Home Crime છબીલ પટેલનો પુત્ર સિદ્ધાર્થ પોલીસને શરણે – જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં હવે...

છબીલ પટેલનો પુત્ર સિદ્ધાર્થ પોલીસને શરણે – જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં હવે કોનો વારો?

2362
SHARE
ભાજપ નેતા જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં આરોપીઓ ફરતે પોલીસનો ગાળીયો સખત બની રહ્યો છે. ૮ જાન્યુઆરી ૨૦૧૯ ના રેલવે પોલીસ દ્વારા નોંધાયેલી જેન્તી ભાનુશાલીની હત્યાની ફરિયાદ બાદ ૬૦ દિવસે પોલીસને મોટી સફળતા મળી છે. અત્યાર સુધીમાં પોલીસે આ કેસમાં કુલ પાંચ આરોપીઓને પકડીને જેલ હવાલે કર્યા છે. જ્યારે બે ની અટકાયત કરીને પૂછપરછ કરાઈ રહી છે. જોકે, પોલીસે હત્યા કેસના માસ્ટર માઈન્ડ તરીકે છબીલ પટેલ, મનીષા ગોસ્વામી સહિત કુલ પાંચ આરોપીઓની સામે ગુનો નોંધીને આ કેસની તપાસ હાથ ધરીને હત્યાની એક પછી એક કડીઓ શોધીને હત્યા કેસમાં સામેલ આરોપીઓની ધરપકડનો દોર શરૂ કર્યો હતો. છબીલ પટેલના ભાગીદાર અને શાર્પ શૂટરો જ્યાં રહ્યા હતા એ ભુજના નારાયણ ફાર્મના રાહુલ અને નીતિન પટેલની ધરપકડ કરી તેમની પૂછપરછ કરી તેમને ભુજની પાલારા જેલ હવાલે કરાયા. ત્યારબાદ જેન્તીભાઈ ઉપર ચાલુ ટ્રેને બંદૂકની ગોળીઓ છોડી તેમની કરપીણ હત્યા કરનારા શાર્પ શૂટરોને શશીકાંત કામ્બલે અને અશરફ શેખને પોલીસે સાપુતારા માંથી પકડ્યા તડમાં રિમાન્ડ મેળવી પૂછપરછ કરી તેમને પણ ભુજની પાલારા જેલ હવાલે કરાયા. પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં એ ખુલ્યું કે, મનીષા ગોસ્વામી અને તેના પુરુષ મિત્ર સુરજીત ભાઉએ વિશાલ કામ્બલે નામના પૂના ના શખ્સની ઓળખ છબીલ પટેલ સાથે નવી મુંબઈના મોલમાં કરાવી. વિશાલ કામ્બલેએ શાર્પ શૂટરો શશીકાંત અને અશરફનો ભેટો છબીલ સાથે કરાવ્યો અને જેન્તીભાઈની હત્યાનું કાવતરું રચાયું. પોલીસે પૂના ની જેલમાં હત્યા કેસની સજા ભોગવી રહેલા વિશાલ કામબ્લેની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવી અને પૂછપરછ કરી તેને ફરી પૂના ની યરવડા જેલને હવાલે કર્યો છે.

સરકાર અને પોલીસના કડક રૂખને પગલે સિદ્ધાર્થ પછી હવે કોનો વારો?
ગત અઠવાડિયે જ જ્યારે પોલીસે આ કેસના સાક્ષી પવન મૌર્ય સામે જોખમ સર્જવાના કાવતરું કરવા બદલ છબીલ પટેલના ભત્રીજા પિયુષ અને વેવાઈ રસિક પટેલની ધરપકડ કરી ત્યારે જ એ વાત ક્લિયર થઈ ગઈ હતી કે હવે પોલીસનો ગાળીયો સખત બની રહ્યો છે. વિદેશ ભાગી ગયેલા છબીલ પટેલ સામે જયારે પકડ વોરંટ ઇસ્યુ કરવાની કાયદાકીય કાર્યવાહી પોલીસે શરૂ કરી એટલે એ ખ્યાલ પણ આવી ગયો કે હવે સરકારનું રૂખ કડક છે. તે વચ્ચે છબીલના પુત્ર સિદ્ધાર્થ દ્વારા ભચાઉની કોર્ટમાં આગોતરા જામીન અરજી પરત ખેંચવામાં આવી. આમ, શરૂઆત માં ટીવી ચેનલો અને મીડીયામાં જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં છબીલ પટેલ નિર્દોષ છે એવો બચાવ કરનાર તેમનો પુત્ર સિદ્ધાર્થ પટેલ હવે જાતે જ આરોપી બનીને પોલીસ સમક્ષ હાજર થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિદ્ધાર્થ છબીલ પટેલે સાબરમતી અમદાવાદ મધ્યે સીટની પોલીસ ટીમ સમક્ષ શરણાગતિ સ્વીકારી છે. જોકે, આ કેસમાં સિદ્ધાર્થ ની ભૂમિકા શું છે એ જાણવું પોલીસ માટે મહત્વપૂર્ણ રહેશે. શાર્પ શૂટરોને કચ્છ માં રહેવાની અને પૈસાની વ્યવસ્થા ઉપરાંત સિદ્ધાર્થ પટેલ ના ઇન્વેસ્ટિગેશન માં વાયરલ થયેલ ફોન ની કલીપીંગ્સ અને સેક્સ કલીપીંગ્સના ખુલાસાઓ થઈ શકે છે. સિદ્ધાર્થ ની ધરપકડ બાદ હવે કોનો વારો આવશે ? એ મુદ્દો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોલીસે નોંધેલી એફઆઈઆર માં પાંચ આરોપીઓ પૈકી હજીયે છબીલ પટેલ, મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉની ધરપકડ બાકી છે.

છબીલ પટેલ નેધરલેન્ડમાં કે અમેરિકામાં?

આ કેસની શરૂઆતમાં છબીલ પટેલ હત્યા પૂર્વે જ મસ્ક્ત ગયા હોવાનું તેમના પુત્ર સિદ્ધાર્થ પટેલ દ્વારા કહેવાયું હતું. પણ, પોલીસ એવું માની રહી છે કે, છબીલ પટેલ નેધરલેન્ડ અથવા તો અમેરિકામાં છે. ગત અઠવાડિયે પોલીસે છબીલના ભત્રીજા પિયુષની પૂછપરછ દરમ્યાન છબીલનો વ્હોટ્સએપ ફોન પણ રેકોર્ડ કર્યો હતો. જોકે, જેન્તીભાઈ હત્યા બાદ પણ છબીલ પટેલ સોશ્યલ મીડીયા અને ફોન દ્વારા કચ્છના તેમના મિત્રો સાથે ટચમાં હોવાની ચર્ચાને પોલીસ ગંભીરતા સાથે લઈ રહી છે. રેલવે પોલીસ ઉપરાંત ગાંધીધામ પોલીસમાં પણ છબીલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આમ, કાયદાકીય રીતે જેન્તી ભાનુશાલીની હત્યા કરનારા અને તે ષડ્યંત્રમાં સાથ આપનાર આરોપીઓ વિરુદ્ધ પોલીસ તપાસ પણ આગળ વધતી જાય છે ત્યારે હજી વધુ નવા કડાકા ભડાકા થઈ શકે છે.