Home Current ૮૦ જેટલા વિકલાંગ બાળકો તબીબ સાથેના મેડિકલ સ્ટાફની રાહ જોતા રહ્યા, પણ….?...

૮૦ જેટલા વિકલાંગ બાળકો તબીબ સાથેના મેડિકલ સ્ટાફની રાહ જોતા રહ્યા, પણ….? – જાણો આખોયે કિસ્સો

789
SHARE
વાત માનવીય સંવેદનાની છે વિકલાંગ બાળકોને પ્રમાણપત્ર આપવા માટે યોજાયેલા મેડિકલ કેમ્પમાં તબીબો અને મેડિકલ સ્ટાફની લાપરવાહીએ ધોમધખતા તાપમાં અંતરીયાળ ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલા વિકલાંગ બાળકો અને તેમના વાલીઓને હેરાન પરેશાન કરી મુક્યા હતા જાણો શું છે આ આખોયે કિસ્સો?

એવું તો શું થયું કે, તબીબો અને સ્ટાફ મોડા પડ્યા અને વિકલાંગ બાળકો રાહ જોતા રહ્યા

રાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે સવારે નવ વાગ્યે ભુજ અદાણી હોસ્પિટલ સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલ દ્વારા રાપર તાલુકાની સરકારી શાળામા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિધાથીનીઓને વિકલાંગતાનું પ્રમાણપત્ર આપવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સમય અનુસાર વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ, રાપર તાલુકાનો આરોગ્ય વિભાગ સી.એચ.સી. સહિતનો અન્ય સ્ટાફ હાજર થઈ ગયા હતા વિકલાંગ બાળકો માટે કેમ્પ હોઈ તેમની સાથે તેમના વાલીઓ પણ સવારે ૯ વાગ્યે આવી ગયા હતા પરંતુ, બપોરના બે વાગ્યા સુધી વિકલાંગતાનું પ્રમાણપત્ર આપવા મેડિકલ ચેકઅપ માટે આવનાર અદાણી જી.કે. જનરલ હોસ્પિટલનો સ્ટાફ ફરકયો ન હતો વહેલી સવારથી તબીબ ટીમની રાહ જોતા આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા તેમજ વાલીઓ દ્વારા અવારનવાર ભુજની અદાણી જી.કે. જનરલ હોસ્પિટલનો સંપર્ક કરાયો હતો પણ, ભુજથી ફોન ઉપર સ્ટાફ દ્વારા ફોન ઉપર એવો ખુલાસો કરાયો હતો કે ગાડીમાં પંકચર થયું છે જોકે, અહીં સવાલ એ જ થાય છે કે શુ પાંચ પાંચ કલાક પંકચર સાંધવામાં લાગે ખરા? વાહન વ્યવહારથી સતત ધમધમતા હાઇવે ઉપર પંક્ચર બનાવવામા પાંચ કલાક જેટલો સમય થાય એ વાત કહેતા બી દિવાના અને સુનતા બી દિવાના જેવી છે અહીં મુશ્કેલી એ સર્જાઈ કે, રાપર તાલુકાના જુદા જુદા વિસ્તારોમાંથી સવારે આઠ વાગ્યાથી ૮૦ જેટલા વિકલાંગ બાળકો અને તેમના વાલીઓ પાણી અને જમવા વગર હેરાન પરેશાન થઈ ગયા હતા રાપર તાલુકામાંથી દૂર દૂર ગામડામાંથી આવેલા વાલીઓ અને બાળકોને માનસિક તેમજ શારીરિક હેરાનગતિ થઈ હતી આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જીલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈ પરિણામ આવ્યું નહોતું તબીબો અને મેડિકલ સ્ટાફ ધરાર મોડે સુધી ના આવ્યો તે ના જ આવ્યો.
જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ તબીબો અને મેડિકલ સ્ટાફની ટીમ કે જે વિકલાંગતાના પ્રમાણપત્ર આપવા આવી હતી તે તમામ લોકો સફેદ રણની સવાર જોવા અને હાઇવે પરની હોટલમાં જમવા રોકાયા હતા અંતે પાંચ કલાક પછી તબીબી તપાસણીનું કામ શરૂ થયું હતું સવારે ૯ વાગ્યા પહેલા આવી ગયેલા બાળકો અને તેમના વાલીઓને પ્રમાણપત્રો મેળવવા માટે છેક સાંજ સુધી રાહ જોવી પડી હતી આમ, કોઈ ઠોસ કારણોસર મોડું થવાને બદલે લાપરવાહી ભર્યા કારણોસર મોડું થયું હતું અહીં સવાલ એ છે કે, એક તરફ રાજય સરકાર દ્વારા વિકલાંગ વિધાર્થીઓને શિક્ષિત બનાવવા અને તેઓ સ્વનિર્ભર બને તે હેતુથી તેમને મદદરૂપ બનવા માટે પ્રમાણપત્ર આપવામાં આવે છે ત્યારે પોતાની લાપરવાહીના કારણે ૮૦ વિકલાંગ બાળકો અને તેમના વાલીઓને પાંચ પાંચ કલાક સુધી બાનમાં રાખી માનવતા વિહોણુ વર્તન કરનારા અદાણી જી.કે. જનરલ હોસ્પિટલના સ્ટાફ સામે કોઈ પગલાં ભરાય છે કે નહી તે હવે જોવું રહ્યું.