Home Current બિહારનાં શ્રમિકોને મોકલવાને મુદ્દે કચ્છમાં IAS અને IFS ટકરાયા, જાણો કોણ ફાવ્યું?

બિહારનાં શ્રમિકોને મોકલવાને મુદ્દે કચ્છમાં IAS અને IFS ટકરાયા, જાણો કોણ ફાવ્યું?

1191
SHARE
જયેશ શાહ.ગાંધીધામ બિહારનાં મજૂરોને તેમના માદરે વતન મોકલવાને મામલે કચ્છમાં એક IAS અને IFS અધિકારી વચ્ચે ટકરાવ જેવી સ્થિતિ ઉભી થઈ છે એક તરફ જયાં કંડલા પોર્ટના ચેરમેન પરપ્રાંતિય શ્રમિકોને ન મોકલવા માટે ગુજરાત સરકારમાં રજુઆત કરે છે ત્યાં બીજી તરફ કચ્છનાં કલેક્ટરે બિહાર સરકારમાં રજુઆત કરીને બિહારી મજૂરોને મોકલવા માટે મંજૂરી માંગી છે બંને સનદી ઓફિસર દ્વારા આ અંગે પત્ર લખીને કાર્યવાહી કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે.
કંડલા પોર્ટના ચેરમેન અને ગુજરાત કેડરના ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) અધિકારી સંજય મેહતાએ બુધવારે છઠ્ઠી મેના રોજ ગુજરાત સરકારને એક પત્ર લખીને માઈગ્રેટ લેબરને પરત મોકલવાનાં નિર્ણયમાં ફેર વિચારણા કરવા માટે લખ્યું છે ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમને લખેલા પત્રમાં કંડલા પોર્ટનાં ચેરમેન મેહતાએ કાર્ગો હેન્ડલિંગની કામગીરીમાં અન્ય પ્રાંતના મજૂરોનું ખૂબ મહત્વ હોવાનું જણાવતા લખ્યું હતું કે, હાલ ઓછા લેબર ફોર્સ સાથે પોર્ટની કામગીરી 70 ટકા અસર સાથે કામ ચાલી રહ્યું છે મજૂરોને તેમના ગૃહ રાજ્યમાં મોકલવાને કારણે કોલસા, ફર્ટિલાઇઝર, સોલ્ટ, ટીમ્બર, સુગર વગેરે જેવી કોમોડિટી ઉપર ગંભીર અસર પડી શકે તેમ છે. ચેરમેન મેહતાએ તેમના પત્રમાં કેન્દ્રીય ગૃહ મંત્રલાયનાં ડેમી ઓફિશિયલ પત્ર (DO લેટર)નો ઉલ્લેખ કરીને આ પ્રકારની લેબર મુવમેન્ટ ન કરી શકાય તેમ જણાવ્યું હતું.
જે દિવસે કંડલા પોર્ટના ચેરમેન મેહતાએ લેબર ન મોકલવા લેટર લખ્યો હતો તે જ દિવસે કચ્છ કલેક્ટર પ્રવીણા ડી.કે.એ બિહાર રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો. જેમા તેમણે કચ્છમાં, ખાસ કરીને ગાંધીધામમાં આવેલા બિહારનાં શ્રમિકોને પરત મોકલવા માટે મંજૂરી માંગી હતી જેને પગલે બિહારનાં સંયુક્ત સચિવ શ્યામ બિહારી મીણાએ તેમના રાજ્યોનાં લોકોને ગાંધીધામથી ટ્રેન મારફતે આગામી નવમી મેનાં રોજ સવારે છ વાગે મોકલવાની પરમિશન આપી હતી આમ મજૂરોને મોકલવાને મામલે કચ્છમાં બે સનદી અધિકારીઓ આમને સામને આવી ગયા છે. જેમાં હાલ કચ્છ કલેક્ટરનું પલડું ભારે હોય તેમ લાગી રહ્યું છે.

ચેરમેને જવાબદારીથી બચવા આવું કર્યું ?

કેન્દ્ર અને રાજ્યમાં જયારે એકજ રાજકીય પક્ષની સરકારો હોય ત્યારે સામાન્ય રીતે અધિકારીઓ આ રીતે આમને-સામને આવતા નથી હોતા પરંતુ જે રીતે કંડલા પોર્ટના ચેરમેન સંજય મેહતાએ પત્ર લખીને મજૂર ન મોકલવા અંગે લખ્યું છે તેને જોતા આ એક ફોર્માંલિટી કરી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે લોકડાઉન પૂરું થાય ત્યારે જો ઓછા કારગોનું ઠીકરું તેમના માથે ફોડવામાં આવે ત્યારે તેઓ કહી શકે કે તેમણે તો સરકારને ચેતવી હતી કે સ્થિતિ બગડી શકે છે.