જયેશ શાહ(ન્યૂઝ4કચ્છ.ભુજ) : કચ્છની સામે પાર પાકિસ્તાનમાં જન્માષ્ટમીની ઉજવણીનો એક વિડિઓ વાયરલ થયો છે.જેમાં લોકો જે રીતે કૃષ્ણની શણગારેલી મૂર્તિની આસપાસ રાસડા લેતા જોવા મળે છે તેને જોઈને માન્યમાં નથી આવતું કે આ જગ્યા પાકિસ્તાનમાં આવેલી છે.
પાકિસ્તાનમાં સિંધ પ્રાંત એવો છે જયાં અન્ય પ્રાંતની સરખામણીએ હિન્દુઓની સંખ્યા વધુ છે. જયાં ક્ષત્રિય-સોઢા ઉપરાંત મહેશ્વરી અને મારવાડા સમાજનાં લોકો વસે છે. દર વર્ષે અહીં અન્ય હિન્દૂ તહેવારોની જેમ આઠમની ઉજવણી પણ ધામધૂમથી ઉજવાય છે. સિંધના દીપલો તાલુકાનાં ગામનાં મારવાડા સમાજનાં યુવાનો દ્વારા જન્મોસત્વની ઉજવણીનો વિડિઓ વાયરલ થયો હતો. સોઢા સમુદાયનાં લોકોએ આ વિડિઓ કચ્છમાં રહેતા તેમના સગાઓને મોકલવામાં આવતા પાકિસ્તાનમાં કેવી રીતે જન્માષ્ટમી ઉજવાય છે તેની ખબર પડી હતી.
સુત્રોનું માનીએ તો, દર વર્ષે આ ગામમાં યુવાનો દ્વારા માટીનાં કૃષ્ણ બનાવીને તેમને વાઘા પહેરાવવામાં આવે છે. ત્યારબાદ ઘરની બહાર મૂર્તિ મૂકીને તાળીઓના તાલે ગરબાની જેમ નાચવામાં આવે છે. પહેરવેશથી મુસ્લિમ જેવા લાગતા આ મારવાડા યુવાનો જે સંગીતના તાલે ઝૂમતા જોવા મળે છે તેમાં સિંધી સંગીતની પણ અસર જોવા મળે છે.