સરકારી યોજનાના કાર્ડ માટે નાગરિકો પાસેથી રૂપિયા પડાવવાના ગોરખધંધા ઘણો લાંબો સમય થી ચાલ્યા કરે છે. સરકારની ભ્રષ્ટાચાર ડામવાની વાતો વચ્ચે ખુદ સરકારના ઉચ્ચ અધિકારીઓની આંખ નીચે પણ લાંચિયા કર્મચારીઓ સામાન્ય નાગરિકોને ખંખેરે છે. જોકે, ભુજમાં એક જાગૃત નાગરિકે હિંમત બતાવીને આધારકાર્ડ માટે રૂપિયા ઉઘરાવતા ઓપરેટર વિરુદ્ધ એસીબીને ફરિયાદ કરી હતી. તે અનુસંધાને એસીબીની ટીમે કાર્યવાહી હાથ ધરીને ભુજની મામલતદાર કચેરીમાં દરોડો પાડીને આધારકાર્ડ બનાવવા માટે રૂપિયા ૧૫૦ની લાંચ લેતા ઓપરેટર હીરજી ભીમજી વાઘેલાને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. એસીબીના દરોડાની આ કામગીરી ડીવાયએસપી કે.એચ. ગોહીલની સૂચનાથી પીઆઇ એમ.ડી.ઝાલા, પીએસઆઇ પી.પી. ગોહિલે પાર પાડી હતી.
માં કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સના સ્માર્ટ કાર્ડ, આયુષ્યમાન ભારત યોજનાના હેલ્થકાર્ડ, ચૂંટણી કાર્ડની કામગીરી પણ સુધારવાની જરૂરત
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ કાર્ડની કામગીરી ખાનગી એજન્સીઓને સોંપાય છે. પણ, તેનું મોનીટરીંગ કરવા જિલ્લા કક્ષાના અધિકારીઓને કોઈ ‘પાવર’ અપાતા નથી. પરિણામે ખાનગી ઓપરેટરો બિન્દાસ્ત સરકારી કચેરીમાં અરજદારોને રખડાવે છે. ક્યારેક નેટવર્ક બંધ ના બહાને તો કયારેક સ્ટાફ નથી ના બહાને!! પરિણામે સરકારી યોજનાનો લાભ લેવા નાગરિકે એક સામાન્ય અરજદાર તરીકે મજબૂર બનીને સરકારી યોજનાના કાર્ડ કઢાવવા રૂપિયા આપવા પડે છે. ઘણીવાર નાગરિકોની ફરિયાદ પછી પણ અને સંકલન સમિતિમાં ફરિયાદ પછી પણ કામગીરી સુધરતી નથી. માં યોજના ના કાર્ડ માટે ભુજમાં લોકોએ ઘણો સમય હાલાકી વેઠી. મુખ્ય મુદ્દો લોકો ની સમસ્યાનો હલ શોધવાનો છે. એજન્સીઓની દાંડાઈ અને અમુક ભ્રષ્ટ કર્મચારીઓના કારણે સરકારની ભ્રષ્ટાચાર નાબૂદીની ની વાતો હવામાં ઉડી જાય છે, એ કડવું સત્ય છે.