અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને કચ્છ ભાજપ ના પૂર્વ પ્રમુખ જેન્તી ભાનુશાલીની ટ્રેન માં હત્યા થઈ છે. પ્રાથમિક વિગતો મુજબ ભુજ થી મુંબઈ જઇ રહેલી સયાજીનગરી એક્સપ્રેસના ફર્સ્ટ એસી કોચ માં તેમની લાશ મળી આવી છે. કોઈ અજાણ્યા હુમલાખોરે તેમના મોઢા અને પેટ ઉપર ગોળી મારીને તેમનું ખુન કર્યું છે. રાત્રે દોઢ વાગ્યે આ બનાવની જાણ થતાં ટ્રેનને માળીયા સ્ટેશને રોકી દેવાઈ હતી. હત્યાનો બનાવ કટારીયા અને સૂરજબારી સ્ટેશન વચ્ચે બન્યો હતો. ટ્રેન ને માળીયા સ્ટેશને રોકી 108 ને બોલવાઈ હતી. ત્યાર બાદ રેલવે પોલીસે આગળ તપાસ શરૂ કરી છે. રાત્રે દોઢ વાગ્યે જેન્તી ભાનુશાલી નામના પ્રવાસીની 19116 સયાજીનગરી ટ્રેન ના ફર્સ્ટ એસી કોચમાં હત્યા થઈ છે અને ટ્રેન માળીયા રોકી દેવાઈ છે, એવો શોર્ટ મેસેજ રેલવે દ્વારા પણ મોકલાયો હતો. જોકે, આ હત્યા ના બનાવની અને તપાસ વિશેની વધુ વિગતો મેળવાઈ રહી છે. પરંતુ જેન્તી ભાનુશાલીની હત્યાના સમાચાર થી કચ્છ સહિત ગુજરાતના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. જેન્તીભાઈ મોટેભાગે અમદાવાદ જવા સાયજીનગરી ટ્રેન માં મુસાફરી કરતા હતા.