Home Current કંડલા પોર્ટે એક ઝાટકે 95 ટકા જેટલી પ્રોપર્ટી ટ્રાન્સફર ફી ઘટાડી નાખી,...

કંડલા પોર્ટે એક ઝાટકે 95 ટકા જેટલી પ્રોપર્ટી ટ્રાન્સફર ફી ઘટાડી નાખી, જાણો આ નિર્ણયથી સૌથી મોટો ફાયદો કોને થશે..?

975
SHARE
જયેશ શાહ .ગાંધીધામ કેન્દ્રની મોદી સરકાર સામે અવારનવાર એવા આક્ષેપો થતા હોય છે કે તેમની સરકાર લોકો માટે નહીં પરંતુ ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે અથવા તો એવા નિર્ણય લે છે જેનાથી લોકોને નહીં પરંતુ ઉદ્યોગકારોને ફાયદો થાય આવો જ એક નિર્ણય કેન્દ્રની મોદી સરકારે કચ્છનાં ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સ માટે કર્યો છે જેમાં સૌથી વધુ ફાયદો સામાન્ય લોકો કરતા અહીંના માલેતુજાર એટલે કે ઉદ્યોગપતિઓને વધુ થવાનો છે ગાંધીધામ-કંડલા કોમ્પ્લેક્સમાં આવેલી મોટાભાગની જમીન કંડલા પોર્ટની છે એટલે અહીં કોઈને પ્રોપર્ટી લેવી હોય તો તેમને એ મિલકત ટ્રાન્સફર કરાવવી પડતી હતી જેમાં મિલકતની માર્કેટ રેટ મુજબ ખરીદી કર્યા પછી લગભગ એટલી જ રકમ ટ્રાન્સફર ફી તરીકે કંડલા પોર્ટને આપવી પડતી હતી હવે તે સરકારે લગભગ 95 ટકા જેટલી ઘટાડી નાખી છે જેને કારણે એક જ મિલકત માટે જે બે વખત મસમોટી રકમ ભરવાની આવતી હતી તે ઘટી ગઈ છે જો કે સરકારના આવા નિર્ણયથી સામાન્ય લોકોને બહુ ફાયદો નહીં થાય કારણ કે થોડા વર્ષ પહેલા જયારે સરકારે અહીંની લીઝ હોલ્ડ જમીનને ફ્રી હોલ્ડ કરવાનું નક્કી થયું હતું તેમાં ઓલરેડી નાના પ્લોટ ધારકોને બહુ જ સામાન્ય દરે જમીન ફ્રી હોલ્ડ કરાવી શકાય તેવી જોગવાઈ કરવામાં આવી હતી એટલે આવા સામાન્ય લોકોને ટ્રાન્સફર ફી ઘટે તેનાથી કોઈ મતલબ નથી પરંતુ તેનાથી મોટા પ્લોટ ધરાવતા ગાંધીધામ કૉમ્પ્લેક્સના ઉદ્યોગપતિઓને ચોક્કસ ફાયદો થવાનો છે.
ફ્રી હોલ્ડ કરવાની પ્રક્રિયામાં જમીન-પ્લોટની સાઈઝ પ્રમાણે રકમ ચૂકવવી પડતી હોય છે જેને મોટા પ્લોટ ધરાવતા કચ્છનાં ઉદ્યોગપતિઓ તેમની જમીન લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ કરાવતા ન હતા બીજી બાજુ ટ્રાન્સફર ફી પણ વધુ હતી એટલે વર્ષોથી કંડલા પોર્ટ પાસેથી પ્લોટ લઈને બેઠેલા મોટી સાઈઝના પ્લોટ ધારકોએ સંકુલની વિવિધ સંગઠનો તેમજ સંસ્થાની આડમાં ટ્રાન્સફર ફી ઘટાડવાની મુહિમ પણ ચલાવી હતી ગાંધીધામના સામાન્ય લોકોને તો સરકારના ફ્રી હોલ્ડના નિર્ણયથી જ ફાયદો થઈ ગયેલો હોવાથી ટ્રાન્સફર ફી ઘટે કે વધે તેનાથી કોઈ ઝાઝો ફરક પડતો નથી ટ્રાન્સફર ફી ઘટવાથી એવા લોકોને ફાયદો થવાનો છે જેઓ મોટી રકમ ભરવાને કારણે તેમની જમીન ફ્રી હોલ્ડ કરાવતા ન હતા હવે આવા લોકો ફ્રી હોલ્ડના બદલે ટ્રાન્સફર ફી થકી જમીનોના સોદા પાર પાડશે.

