Home Crime જેન્તી ભાનુશાલીના હત્યારાઓને પકડો- ઢીલી તપાસ સામે વિરોધ, ભુજમાં રેલી

જેન્તી ભાનુશાલીના હત્યારાઓને પકડો- ઢીલી તપાસ સામે વિરોધ, ભુજમાં રેલી

3116
SHARE
ગત તારીખ ૮ જાન્યુઆરી ના ભાજપના નેતા જેન્તી ભાનુશાલીની થયેલી કરપીણ હત્યાના ૧૪ દિવસ બાદ પણ હત્યારાઓ નહીં ઝડપાતા કચ્છી ભાનુશાલી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આવતી કાલે મંગળવારના ભાનુશાલી સમાજના વિવિધ સંગઠનો દ્વારા ભુજમાં વિરોધ રેલી નું આયોજન કરાયું છે. દરમ્યાન જેન્તી ભાનુશાલી હત્યા કેસ સંદર્ભે કચ્છ કેસરી સેના દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક અલગ પત્ર પાઠવીને હત્યા કેસની નિષ્ફળતા સંદર્ભે નારાજગી જાહેર કરાઇ છે. કચ્છ કેસરી સેનાના અધ્યક્ષ જતીન ભાનુશાલીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધી લખેલો પત્ર મીડીયા ને પાઠવ્યો છે,જેમાં જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં તપાસનીશ એજન્સીઓ ની કામગીરી તદ્દન નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરાયો છે. પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલી સંનિષ્ઠ પ્રજાકીય પ્રતિનિધિ તેમજ અગ્રગણ્ય સામાજિક આગેવાન હોવાનું જણાવી ને તેમની કરપીણ હત્યા કરનારાઓને ઝડપથી પકડીને કસુરવારોને સજા કરવા માંગ કરાઈ છે. ગુજરાત ભાજપના એક નેતાની ચાલુ ટ્રેને ગોળી મારી કરાયેલી હત્યાનો આ મર્ડરકેસ હાઇપ્રોફાઇલ બની મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બનતા રાજ્ય સરકારે તુરતજ આ કેસ સંદર્ભે વિવિધ પોલીસ અધિકારીઓની સામેલગીરી સાથેની સીટની રચના કરી છે. પણ, કડવી વાસ્તવિકતા એ છે કે, બે અઠવાડિયા પછી પણ જેન્તી ભાનુશાલી હત્યા કેસની તપાસનું કોકડું ગૂંચવાયેલું છે. પોલીસ કામગીરી વિશે ચર્ચાઓ થતી રહી છે, પણ તપાસ અંગે સતાવાર કોઈ વિગતો જાહેર નથી થઈ એ પણ હકીકત છે.

જેન્તી ભાનુશાલી ની હત્યા પાછળ કોણ? લોકોમાં સતત તર્ક વિતર્કો..

હત્યા બાદ જેન્તી ભાનુશાલીના ભત્રીજા સુનિલ ભાનુશાલીએ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ લખાવી છે. મૃતક જેન્તીભાઈના ભાઈ શંભુભાઈ ભાનુશાલી પણ સતત મીડીયામાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ વિરુદ્ધ આક્ષેપો કરી ચુક્યા છે. જોકે, છબીલભાઈના પુત્ર સિદ્ધાર્થ પટેલ તમામ આક્ષેપોને રદિયો આપી ચુક્યા છે. છબીલ પટેલ અત્યારે અમેરિકા છે. દરમ્યાન પોલીસ દ્વારા મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉ, શેખર એમ ત્રણ ની અટક કરાઈ હોવાની વાતો પણ વહેતી થઈ હતી. જોકે, પોલીસે આ અંગે કોઈ સતાવાર જાહેરાત કરી ન હોઈ ધરપકડની વાતો અત્યાર સુધી માત્ર અફવા જ સાબિત થઈ છે. ભાજપ ના નેતાની હત્યાના બનાવ બાદ કાયદો વ્યવસ્થાની ઝાટકણી કાઢનાર કોંગ્રેસના નેતાઓ હવે જોકે, મૌન થઈ ગયા છે. જ્યારે જેન્તી ભાનુશાલી અને છબીલ પટેલ વચ્ચે સમાધાન કરાવનાર મનજીબાપુ બન્ને નેતાઓ દ્વારા મહિલાઓના ઉપયોગ સાથે કરાઈ રહેલા બ્લેકમેઇલની પ્રવૃત્તિ સામે બન્ને ને પોતે ચેતવ્યા હોવાનું અને આવી પ્રવૃત્તિઓ બંધ કરવાનું કહ્યું હોવાનું નિવેદન કરી ચુક્યા છે. જેન્તી ભાનુશાલી હત્યાકેસની તપાસ રેલવે પોલીસ, સીઆઇડી ક્રાઈમ અને એટીએસ જેવી પોલીસ એજન્સીઓ કરી રહી છે. એક તબકકે મોબાઈલ કોલ ટ્રેકિંગ દ્વારા હાઈ ટેકનોલોજી સાથે તપાસ થઈ રહી હોવાની ચર્ચા પણ હતી. જોકે, ભાનુશાલી સમાજ ની નારાજગી અને વિરોધ વચ્ચે હવે પોલીસ ની કામગીરી પર સૌની નજર છે.