કોરોના મહામારી વચ્ચે પણ અંતે ગુજરાતની 8 સાથે વિધાનસભાની 1 નંબરની બેઠકની પેટાચુંટણી માટેની જાહેરાત અને તેની તૈયારી ફુલજોશમાં છે ત્યારે ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી અબડાસા બેઠકમાં વિજયી બનવા ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક તરફ કચ્છના સાંસદ-ધારાસભ્યો બેઠકોનો દોર સંભાળી રહ્યા છે તે વચ્ચે આજે ખાનગી મુલાકાતે રાજ્યના ગૃહમંત્રી કચ્છ આવ્યા હતા આમતો તેમની આ મુલાકાત ખાનગી હતી અને તેઓ સંપુર્ણ પરિવાર સાથે તેમના દેવસ્થાન અને ત્યાર બાદ માતાનામઢ દર્શન કરવા માટે પહોચ્યા હતા. જો કે તે વચ્ચે કચ્છમાં તેઓ ઘણા રાજકીય-સામાજીક આગેવાનોને મળ્યા હતા. ગઇકાલે રાજ્યના મંત્રી,સાંસદ,ધારાસભ્યો ભુજ સ્થિત રીસોર્ટમાં તેમના સ્વાગત માટે ગયા હતા ત્યારે અબડાસા બેઠકના ભાજપના ઉમેદવાર પદ્યુમનસિંહ જાડેજાને પણ તેઓ મળ્યા હતા. જો કે ભાજપના અન્ય ચુંટાયેલા આગેવાનોને ટકોરની સાથે પ્રદિપસિંહ જાડેજાએ બાપુને ખાસ બેઠક જીતાડવા માટેની ટકોર કરી હતી.
અને ભુજની ખાનગી હોટલમાં પ્રદિપસિંહે કહ્યુ…..
માદરે વતન કચ્છમાં પરિવાર સાથે આવેલા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહે મિડીયાથી પારિવારીક મુલાકાત હોતા અંતર બનાવ્યુ હતુ. પરંતુ મીડીયાને ઔપચારીક રીતે મળવાની સજ્જનતા તેઓ ચુક્યા ન હતા દિકરાના લગ્ન બાદ માતાનામઢ તથા ધાર્મીક સ્થળે દર્શન માટે આવેલા પ્રદિપસિંહ જાડેજાએ અબડાસા,નખત્રાણાના સામાજીક આગેવાન અને પદ્યુમનસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી તો કચ્છના અન્ય ધારાસભ્ય,સાંસદ,ભાજપ પ્રમુખ અને ક્ષત્રિય સમાજના આગેવાન વિરેન્દ્રસિંહ જાડેજા સાથે આજે બેઠક કરી હતી. અને ખાસ ભાર પુર્વક માંડવીના ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજના પ્રમુખને કહ્યુ હતુ કે બાપુને બેઠક ગમે તેમ કરી જીતવાની છે જો કે તેમના આ સંવાદનો અલગ-અલગ ગણગણાટ બેઠક પુર્ણ થયા બાદ જોવા મળ્યો હતો. અને સૌ કોઇના મનમાં પ્રશ્ર્ન હતો કે ભાર પુર્વક શા માટે વિરેન્દ્રસિંહને જ પ્રદિપસિંહ જાડેજાએ ટકોર કરી હોઇ શકે.
કચ્છના બે કેસોની ચર્ચા સાથે પોલિસ સાથે બેઠક
પોતાની ખાનગી મુલાકાતની સાથે તેઓએ અનેક લોકોને મળવા માટે પણ ખાસ સમય આપ્યો હતો જે રીતે ચુંટણી સંદર્ભે રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી તેમ કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતીની સાથે પ્રદિપસિંહ જાડેજાએ કચ્છમાં તાજેરતમાંજ ચર્ચીત બનેલા બે કેસોની માહિતી પણ મેળવી હતી. કચ્છ બોર્ડર રેન્જના આઇ.જી તથા પચ્છિમ કચ્છ જીલ્લા પોલિસવડા આ મુલાકાત સમયે હાજર રહ્યા હતા. જેમાં રાપરમાં થયેલી દેવજી મહેશ્ર્વરી હત્યાકેસની તપાસ તથા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર સામે વિન્ડ કંપનીના વિવાદમાં થયેલી પોલિસ ફરીયાદ બાબતે તેઓએ જાત માહિતી મેળવી કાયદો વ્યવસ્થાની સ્થિતી અંગે ચર્ચા કરી હતી
આમતો કચ્છ અબડાસા બેઠકની જવાબદારી ગુજરાતના ઘણા ધારાસભ્ય મંત્રીને અપાઇ છે પરંતુ પ્રદિપસિંહની વિશેષ હાજરી કઇક અલગ સુચવે છે. ભલે તેઓ પરિવાર સાથે નિરાંતની પળો માણવા સાથે ધાર્મીક કાર્ય માટે આવ્યા હોય પરંતુ તેમની આ મુલાકાત બાદ રાજકીય ઉથલપાથલ અને અબડાસા બેઠક પર ગુપ્ત મંત્રણા અને એક નવોજ ઉત્સાહ જોવા મળશે જો કે તેઓએ ચુંટણી દરમ્યાન વધુ એક મુલાકાત અંગે પણ ઔપચારીક વાત કરી હતી.