ફ્રી હોલ્ડમાં માત્ર રહેણાંક જયારે ટ્રાન્સફર ફીમાં કોમર્શિયલ-ઇન્ડસ્ટ્રીયલ પણ

ટ્રાન્સફર ફી ઘટાડવાના નિર્ણયમાં ઉદ્યોગપતિઓને કેવી રીતે ફાયદો થઈ રહ્યો છે તે સમજવા ફ્રી હોલ્ડની જોગવાઈ પણ જાણવા જેવી છે સરકારે ફ્રી હોલ્ડમાં માત્ર રહેણાંકની જમીન માટે જ મંજૂરી આપેલી છે તેમાં કોમર્શિયલ કે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટનો સમાવેશ થતો નથી જયારે ટ્રાન્સફર ફીમાં રહેણાંક ઉપરાંત ગાંધીધામ-કંડલા સંકુલમાં આવેલી તમામ એટલે કે કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ જમીનનો સમાવેશ થાય છે એટલે હવે જે મોટા પ્લોટ ઉપર બાંધકામ કરવામાં આવ્યું ન હતું અને જેને કંડલા પ્લોટ પાછા લઈ લેવાની વાત કરે છે તેવા મોટા પ્લોટ ધારકોને પણ ટ્રાન્સફર ફી ઘટાડવાના મોદી સરકારના નિર્ણયથી ફાયદો થવાનો છે

સાંસદ અને ધારાસભ્ય આવ્યા નહીં કે બાદબાકી ?

સામાન્ય રીતે જયારે પણ અનેક લોકોને સ્પર્શતા મોટા નિર્ણયની જાહેરાત કરવાની હોય ત્યારે સત્તાપક્ષ ભાજપ તેની ક્રેડિટ લેવાની એકપણ તક છોડતો નથી ત્યારે ગાંધીધામ-કંડલા સંકુલને સ્પર્શતાં આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત વેળાએ કચ્છનાં સાંસદ વિનોદ ચાવડા અને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જોવા મળ્યા ન હતા માત્ર એટલું જ નહીં કચ્છ કે ગાંધીધામ ભાજપના અગ્રણીઓ પણ કંડલા પોર્ટના આ કાર્યક્રમમાં જોવા મળ્યા ન હતા. જેને કારણે પણ એક એવી ઇમ્પ્રેશન પડતી હતી કે સંકુલના અમુક ચોક્કસ લોકોને ધ્યાનમાં રાખીને જ ગાંધીધામ ચેમ્બર ભવનમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જમીનની લડત ‘જન આક્રોશ’વખતે જે જાણીતા ચહેરાઓ રોડ ઉપર ઉતરી આવ્યા હતા તેમની ગેરહાજરી પણ જોવા મળી હતી.

આખા ભારતમાં સૌથી વધુ 18 ટકા વ્યાજ-પેનલ્ટી વસુલે છે પોર્ટ

એક તરફ જયાં કંડલા પોર્ટનાં ચેરમેન સંજય મેહતા કાર્યક્રમમાં એવો દાવો કર્યો હતો કે ટ્રાન્સફર ફી ઘટાડીને સરકારે લોકોને રાહત આપી છે. બીજી બાજુ આ જ કંડલા પોર્ટ બાકી રકમ ઉપર એટલું વ્યાજ-પેનલ્ટી વસુલે છે કે દેશ આખામાં તેમનો પહેલો નંબર આવે છે કોઈપણ સરકારી બોડી 12 ટકાથી વધુ બાકી રકમ ઉપર વ્યાજ લેતી નથી ત્યાં કંડલા પોર્ટ 18 ટકા વ્યાજ લે છે આ વાત ચેરમેન મેહતા સમક્ષ આવતા તેમણે આ મામલે ઘટતું કરવાનું કહ્યું હતું.