કચ્છભરમાં ચકચાર જગાવનાર હત્યાનો ભેદ છ દિવસ બાદ અંતે પધ્ધર પોલીસે ઉકેલી નાંખ્યો છે. ભુજ તાલુકાના રેહા ગામે દસ તારીખે મોડી રાત્રે અકલવાયુ જીવન જીવતા યુવાત અતુલ પંચાણ મહેશ્ર્વરીની હત્યા કરાયેલી લાશ ઘરમાંથી મળી હતી. અગીયાર તારીખે મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે આ મામલે તપાસ આરંભી હતી સમાજના વિરોધ અને પરિવારની માંગને લઇને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા હતા અને તો સ્થાનીક પોલીસ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ જેવી ટીમ પણ તપાસમાં જોડાઇ હતી. એક સમયે સમાજે આરોપી નહી પકડાય તો લાશ ન સ્વીકારી પોલીસવડા કચેરી સામે વિરોધની ચીમકી પણ ઉચ્ચારી હતી. જો કે તે વચ્ચે પધ્ધર પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે અને ગામનાજ સુરેશ આત્મારામ ગરવા(મહેશ્ર્વરી) ની ધરપકડ કરી છે. પધ્ધર પોલીસે હત્યાના બનાવ બાદ સતત આ કેસનો ભેદ ઉકેલવા માટે પ્રયત્નો કર્યા હતા. જેમાં ટેકનીકલ એનાલીસીસ,હ્યુમન સોર્સની મદદથી અલગ-અલગ શંકાસ્પદ લોકોની પુછપરછ કરવામાં આવી હતી. તો ફોરેન્સીક તથા એફ.એસ.એલની મદદથી પણ શંકમદોની તપાસ કરાઇ હતી જેમા સુરેશ સામે પુરાવા મળતા તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં અંગત અદાવતમાં અગાઉ થયેલ મનદુખ બાબતે અતુલની હત્યાની કબુલાત આરોપીએ આપી છે. આ હત્યાના ભેદ ઉકેલવામાં વૈજ્ઞાનીક ઢબે થયેલી તપાસ ખુબ મહત્વની રહી હતી અને આરોપી શોધવામા સફળતા મળી હતી. કાર્યવાહીમાં પધ્ધર પોલીસ મથકના પીએસઆઇ એચ.એમ.ગોહિલ,રામસંગજી સોઢા,આદમ સુમરા,ઇન્દ્રસિંહ ઝાલા,શિવરાજસિંહ રાણા સહિતનો પોલીસ સ્ટાફ કાર્યવાહીમાં જોડાયો હતો. પધ્ધર પોલીસે દિવસ-રાત એક કરી આ ગુન્હો ઉકેલવા માટે કામગીરી કરી હતી.