Home Social કોરોના મહામારી વચ્ચે કચ્છની સૌથી મોટી સરહદ ડેરીના 28 કરોડની બોનસ જાહેરાત...

કોરોના મહામારી વચ્ચે કચ્છની સૌથી મોટી સરહદ ડેરીના 28 કરોડની બોનસ જાહેરાત પર કેમ ઉઠ્યા સવાલો ?

1669
SHARE
તાજેતરમાંજ કોરોના મહામારી વચ્ચે કચ્છની સૌથી મોટી એવી સરહદ ડેરીએ દુધ ઉત્પાદકોને આવી મહામારી વચ્ચે પણ ભાવફેર બોનસ આપવાની જાહેરાત કરી વિતરણ વ્યવસ્થા શરૂ કરી દેવાઇ હોવાની સત્તાવાર માહિતી આપી હતી અને 28 કરોડ રૂપીયા કુલ બોનસ ચુકવવામા આવશે તેવી જાહેરાત કરી હતી. જો કે મંડળીઓને પૈસા આપવાની પધ્ધતી સામે સવાલો ઉભા કરવા સાથે આ મામલે કોગ્રેસના એચ.એસ.આહિરે લેખીત ફરીયાદ કરી છે
સરહદ ડેરીએ શુ કરી હતી જાહેરાત
કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન મંડળીઓ દ્વારા દૂધ સંઘ માં ભરાવવામાં આવેલ દૂધના પ્રમાણમાં ગત વર્ષ મુજબ પ્રતિ લિટર ૨ થી ૨.૨૫ રૂપિયા જેટલું કુલ ૨૮ કરોડ દૂધ ભાવફેરની ચુકવણી કરવાની શરૂઆત કરી દેવામાં આવેલ છે જે અંતર્ગત લોરીયા, ભીરંડિયારા અને ખાવડા સેન્ટરની ૪૦ મંડળીઓ ૨ કરોડના બોનસની ચુકવણી કરી દેવામાં આવેલ છે.આ બાબતે સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યુ છે કે દૂધ સંઘ દ્વારા દર વર્ષે પશુપાલકોને દૂધ ભાવફેરની ચુકવણી કરવામાં આવે છે જે પરંપરા ચાલુ વર્ષે પણ ચાલુ રાખી છે અને ચુકવણીની શરૂઆત કરી દેવામાં આવેલ છે. દૂધ સંઘ દ્વારા હંમેશા પશુપાલકોના હિતને પ્રાધાન્ય આપવામાં આવેલ છે અને તેને અનુસરીને જ નિર્ણય લેવામાં આવેલ છે જેમાં ગત વર્ષે ૧૬ કરોડનું બોનસની ચુકવણી કરવામાં આવેલ હતી જે ચાલુ વર્ષે કોરોનાના કપરા સમયમાં મંડળીઓ, પશુપાલકો, દૂધ સંઘના કર્મચારીઓ અને તંત્રના સહયોગ અને મહેનતના કારણે ચાલુ વર્ષે ૨૮ કરોડનું ચુકવણી કરવામાં આવશે. તેમજ બોનસની સાથે હાલમાં કપાસિયા ખોળ અને ભુસાના ભાવો વધવા પામ્યા છે તેવામાં પશુપાલકોને સરહદ દાણની ૨ બેગ પણ આપવામાં આવશે. અને સરહદ દાણ પણ વ્યાજબી કિમતે પશુપાલકોને પહોચતું કરવામાં આવે છે.વધુમાં સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે જે જે મંડળીઓના જરૂરી ડૉક્યુમેન્ટ અંજાર ઓફિસે આવી ગયેલ છે તે તમામ મંડળીઓને આ માસના અંત સુધીમાં ચુકવણી કરી દેવામાં આવશે જેથી જે મંડળીઓના ડૉક્યુમેન્ટ બાકી હોય તેઓ તાત્કાલિક ડૉક્યુમેન્ટ હેડ ઓફિસે જમા કરાવે.
