ભુજ તાલુકાના કનૈયાબે નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવકોના ઘટના સ્થળેજ મોત નિપજ્યા હતા. યુવકો કનૈયાબે ગામના જ મોહમ્મદ હુસેન કાસમસા શેખ
અને મુસ્તાક કાસમસા શેખ હોવાનુ સામે આવ્યુ છે. તો બીજી તરફ અકસ્માત બાદ ટ્રકમાં અચાનક આગ લાગતા પોલિસ પણ દોડતી થઇ હતી. સ્થાનીક સુત્રો તરફથી જાણવા મળેલી વિગતો મુજબ અકસ્માત બાદ ઉશ્કેરાયેલા સ્થાનીક લોકોએ ટ્રકમા આગ લાગી હોવાનુ જાણવા મળી રહ્યુ છે. પરંતુ પોલિસે આ મામલાને સત્તાવર સમર્થન આપ્યુ નથી અને ટ્રક થાંભલા સાથે અથડાયા બાદ આગ લાગી હોવાનુ પણ અનુમાન છે. જો કે ટ્રકમા આગ લાગ્યા બાદ પહોચેલી પોલિસે હાલ સ્થિતી કાબુમાં લઇ લીધી છે. અને સ્થાનીક ફાયર-ફાઇટરોની મદદથી આગ પર કાબુ મેળવી લીધો છે. યુવકો ગામની બહાર નિકળી રહ્યા હતા ત્યારે ભચાઉથી ભુજ તરફ આવી રહેલી ટ્રકે ટક્કર મારી હતી જે ગંભીર અકસ્માતમાં સ્થળ પર જ બે યુવકોના મોત નીપજ્યા હતા. બનાવ સંદર્ભે પધ્ધર પોલિસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે.