ન્યૂઝ4કચ્છ નેટવર્ક . ભુજ કચ્છનાં રાજકારણ અને સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચાવનાર KDCC બેંક કૌભાંડમાં ઝડપાયેલા 26 આરોપીને કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ ઉપર મોકલી આપ્યા છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા કૌભાંડ બહુ મોટું અને ઝડપાયેલા આરોપીઓ તપાસમાં સહકાર ન આપતા હોવાથી તેમજ જરૂરી દસ્તાવેજો કબજે કરવાના હોવાથી તેમના દસ દિવસનાં રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કરોડો રૂપિયાની ઉચાપતના કચ્છના ચર્ચાસ્પદ કહી શકાય તેવા કૌભાંડમાં સીઆઇડી દ્વારા શુક્રવારે 26 આરોપીને ઝડપી લેવામાં આવ્યા બાદ શનિવારે તેમને ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
ભુજ કોર્ટમાં સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા આરોપીઓને રજૂ કરી તપાસ માટે દસ દિવસનાં રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કચ્છનાં માંડવી અને અબડાસા તાલુકામાં આવેલા જુદા જુદા ગામથી મંડળીઓ રચીને આ આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં લોનની રકમની રિકવરી ઉપરાંત કેટલાક મહત્વના પાસા અંગે વધુ તપાસ સંદર્ભે સીઆઇડી દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. રાજકીય વર્ચસ્વ ઉપરાંત મોટા આર્થિક કૌભાંડનાં પડદા પાછળના કસબીઓને ઝડપી લેવા માટેનો સીઆઇડી દ્વારા તખ્તો ગોઠવી દેવામાં આવ્યો હોવાનો દાવો સૂત્રો કરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં વધુ એફઆઇઆર અને ધરપકડ થાય તેવી પણ શકયતા છે. સૂત્રોનું માનીએ તો આ કૌભાંડ દરમિયાન KDCC બેન્કના ચેરમેન સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટરની પણ સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેને લીધે કચ્છ ભાજપ સહિત કોંગ્રેસનાં કેટલાક કહેવાતા અગ્રણીઓનું બ્લડ પ્રેશર વધી ગયું છે. રાજકીય વર્ચસ્વની સાથે સાથે મસમોટા આર્થિક કૌભાંડમાં ભુજનાં આરટીઆઇ એક્ટિવિસ્ટ હેનરી જેમ્સ ચાકો દ્વારા સમગ્ર પ્રકરણમાં શરૂઆતથી જ એક્ટિવ ભૂમિકાને કારણે સમગ્ર મામલો સ્ટેટ લેવલની એજન્સી સુધી પહોંચ્યો હતો.
તમામ આરોપીનો એક જ જવાબ, જયંતિ ઠક્કર ડુમરા
પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા અને KDCCનાં કૌભાંડમાં મુખ્ય માનવામાં આવતા અબડાસા તાલુકાના ડુમરા ગામનાં જયંતિલાલ જેઠાલાલ ઠક્કરની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કારણ કે પકડાયેલા તમામ 26 આરોપી પૂછપરછમાં જયંતિ ઠક્કર ડુમરાનું જ નામ લઈ રહ્યા છે. આ ઉપરાંત આગામી સમયમાં વધુ દસ જેટલી એફઆઇઆર નોંધવાની વાત સૂત્રો કરી રહ્યા છે તેમાં પણ જયંતિ ઠક્કર ડુમરાની જ ભૂમિકાની વાત સામે આવી રહી છે. જેને લીધે આગામી દિવસોમાં કચ્છના જાણીતા લોકોની ધરપકડના ન્યૂઝ પણ આવી શકે છે.
ગુજરાત સરકારનાં કયા મંત્રીને રસ છે આ પ્રકરણમાં ?
રાજકીય વગની લડાઈ સાથે જોડાયેલા આ પ્રકરણમાં જયાં એક તરફ પૂર્વ ધારાસભ્યની હત્યા પણ ઘણા કારણોમાંનું એક માનવામાં આવી રહ્યું છે ત્યારે હજુ પણ ગુજરાત સરકારના એક મંત્રી આ કૌભાંડમાં ખાસ નજર રાખી રહ્યા છે. આરોપીઓની જયારે ધરપકડ કરવામાં આવી અને તેમને ભુજ લાવવામાં આવ્યા હતા ત્યારે સાંજ સુધી મંત્રીનો એક ખાસ એવો ‘વહીવટદાર’ પોલીસ તાલીમ ભવનમાં જોવા મળ્યો હતો. જેને લીધે કચ્છ ભાજપમાં પણ સમગ્ર મામલો ટોકિંગ પોઇન્ટ બની રહ્યો હતો.