ન્યૂઝ4કચ્છ નેટવર્ક.ગાંધીધામ ભુજ ખાતે આજે કેટલાક સેવાભાવી લોકો કલેક્ટરને સહાયનો આઠેક લાખનો ચેક આપવા આવ્યા હતા જેમાં કચ્છ ભાજપનાં દિલીપ ત્રિવેદી સહિતનાં નેતાઓ-કાર્યકર્તાઓ ભેગા થયા હતા અન્ય સરકારી કામે આવેલા ગુજરાત સરકારનાં મંત્રી વાસણભાઈ આહીર પણ ચેકની વિધિ પછી ફોટો સેશનમાં જોડાયા હતા કોરોના મહામારીના પગલે લોકો એકબીજાને સહાય-સેવા કરીને માનવીય અભિગમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે ત્યારે આવા અતિરેકમાં અથવા તો પ્રસિદ્ધિની લાલચમાં થયેલી ઘટનામાં સોસીયલ ડિસ્ટન્સ સહિતની તકેદારી રાખવામાં આવતી નથી અને તેમાં પણ આવી ભૂલ અથવા બેદરકારી જયારે સરકારનાં પ્રતિનિધિઓ કરે ત્યારે લોકોમાં તેની ચર્ચા અને ગંભીર કહી શકાય તેવી છાપ પડતી હોય છે. હવે જોવાનું એ રહ્યું કે, પોલીસ આમાં કેવા પ્રકારની કાર્યવાહી કરે છે.
કોરોનાનો બીજો પોઝીટીવ કેસ જયાં જોવા મળ્યો છે તેવા ભુજ પાસેનાં માધાપર ગામથી કેટલાક લોકો સહાયનો ચેક આપવા માટે ભુજમાં કલેક્ટર કચેરીએ આવ્યા હતા ચેક આપવાની મોટાભાગની વિધિમાં અચૂક હાજર રહેતા ભાજપનાં દિલીપ ત્રિવેદી આ વખતે સાથે કચ્છ ભાજપનાં અન્ય અગ્રણીઓ તથા કાર્યકારોનું ટોળું પણ કલેકટોરેટમાં ધસી આવ્યું હતું કોરોનામાં લોકો એકબીજાથી દૂર રહીને સોસીયલ ડિસ્ટન્સ જાળવે તે માટે તંત્ર દ્વારા ચારથી વધુ લોકો એકઠા ન થાય તે માટે કલમ 144 મુજબનું જાહેરનામું અમલમાં છે. આવા સંજોગોમાં કલેક્ટર કચેરીમાં મંત્રીની ઉપસ્થિતિમાં ટોળું ભેગું થાય તો સામાન્ય લોકોમાં કેવો મેસેજ ગયો હશે ?
અગાઉ પણ કચ્છમાં સેવા મદદને નામે કહેવાતા સેવાભાવી લોકો દ્વારા આ રીતે પબ્લિસિટી સ્ટંટ કરવામાં આવતો હોવાની ચર્ચા લોકમુખે ચર્ચાઈ ચુકી છે ત્યારે આ કલેક્ટર કચેરીનાં ઉંબરે ગ્રુપ ફોટો જોઈને તો એમ જ થાય છે કે, કાયદો ફકત સામાન્ય લોકો માટે જ છે. હવે જોવાનું એ રહ્યું કે, ભુજ પોલીસ આ ઘટનામાં કેવી કાર્યવાહી કરે છે કારણ કે એક સરકારમાં મંત્રી છે તો બીજા સી.એમનાં ખાસ છે.
ચાણસ્મા પાટણનાં ઘારાસભ્ય સામે કાર્યવાહી થઈ હતી
કોરોનામાં જરુરીયાતમંદ લોકોને ભોજન પીરસવા જતા સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરવા બદલ રાધનપુર પોલીસ દ્વારા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી ધારાસભ્ય રઘુ દેસાઇ દ્વારા જરુરીયાતમંદ લોકોને ભોજન પીરસવાના વિડીયો અને ફોટા વાયરલ થયા હતા આથી રાઘનપુર પોલિસ મથકે કલમ ૧૪૪ અને જાહેરનામાના ભંગ બદલ તેમની સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી કચ્છ તથા રાધનપુરની ઘટનામાં બે પોઇન્ટ કોમન છે એક, આ બંને વિસ્તાર પોલીસનાં બોર્ડર રેન્જનાં આઈજીનાં તાબા હેઠળ આવે છે અને બીજું કે, બંને ઘટનામાં ભાવના સેવાની જ હતી હા, ખાલી એક વાત અલગ પડે છે અને તે એ છે કે, કચ્છની ઘટનામાં સત્તાપક્ષ ભાજપનાં ધારાસભ્ય છે જયારે પાટણમાં ધારાસભ્ય કોંગ્રેસનાં હતા.