હવે કોની ધરપકડ થશે? પોલીસ તપાસ વચ્ચે જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં ફૂટી રહેલા નવા ફણગા સાથે જ લોકોમાં ચર્ચાતો સવાલ એ જ હોય છે કે હવે પછી કોની ધરપકડ હશે? જેમ જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ આ કેસમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સંકળાયેલા નવા નવા નામો પણ સામે આવતા જાય છે.
જાણો શું છે પોલીસ તપાસ ના નવા કડાકા ભડાકા?
પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં છબીલ પટેલનું નામ બહાર આવ્યા બાદ ધીરે ધીરે નવી કડીઓ ખુલ્લી રહી છે. શરૂઆતમાં છબીલ પટેલના બે ભાગીદારો રાહુલ અને નીતિન પટેલ ઝડપાયા. ત્યારે નારાયણ ફાર્મનું નામ અને હત્યારા અહીં રોકાયા હતા તેમ જ કઈ રીતે રેકી કરી હતી તે હકીકત બહાર આવી. ત્યારબાદ પોલીસે જેન્તીભાઈને ગોળી મારી ક્રૂર રીતે તેની હત્યા નિપજાવનાર પૂના ના બે શાર્પ શૂટરો શશીકાંત કામ્બલે અને અશરફ શેખ ઝડપાયા. આ બન્ને શાર્પ શૂટરોની ધરપકડ પછી પોલીસ તપાસમાં ચોંકાવનારા રાઝ બહાર આવી રહ્યા છે. પોલીસ છબીલ પટેલની ધરપકડ માટે કલમ ૭૦ હેઠળ તૈયારી કરી ત્યારે વિદેશ ગયેલા છબીલ ની ઓડિયો કલીપ બહાર આવી. છબીલે પોલીસને સહકાર આપવાની તૈયારી પણ દર્શાવી. સામે પક્ષે પોલીસ દ્વારા છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ ની ધરપકડ માટેનો તખ્તો તૈયાર કરી જેન્તીભાઈની હત્યા કેસ તેની(સિદ્ધાર્થ ની) સંડોવણી ના પુરાવાઓ શોધ્યા. જોકે, આ વિશે જાણ થતાં જ સિદ્ધાર્થે આગોતરા જામીન ની માટે અંજાર કોર્ટમાં અરજી કરી. જાણવા મળતી વિગતો પ્રમાણે પોલીસ તપાસ દરમ્યાન જેન્તીભાઈ ની હત્યાના ગુનામાં છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલની સંડોવણી રેકી અને આર્થિક વ્યવહાર સાથે સંકળાયેલી છે. બન્ને શાર્પ શૂટરોને રેકી માટે તેમ જ ખર્ચ માટેના પૈસા ચૂકવવા મા સિદ્ધાર્થ ની ભૂમિકા હોવાનું પોલીસ માની રહી છે. તો, જેન્તીભાઈ ની હત્યાના ષડ્યંત્ર દરમ્યાન છબીલે બીજા સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. આ સિમ કાર્ડ દ્વારા છબીલ પટેલે શાર્પ શૂટરો અને વચેટીયા સાથે ફોન ઉપર વાતો કરી હતી. આ સિમ કાર્ડ વિશે ચોંકાવનારો ખુલાસો છબીલ ના મિત્ર એ કર્યો છે. પ્રવિણ નામના છબીલ પટેલના મિત્રએ પોલીસને આપેલા નિવેદન પ્રમાણે એ સિમ કાર્ડ પ્રવિણ ના નેપાળી ચોકીદારના નામે મેળવાયું હતું. છબીલે પોતાની સામે દિલ્હીમાં બળાત્કાર નો કેસ નોંધાયા પછી તે કેસ વિશે વાતચીત માટે નવું સિમ કાર્ડ જોઈએ છે તેવી વાત કરીને પ્રવિણ પાસે થી નવું સિમ કાર્ડ મેળવ્યું હતું. તે ઉપરાંત સમગ્ર હત્યા કેસમાં પ્રથમ જ વાર નવું નામ વિશાલ કામ્બલે નું ખુલ્યું હતું. વિશાલ અને છબીલ પૂના માં એક મોલ માં મળ્યા હતા અને પછી હત્યા ની સાઝીશ રચાઈ, સોપારી શશીકાંત ઉર્ફે બીટયા દાદા, અશરફ શેખ એ બન્ને ને અપાઈ. બન્ને હિસ્ટ્રીશીટર હત્યારાઓ એ જેન્તીભાઈને બંદૂક ની ગોળી મારતા પહેલા હેરોઇન નો નશો કર્યો હોવાનું પણ ખુલ્યું છે. ૩૦ લાખ ₹ મા સોપારી આપ્યા બાદ છબીલે શાર્પ શૂટરોને ૫ લાખ ₹ ચુકવ્યા હતા. આ કેસમાં અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને તે ઉપરાંત વધુ એક નવું નામ નિખિલ ફોરાતનું ખુલ્યું છે.
