કચ્છનાં જખૌ નજીકથી 1000 કરોડનું બ્રાઉન હેરોઇન પકડાયા બાદ ઝડપાયેલા પાકિસ્તાની શખ્સો પાસેથી મળેલી માહિતીના આધારે કચ્છના દરિયામાંથી વિવિધ એજન્સીઓ ફેકી દેવાયેલો ડ્રગ્સનો જથ્થો શોધવાનો વ્યાયામ આદર્યો છે. 150થી વધુ જવાનો અને વિવિધ સુરક્ષા એજન્સી સાથે 10 ટીમ દરિયામાં સર્ચ ઓપરેશન માટે ઉતરી છે સંભવ છે કે દરિયામાં ગરકાવ થયેલા 100થી વધુ પેકેટ આ સર્ચ દરમ્યાન મળી આવે.
6 પાકિસ્તાનીઓએ કબુલાત કર્યાના ચાર દિવસમાં પોલીસને માદક પદાર્થના 13 પેકેટ મળી આવ્યા હતા જેને પગલે બોર્ડર રેન્જનાં આઇજી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સુચનાથી પશ્ચિમ કચ્છનાં ઇન્ચાર્જ એસપી બી.એમ.દેસાઈના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી એસપી વી.એન.યાદવ દ્વારા આ સમગ્ર ઓપરેશનને લીડ કરવામાં આવી રહ્યુ છે જેમા પોલીસે તેની 10 ટીમને આ તલાશી અભિયાનમાં લગાડી છે તેમની સાથે બોર્ડર સિક્યોરિટી ફોર્સ તેમજ ઇન્ડિયન કોસ્ટગાર્ડ પણ સાથે જોડાયું છે.
21મી મેના રોજ કચ્છના જખૌ નજીકથી ઝડપાયેલ 1000 કરોડના ડ્રગ્સના મામલે ઝડપાયેલા પાકિસ્તાની ડ્રગ્સ સુત્રધાર સફદ્દરઅલી શેખે તપાસ એજન્સીને માહિતી આપી હતી કે, 135થી વધુ પેકેટ દરીયામાં ફેકી દેવામાં આવ્યા હતા
અંદાજીત 100થી વધુ ડ્રગ્સના પેકેટ એટલે કે 500 કરોડનુ ડ્રગ્સ દરિયામાં બિનવારસુ હોવાની સંભાવના છે અને જેના પગલે કોટેશ્ર્વર,લકીક્રિક સહિત વિવિધ દરિયાઇ વિસ્તારો અને અટપટ્ટી ક્રિક અને નિર્જન ટાપુઓ પર સુરક્ષા એજન્સીઓ તેને શોધી રહી છે.