેમજ ૨૪૦ થી ૩૦૦ રૂપિયા ફરસાણના વસૂલ્યા પછી પણ ગ્રાહકને જીએસટી નંબરના બીલને બદલે કાચી ચિઠ્ઠી જ અપાય છે તો, મીઠાઈનું બોક્સ પણ ઘણી જગ્યાએ વજનમાં મુકાય છે.
કચ્છમાંથી નમૂના લેવાયા
તાજેતરમાં જ કચ્છની જાણીતી મીઠાઈની દુકાનમાં થી ખરીદાયેલા ફૂગ વળેલા ગુલાબપાકની ફરિયાદના વાયરલ થયેલા વીડીયો પછી ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા તે દુકાનમાંથી મીઠાઈના નમૂનાઓ લેવાયા હતા જોકે, હાલમાં દિવાળીના તહેવારને અનુલક્ષીને કચ્છ જિલ્લા ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા કચ્છમાં વિવિધ દુકાનોમાંથી મીઠાઈ અને ફરસાણના નમૂનાઓ લેવાયા છે જોકે, કઈ કઈ દુકાનોમાંથી નમૂનાઓ લેવાયા એ વિશે ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા સત્તાવાર કોઈ પ્રેસ નોટ ઇસ્યુ કરાઈ નથી પણ, ગ્રાહકોના આરોગ્ય માટે સરકારની સૂચના પછી કચ્છમાં કઈ કઈ મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચીજ વસ્તુઓ અંગે જાહેરમાં માહિતી આપવામાં આવે છે, અને ફૂડ તેમજ સેફટી વિભાગ કઈ રીતે ચેકીંગ કરે છે? એ જોવું રહ્યું.