Home Crime ભુજમાં પરિવારને સળગાવવાની ઘટનામાં વધુ બે મોત : આગ લગાડનાર યુસુફશાના...

ભુજમાં પરિવારને સળગાવવાની ઘટનામાં વધુ બે મોત : આગ લગાડનાર યુસુફશાના મોત સહિત મૃત્યુ આંક ચાર

4331
SHARE
ભુજના મહાદેવનાકા પાસે આવેલ વંડી ફળિયામાં મુસ્લિમ પીર સૈયદ પરિવારમાં પરિવારને સળગાવી દેવાની ઘટનામાં વધુ બે મોત નીપજ્યાં છે. ગંભીર રીતે દાઝી ગયેલા ૬૫ વર્ષીય મોહમદ ઇસ્માઇલ પીર સૈયદનું મોત નીપજ્યુ છે. જ્યારે આગ લગાડનાર આરોપી ૮૦ વર્ષીય યુસુફશા ઇસ્માઇલ પીર સૈયદનું પણ મોત નીપજ્યું છે. ન્યૂઝ4કચ્છ સાથેની વાતચીતમાં ભુજ એ ડીવીઝન પી.આઇ. શ્રી જલુએ આ બન્નેના મોત ને પુષ્ટિ આપી હતી. પીર સૈયદ પરિવાર વચ્ચે ચાલતા મિલ્કતના ઝઘડામાં આ ઘટના બની હતી. રમજાન ઇદની ઉજવણી કર્યા બાદ મોડી રાત્રે દોઢ વાગ્યાના અરસામાં પરિવારના મોભી એવા યુસુફશા ઇસ્માઇલ પીર સૈયદે પોતાના નાના ભાઈનાં પરિવારના સભ્યોને પેટ્રોલ છાંટીને સળગાવ્યા હતા. જેમાં માતા પુત્રી ૬૫ વર્ષના શેરબાનું મોહમ્મદ પીર સૈયદ અને ૪૨ વર્ષના ઝુલેખા મોહમ્મદ પીર સૈયદનું ઘટના દરમ્યાન મોત નિપજ્યુ હતું. જ્યારે મોહમ્મદ ઇસ્માઇલ પીર સૈયદ ગંભીર રીતે દાઝેલા હતા જેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જોકે,જેમણે આવેશમાં આવીને આ શેતાનીયતભર્યું કૃત્ય આચર્યું હતું તે યુસુફશા ઇસ્માઇલ પીર સૈયદનું પણ મોત નીપજ્યું હતું. બન્ને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
મૃતક મોહમ્મદ ઇસ્માઇલ પીર હમીરસર સ્નેહ સંવર્ધન સમિતિ સહિત ભુજની અનેક સંસ્થાઓમાં સક્રિય હતા. તેઓ નિવૃત શિક્ષક હતા. તો જેમણે આ ઘટનાને અંજામ આપ્યો તે યુસુફશા કચ્છની ખારેકની ખેતી વિશેના અચ્છા જાણકાર હતા. અભ્યાસુ હતા. આ પીર સૈયદ પરિવારમાં આથી અગાઉ તેમના બહેન પણ હમીરસરમાં આપઘાત કરી ચુક્યા છે. આમ, મિલ્કત ના ઝઘડાના ઝનૂન થી પીર સૈયદ પરિવારનો માળો પિંખાયો છે.