ભુજના પાલારા પાસે શુક્રવાર તા/૧/૬ ના પેન્ટ શર્ટ પહેરેલી ૩૫ વર્ષીય યુવતીની લાશ મળી આવી હતી. મોઢું છૂંદાયેલી હાલતમાં મળેલી એ લાશની ઓળખ કરતા મૃતક યુવતી કમળા રાણશી ગઢવી હોવાનું અને તેણીની હત્યા કરાઈ હોવાનું ધ્યાને આવ્યા બાદ પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન એક પછી એક ભેદ ઉકેલતી પોલીસ તપાસમાં આ મર્ડર મિસ્ટ્રીના રહસ્યો ઉજાગર થતાં જ સનસનીખેજ માહિતી બહાર આવી હતી. ૩૫ વર્ષીય કમળા રાણશી ગઢવી વિધવા હતી અને મુક્ત મિજાજની હતી. તેના મુક્ત મિજાજના કારણે તેના પરિવારે તેનાથી સબંધો કાપી નાખતા તે હાલમાં ભુજની નજીક આવેલા રાયધણપર ગામે રહેતી હતી. આ હત્યા કેસની પશ્ચિમ કચ્છ એલસીબીએ આપેલી માહિતી ‘સાવધાન ઇન્ડિયા’ અને ‘ક્રાઈમ પેટ્રોલ’ ટીવી સિરિયલ જેવી છે. મુક્ત મિજાજની ૩૫ વર્ષીય કમળા ની ફ્રેન્ડશીપ તેનાથી ૮ વર્ષ નાના જયેશ સાથે થઈ. ચાર મહિના પહેલા શરૂ થયેલી કમળા અને પરિણીત જયેશની ફ્રેન્ડશીપ ઘનિષ્ઠ બની બન્નેના અંગત ફોટાઓ મોબાઇલની મેમરીમાં ઉમેરાયા. બસ,ત્યાર પછી કમળાએ પોતાના બોયફ્રેન્ડ જયેશને બ્લેકમેઇલ કરવાનું શરુ કર્યું. જયેશનું પૂરું નામ જયેશ બબાભાઈ પરમાર છે,તે ડ્રાઈવીંગ કરે છે અને પરણેલો છે. તેણે એલસીબી પોલીસને આપેલી કબૂલાત પ્રમાણે તેણે(જ્યેશે) હત્યાના દિવસે કમળાને સનદાદાના મંદિરે જતા રોડ પર બોલાવી હતી જ્યાં તેણે બોથડ પદાર્થ વડે કમળાને મો અને માથાના ભાગે ઇજા પહોંચાડી કમળાની હત્યા કરી હતી. જયેશે પોલીસને એવું જણાવ્યું હતું કે કમળા તેની પાસે મોબાઈલમાં રહેલા જયેશ સાથેના અંગત ફોટા બતાવીને જયેશના પરિવારને તેમના સંબંધોની જાણ કરવાની બીક બતાવી રૂપિયા માંગીને બ્લેકમેઇલ કરતી હતી. આમ એક પરિણીત પુરુષ અને એક મુક્ત મિજાજની વિધવા સ્ત્રી વચ્ચેની અંગત ફ્રેન્ડશીપનો કરુણ અંજામ આવ્યો હતો. આ હત્યાનો ભેદ એલસીબી પીઆઇ જે.એમ.આલ, પીએસઆઇ એમ.બી. ઔસુરા, પોલીસ કર્મીઓ નરેન્દ્ર યાદવ,જેન્તીલાલ મહેશ્વરી, મહિપાલસિંહ યાદવ અને ટીમે માત્ર એક જ અઠવાડિયામાં ઉકેલ્યો હતો.