કચ્છના બહુચર્ચીત અને ચકચારી ભુજ રાવલવાડી પોસ્ટ ઓફીસમાં થયેલી ઉચાપત મામલે પહેલા 5 અને ત્યાર બાદ 3 દિવસના રીમાન્ડ પર રહેલ સચિન ઠક્કર આજે તેના રીમાન્ડ પુર્ણ થવાના અંતિમ દિવસે પોલિસ મથકેથી નજર ચુકવી ભાગી ગયો હતો. શહેરના ભરચક અને મહત્વની શાખાઓ વચ્ચે આવેલા પોલિસ મથકેથી હાઇપ્રોફાઇલ કેસનો આરોપી ભાગી જતા મહત્વની બ્રાન્ચ અને એ ડીવીઝન પોલિસ મથકે મહત્વના તમામ સ્થળો પર નાકાબંધી સાથે સી.સી.ટી.વી ફુટેજના આધારે નાશી ગયેલા સચિન ઠક્કરને ઝડપવા વિવિધ ટીમ બનાવી હતી. ત્યારે એ ડીવીઝન પોલિસની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજે સચિન ઠક્કરને ધનશ્યામ નગર વિસ્તારમાંજ રહેતા તેના મિત્રના ઘરેથી ઝડપી પાડ્યો છે. તેનો મિત્ર પણ પોસ્ટમાં એજન્ટ તરીકે કામ કરે છે. આમ પોલિસની સતર્કતાથી ગણતરીની કલાકોમાં સચિન ઠક્કર ફરી પોલિસની ગીરફ્તમા આવી ગયો છે.
ચંપલ મુકી ભાગ્યો સચિન 3 સામે ફરીયાદ
ભુજ એ ડીવીઝન પોલિસના લોકઅપમાં સવારે સફાઇનુ કામ ચાલી રહ્યુ હતુ. ત્યારે સચિન ઠક્કર ફરજ પરના કર્મીની નજર ચુકવી આરામથી પોલિસ મથક બહાર જતો સી.સી.ટી.વીમાં કેદ થઇ ગયો હતો. એલ.સી.બી ઓફીસ જવાના રસ્તે તેના ચંપલ મળી આવ્યા હતા અને ત્યાથી તે ભાગ્યો હોવાની શંકા હતી. જેથી પોલિસને તપાસની દિશા તો મળી જ ગઇ હતી. જે આધારે પોલિસે તેના નજીકના સંપર્કમાં રહેનારા લોકોની તપાસ શરૂ કરી હતી. જેમાં સચિન ઠક્કર ધનશ્યામ નગરમાં રહેતા વિજય જેઠાલાલ સોની ના ઘરેથી મળી આવ્યો હતો. જેથી પોલિસે તેની મદદગારી કરવાના કિસ્સામાં ફરીયાદ નોંધી છે. તો એ ડીવીઝન પોલિસ મથકે ફરજ બજાવતા પ્રૃથ્વીરાજસિંહ જાડેજા નામના પોલિસ કર્મચારી સામે પણ ફરજમા બેદરકારી બદલ ફરીયાદ નોંધી છે. જો કે સચિન ઠક્કર શા માટે ભાગ્યો તે હજુ સુધી સામે આવ્યુ નથી. પરંતુ અસ્વસ્થ સ્થિતીમા તેને આ પગલુ ભર્યુ હોય તેવુ પોલિસ માની રહી છે
ચકચારી એવા કૌભાડમાં સચિન પહેલા 5 દિવસ અને ત્યાર બાદ 3 દિવસ દરમ્યાન પોલિસની ગીરફ્તમાં હતો અને પોલિસને સપને પણ ખ્યાલ નહી હોય કે સચિન ઠક્કર આવુ કોઇ પગલુ ભરશે પરંતુ સવારે સચિન ભાગી જતા નાશભાગ મચી ગઇ હતી જો કે એ ડીવીઝન પોલિસે જ તેનુ પગેરૂ મેળવવા આપેલી ટીપ્સના આધારે LCB એ સચિન ઠક્કરની ધરપકડ કરી છે. અને PSO સામે બેદરકારી અને તેના સાથી મિત્ર સાથે મદદગારી અંગે ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સવારે ભાગેલો સચિન ઠક્કર ગણતરીની કલાકોમાં ફરી પોલિસની ગીરફ્તમાં આવી ગયો છે.