ભુજના વોકળા ફળિયામાં બે જૂથ વચ્ચે થયેલા ધીંગાણાએ ચકચાર સર્જી છે. જૂની અદાવતમાં બે જૂથ એકબીજા ઉપર તલવાર, ગુપ્તિ, ભાલા, છરી, ધારીયું, લોખંડના પાઇપથી તૂટી પડ્યા હતા. આ બનાવમાં પહેલા ૨૫ વર્ષીય યુવાન અમીન રહેમતુલ્લા થેબાએ જીવ ગુમાવ્યા બાદ અન્ય ઇજાગ્રસ્ત ૪૭ વર્ષીય અલ્તાફ ઓસમાણ સમેજાનું વધુ સારવાર માટે રાજકોટ ખસેડતી વખતે મોત નીપજ્યું હતું આમ એક સાથે ડબલ મર્ડરની આ ઘટનાએ ભુજ સહિત કચ્છમાં હાહાકાર સર્જ્યો છે.
સામાન્ય ઝઘડામાં દોઢ વર્ષમાં બે સગા ભાઈ સહિત ત્રણની હત્યા
ભુજની જીકે જનરલ હોસ્પિટલની ચોકીએથી મળેલી વિગતો પ્રમાણે ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતા થેબા અને વોકળા પાસે છછ ફળિયામાં આવેલા લાખા પરિવાર વચ્ચે જૂનો ઝઘડો ચાલુ હતો જેના સમાધાન માટે અમિન રહેમતુલ્લા થેબા (ઉ.૨૫), વસીમ ઓસમાણ સમેજા અને અન્ય પરિવારજનો છછ ફળિયામાં આવેલા ગની લાખાના વંડામાં ભેગા થયા હતા જ્યાં સામા વાળા ગની લાખા, ફિરોઝ લાખા અને તેમના પરિવારજનો હાજર હતા સમાધાનની વાત વચ્ચે મામલો ઉગ્ર થતાં ગની લાખા, ફિરોઝ લાખા અને અન્ય પરિવારજનોએ ધારીયા, કુહાડી તેમજ લાકડીઓ વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ગંભીરપણે ઘવાયેલા અમીન રહેમતુલ્લા થેબાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું જ્યારે વસીમ સમેજા, ગુલામ અલીમામદ થેબા, અલ્તાફ સમેજા, હનીફ જુસબ થેબાને ગંભીર ઈજાઓ થઈ હોઇ તેમની સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ હતા તે દરમ્યાન ૪૭ વર્ષીય અલ્તાફ ઓસમાણ સમેજાનું વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડતી વેળાએ રસ્તામાં જ મોત નીપજ્યું હતું આમ આ બનાવમાં ડબલ મર્ડર થતાં ભુજ સહિત કચ્છભરમાં હાહાકાર મચી ગયો છે આ બનાવની જાણ થતાં જ બપોરથી માંડીને અત્યાર સુધી જી.કે. જનરલ હોસ્પિટલની બહાર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા આ બનાવની તપાસ ભુજ એ ડિવિઝન પોલીસે હાથ ધરી છે દરમ્યાન આ બન્ને પરિવારો જ્યાં રહે છે તે વિસ્તારોમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે દરમ્યાન લાખા પરિવારના ત્રણ સદસ્યો પણ ઇજાગ્રસ્ત થયા હોઇ તેઓને પણ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે ઇજાગ્રસ્તો અસલમ હસણ લાખા, હકુભા હસણ લાખા, રિયાઝ અબ્દુલ લાખા સારવાર હેઠળ છે.
૧૧ સામે ફરિયાદ, થેબા અને લાખા પરિવારના સામાન્ય ઝઘડામાં બે સગા ભાઈઓ સહિત ત્રણના મોત
ભુજ સહિત કચ્છમા આજના ડબલ મર્ડરની ઘટનાએ હાહાકાર સર્જ્યો છે આ અંગે ભુજ એ ડિવિઝન પોલીસમાં શરીફ અલીમામદ થેબાએ ૧૧ જણા સામે ફરિયાદ નોંધાવી છે જુના ઝઘડાના સમાધાન માટેની બેઠક દરમ્યાન તલવાર, ગુપ્તિ, ભાલા, છરી, લોખંડની પાઇપો વડે હુમલો કરાયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે જેમાં ૧૧ જણા (૧) ઓસમાણ રમજુ લાખા, (૨) ફિરોઝ ગની લાખા, (૩) ઇકબાલ હુસેન લાખા, (૪) અસલમ હુસેન લાખા, (૫) રિયાઝ અબ્દુલ લાખા, (૬) દિલાવર ઓસમાણ ગની લાખા, (૭) અકરમ ઓસમાણ ગની લાખા, (૮) અનિસ મહેબૂબ લાખા, (૯) સાહિલ મહેબૂબ લાખા, (૧૦) મહેબૂબ લાખા, (૧૧) અંસીર લાખા સામે આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે
ગત જાન્યુઆરી ૨૦૧૮ થી ટેમ્પોમાંથી બેટરી કાઢી લેવાના મુદ્દે થેબા અને લાખા પરિવાર વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં થેબા પરિવારના ટેમ્પા માંથી બેટરી કાઢી લેવાના આક્ષેપ પછી ઘર્ષણ થતાં ગફાર રહેમતુલ્લા થેબાની હત્યા થઈ હતી. (આજે દોઢ વર્ષ બાદ ગફારના સગા નાના ભાઈ અમીન રહેમતુલ્લા થેબાની હત્યા થઈ) આમ બે સગા ભાઈઓએ જીવ ગુમાવ્યા તે ઉપરાંત આજના હુમલામાં ઘાયલ થયેલા અલ્તાફ ઓસમાણ સમેજાનું મોત નિપજતાં કુલ ત્રણ હત્યાઓ થઈ ચૂકી છે જુના ૨૦૧૮ના હત્યા કેસ બદલ લાખા પરિવારના સિકંદર લાખાની સાથે તેના કાકા ભચુ લાખા, તેમજ કાકાઈ ભાઈઓ રસીદ લાખા અને હમીદ લાખા જેલમાં છે તે વચ્ચે આઠ મહિના પહેલા ભુજ કોર્ટમાં તારીખ દરમ્યાન સિકંદર લાખાની ઉપર થેબા પરિવારના હનીફ અને ઈંદ્રિશ દ્વારા હુમલો પણ કરાયો હતો જોકે, આજના ધીંગાણાની ઘટનાની પોલીસ કાર્યવાહી હજી ચાલુ છે.