કોગ્રેસી આગેવાને શુ આક્ષેપ સાથે ફરીયાદ કરી?
આ મામલે કોગ્રેસી કાર્યક્રર એચ.એસ આહિરે રાજ્ય રજીસ્ટ્રાર ગાંધીનગરમાં લેખીત ફરીયાદ કરી અને બોનસ ચુકવણી સામે સવાલો ઉભા કરી આ પ્રક્રિયા પારદર્શક કાર્યવાહીની માંગ કરી છે. સરહદ ડેરી દ્વારા આ વર્ષે ૨૮ કરોડનું બોનસ ચૂકવવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ બોનસના હક્કદાર પશુપાલકો છે. સરહદ ડેરી દ્વારા બોનસ જે તે મંડળીને ઓન લાઈન ટ્રાન્સફર કરી આપવામાં આવે છે. ત્યાં બાદ મંડળી દ્વારા પશુપાલકોને રોકડમાં ચૂકવવામાં આવે છે. આ રોકડ ચૂકવવાના થાય છે ત્યાં જ મોટા પાયે ગોલમાલ કરવામાં આવે છે. સરહદ ડેરીના ચેરમેન અને જિલ્લામાં વધુ દૂધ કલેક્શન કરતી મંડળીઓ દ્વારા જે તે દૂધ આપનારા પશુપાલકોના નામે કેટલો બોનસ છે તે જાહેર કરવામાં આવતો નથી. કચ્છ જિલ્લાના મોટા ભાગના પશુપાલકો અભણ છે જેથી તેમને પૂરી માહિતી પણ મળતી નથી. આ અજ્ઞાનતાનો લાભ ચેરમેન અને કેટલીક મંડળીઓ દ્વારા લેવામાં આવે છે. દર વર્ષે સરહદ ડેરીના ચેરમેન અને તેની મોટી મંડળીઓ દ્વારા બોનસ અને મફતમાં દાણ આપવાના બહાને લાખો રૂપિયા ચાઉં કરી જવામાં આવે છે. જે પશુપાલકો બોનસ નો હિસાબ માંગે એને યેનકેન પ્રકારે હેરાન કરી દૂધ બંધ કરી દેવામાં આવે છે. જેથી કોઈ પશુપાલક મંડળી અને ચેરમેન સામે અવાજ પણ નથી ઉઠાવી શકતા. અમારી આપ સાહેબને માનસર અરજ છે જે કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (સરહદ ડેરી) દ્વારા જે બોનસ ચુકવણા કરવામાં આવે છે એનામાં પારદર્શિતા માટે તમામ પશુપાલકો ને સીધા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે અને દરેક પશુપાલકોના આપવાની થતી બોનસના આંકડા સરહદ ડેરી દ્વારા જાહેર કરવામાં આવે. હાલ સરહદ ડેરીના ચેરમેન દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જેથી આ બાબતે આપની કક્ષાએ થી સત્વરે તપાસ કરવામાં આવે અને પશુપાલકો ને ન્યાય અપાવવામાં આવે.
આમતો લાંબા સમયથી સરહદ ડેરીના ભષ્ટ્રાચાર નામે એક મુહીમ સોસીયલ મિડીયામા ચાલી રહી છે. જેમાં સરહદ ડેરી અને તેના ચેરમેન સામે ગંભીર આક્ષેપો કરવામા આવી રહ્યા છે. પરંતુ નથી અત્યાર સુધી આ મામલે કોઇ યોગ્ય તપાસ થઇ કે નથી સરહદ ડેરીના જવાબદાર અને ચેરમેને કોઇ જાહેર ખુલાસો કર્યો ત્યારે દુધ મંડળીઓને ફાયદા માટે થતા કામો સરાહનીય છે પરંતુ આટલી મોટી સંસ્થા સામે ઉઠતા સવાલો સામે જવાબદાર વ્યક્તિઓએ જો વાત ખોટી હોય તો ખુલાસો કરવો જરૂરી ચોક્કસ છે.