કચ્છમા આમતો લાંબા સમયથી ખનીજ ચોરીનુ સુનીયોજીત ષડયંત્ર ચાલી રહ્યુ છે. પરંતુ ઉપરથી આદેશ છુટે અને સ્થાનીકે કામગીરી દેખાડવાની થાય ત્યારે તંત્ર દ્રારા કાર્યવાહી કરાય છે. ભુતકાળમાં અનેક એવા કિસ્સા છે જેની ઉંડાણપુર્વકની અને સાચી તપાસ કરવામાં આવી હોત તો કચ્છના કેટલાય મોટામાથાના નામો સામે આવત પરંતુ હમેંશા ચોક્કસ નામો સુધી આવી તપાસ અટકી જાય છે. જો કે ભુતકાળની વાત ન કરીએ અને વર્તમાનની વાત કરીએ તો કચ્છના અબડાસા વિસ્તારમાં ખનીજચોરો પર અચાનક સપાટો બોલાવાયો છે. જે કામગીરીને લઇને અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. અને તેનુ એક કારણ એ છે કે આંતરીક સુત્રો ટુંક સમયમા કચ્છના અબડાસા વિસ્તારમાં મોટાપાયે ખનીજ ચોરીનો તખ્તો ગોઠવાશે તેવી વાતો કરતા હતા પરંતુ તે વચ્ચે થોડા દિવસ પહેલા અબડાસા પ્રાન્ત અધિકારીએ રાતના અંધારામાં સપાટો બોલાવ્યો હતો અને બેફામ ચોરી માટેની તૈયારીઓ પર પાણી ફેરવી નાંખ્યુ હતુ. અને હવે તે તપાસ હજુ ચાલુમાંજ છે ત્યા ફરી એજ અબડાસા વિસ્તારમાંથી ખનીજ ચોરી પકડાતા ખનીજચોરોમાં ફફટાડ ફેલાયો છે. ખાણ-ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કોડ દ્રારા SDM સાથે આ કામગીરી કરાઇ હતી. જેમાં અનેક સાધનો સહિત બેન્ટોનાઇટ ચોરીનુ કારસ્તાન પકડાયુ છે. જો કે કાર્યવાહીનો યસ ખાટવામાં ખાણખનીજ વિભાગે ભાંગરો વાટ્યો હતો
8 ડમ્પર બે એક્સકેવેટર સિઝ
પ્રાન્ત અધિકારીની કામગીરી બાદ સચેત બનેલા ખાણખનીજ વિભાગની ફ્લાઇગ સ્કોડને ગઇકાલે રાત્રે અબડાસાના રાયધણઝરમાં બેન્ટોનાઇટ ખનીજ ચોરી થતી હોવાની ફરીયાદ મળી હતી જે આધારે મદદનીશ નિયામક(એફ.એસ.)મેહુલ.બી. શાહની આગેવાનીમાં ફ્લાઈગ સ્કવોર્ડના માઇન્સ સુપરવાઇઝ મનોજ.બી.ઓઝા અને સર્વેયર વિક્રમસિંહ એસ.રાઠોડ તથા ભૂસ્તરશાસ્ત્રી-ભુજની કચેરીના માઇન્સ સુપરવાઇઝર સંજય લાખણોત્રા,માઇન્સ સુપરવાઇઝર યુવરાજ ગઢવી અને માઇન્સ સુપરવાઇઝર શંકર માતા વગેરેની સંયુક્ત તપાસ ટીમે દરોડો પાડ્યો હતો. સમગ્ર કામગીરી દરમ્યાન એસ.ડી.એમ દેવાંગ રાઠોડ પણ સાથે રહ્યા હતા.અને આખી કાર્યવાહીમાં તેમની આગેવાનીમાં થઇ હતી. જેમાં રાયધણઝર વિસ્તારમાં ચેકીંગ દરમ્યાન બેન્ટોનાઇટ ખનીજ ચોરી કરતા બે એક્સકેવેટર મશીન તથા (1) GJ12BX5737 (2) GJ12Z2409 (3) GJ07YY3205 (4) GJ12BW5948 (5)GJ12BZ7086 (6) GJ18AT8891 (7) GJ17UU6281 (8) GJ12BW4446 નંબરના 8 ડમ્પર મળી આવ્યા હતા. જે તમામ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. વાહનો કોઠારા પોલિસ મથકની કસ્ટડીમાં રાખવામાં આવ્યા હોવાનુ અધિકારીએ જણાવ્યુ હતુ.