આ કેસમાં હજી’યે ચર્ચાતા સવાલો
શરૂઆતમાં મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ નું નામ ખુલ્યું હતું અને મનીષા સાથે મોટા માથાઓ ની અંગત પળોની કલીપીંગ્સ ચર્ચામાં હતી. પણ, પોલીસ તપાસ માં સેક્સ કલીપીંગ્સ વિશેની જાણકારી ખુલ્યા બાદ એવી કોઈ સેક્સ કલીપીંગ્સ મળી હોય એવી માહિતી અપાઈ નથી. મનીષા નું નામ ખૂબ જ ઉછળ્યું પણ હજી સુધી તેની ધરપકડ થઈ નથી. છબીલ પટેલ વિદેશ ગયા પછી છેક હમણાં સુધી સોશ્યલ મીડિયામાં સંપર્કમાં હતા. પણ છબીલ પટેલ વિદેશમાં ક્યાં છે તે વિશે પોતાની વાયરલ કરેલ ઓડિયો ક્લિપમાં તેમણે કોઈ ખુલાસો કર્યો નથી. તો, પોલીસ કહે છે કે છબીલ પટેલ ૨ જી જાન્યુઆરી ના વિદેશ ગયા છે, પણ ક્યા દેશમાં એ વિશે કોઈ માહિતી આપી નથી. ખરેખર છબીલ પટેલ વિદેશમાં કયા દેશમાં છે, તે અત્યાર સુધી રહસ્ય રહ્યું છે. શાર્પ શૂટરોને સોપારી આપવા માં વચેટીયા એવા વિશાલ કામ્બલે અને છબીલ પટેલ પૂના ની કઈ હોટલ માં મળ્યા હતા? જેન્તી ભાનુશાલી ની હત્યા કરતા પહેલા હત્યારાઓએ રેકી કરી હતી તે કાર કોની હતી ? ભુજના રેલવે સ્ટેશને તેઓ ઉતર્યા ત્યારે તેમને કાર લઈને લેવા આવેલ સિકંદર કોણ હતો? સિકંદર ની પોતાની કાર છે કે પછી તે કોઈની પાસે કામ કરે છે? હત્યા બાદ બંને આરોપીઓ સામખીયાળી થી બાઇક દ્વારા આબુ પહોંચ્યા એ બાઇક કોનું હતું? પોલીસે છબીલ અને મનીષા ને મુખ્ય આરોપીઓ ગણાવ્યા પણ હાલ ના તબક્કે પોલીસ તપાસમાં ક્યાંય મનીષા નો અતોપતો કે નામ ચર્ચામાં નથી. તો, જેની ખૂબ ચર્ચા હતી તે સુરજીત પરદેશી ‘ભાઉ’ નો પણ અત્યારે કોઈ અતોપતો કે ચર્ચા નથી. જેન્તી ભાનુશાલી હત્યા કેસ માં હવે બીજા કયા નવા આરોપીની ધરપકડ નો દોર શરૂ થાય છે તે જોવું રહ્યું.