ગાડી નંબરો પર તપાસનો આધાર
એસ.ડી.એમ અને ખાણખનીજ વિભાગે કરેલી કાર્યવાહી દરમ્યાન કોઇ હાજર મળી આવ્યુ નથી જો કે ગાડીના નંબર આધારે બન્ને કિસ્સામાં ખાણખનીજ વિભાગ તપાસ કરશે અગાઉ ખીરસરા વિસ્તારમાં ઝડપાયેલી ખનીજ ચોરી સાથે રાયધણઝર વિસ્તારમાં થયેલી ખનીજચોરીનો સાચો આંક મેળવવા માટે માપણી કરવામાં આવશે સાથે ઝડપાયેલા વાહનો કોની માલિકીના છે તે બાબતે પણ આર.ટી.ઓમાંથી વિગતો મેળવવામા આવશે ત્યાર બાદ દંડ તથા પોલિસ ફરીયાદની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે જો કે સુત્રોના જણાવ્યા મુજબ રાયધણઝરમાંથી સિઝ કરાયેલા ડમ્પરની યોગ્ય તપાસ કરવામાં આવે તો વાહનોના મુળ માલિકની પાછળ અગાઉ ખાણખનીજની બાબતોમાં ચર્ચામાં રહેતા એક વ્યક્તિની ભુમીકા હોવાનુ સુત્રોમાં ચર્ચાઇ રહ્યુ છે. જો કે મહત્વનુ એ રહેશે કે સમગ્ર મામલે તપાસ ક્યા જઇ અટકે છે.
કલેકટરની ખાણખનીજને કડક ટકોર
ગઇકાલે મોડી રાત્રે થયેલી કામગીરી બાદ વિવિધ માધ્યમોમા આ કામગીરીને વિગતો જાહેર કરાઇ હતી. જેમની આગેવાનીમાં આ સમગ્ર કામગીરી થઇ હતી.તેવા પ્રાન્ત અધિકારીનો ક્યાક ઉલ્લેખ કરાયો ન હતો. તો ખાણખનીજ વિભાગે તૈયાર કરેલી યાદીમાં પણ એમની આગેવાનીમાં કાર્યવાહીનો ક્યાક ઉલ્લેખ કરાયો ન હતો જો કે મોડેથી જીલ્લા કલેકટરના ધ્યાને આ વાત આવ્યા બાદ સમગ્ર કામગીરી જીલ્લા વહીવટી તંત્ર અને અબડાસાના પ્રાન્તની આગેવાનીમાં કરાઇ હોવાનુ સ્પષ્ટ થયુ હતુ ખાસ તો આ કિસ્સામાં દેવાંગ રાઠોડે ખાસ બાતમી આધારે ગુપ્ત રીતે આખુ ઓપરેશન ગોઠવી ખનીજચોરીનો પ્રર્દાફાસ કર્યો હતો જેમાં મહામુશ્કેલીએ પ્રાન્ત અધિકારી ટીમ સાથે ખનીજ ચોરીના સ્થળ સુધી પહોચ્યા હતા.અને સફળ કામગીરી કરી હતી. જો કે સુત્રોના જણાવ્યા મુજબ ખાણખનીજ વિભાગના આવા અભીગમની કલેકટરે કડક ટીકા કરી ઝાટક્યા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.
કચ્છના વિવિધ વિસ્તારોમાં રેતી,કાંકરી અને બેન્ટોનાઇટ સહિત બોક્સાઇટની ચોરી લાંબા સમયથી દુષણ બની છે. પરંતુ તેને અટકાવવા માટે જોઇએ તેટલી અસરકારક કામગીરી થઇ નથી તે પણ એટલુજ સત્ય છે. તેવામાં કલેકટરે આ બાબતને ગંભીર લઇ કરેલી કામગીરી ખરેખર સરાહનીય છે. જો કે કચ્છમાં વિવિધ તંત્રની મીલીભગતથી એક સુનીયોજીત ખનીજચોરીની આખી જાળ પાથરેલી છે તેની ઉંડાણપુર્વક તપાસ થાય તો મોટુ કૌભાડ ખુલ્લે તેમ છે. આ અંગે દેંવાગ રાઠોડે મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે સરકારી જમીનમાંથી ખનીજ ચોરી કરી ખાનગી માલિકીના પ્લોટમાં જથ્થો રાખી કાયદેસર કરવાના કિસ્સાઓ પણ બનતા હોય છે જેથી દરેક બાબતની જીણવટભરી તપાસ કરાશે અને આગમી સમયમાં પણ આવી પ્રવૃતિ સામે કાર્યવાહી ચાલુ રખાશે