
દેશ અને દુનિયામાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ને નામે જાણીતા ઘોરાડ પક્ષી માત્ર કચ્છ અને રાજસ્થાનમાં જ છે કચ્છના નલિયા પાસે ઘોરાડ પક્ષી માટેની સેન્ચુરી પણ બનાવાઈ છે પણ, દુર્ભાગ્યે હવે આ
સેન્ચુરીમાં માત્ર ૬ માદા ઘોરાડ જ બચી છે જયારે એક માત્ર નર ઘોરાડ પાકિસ્તાન ઉડી ગયો હોવાના સમાચાર છે નર ઘોરાડ વગર ઘોરાડના પ્રજનન ઉપર અસર પડી શકે તેમ હોઈ ઘોરાડ પક્ષી વિલુપ્ત થવાના આરે છે આવા સંજોગોમાં ભારતના ખ્યાતનામ વન્યજીવ વિશેષજ્ઞ અને સરંક્ષણવાદી ડો. રણજીતસિંહની આગેવાની નીચે કચ્છના પક્ષીવિદ નવીન બાપટ ઉપરાંત દેશના જુદા જુદા રાજ્યોના પ્રકૃતિપ્રેમીઓ અને ધ કોરબેટ ફાઉન્ડેશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં ઘોરાડને બચાવવા માટે જાહેરહિતની અરજી કરાઈ છે આ સંદર્ભે સુપ્રિમકોર્ટ દ્વારા પક્ષીવિદ ડો. અસદ રહેમાની, વન્યજીવ વિશેષજ્ઞ ડો. ધનંજય મોહન અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની સયુંકત કમિટી બનાવાઈ છે દરમ્યાન કચ્છમાં ઘોરાડ સેંચુરીમાંથી પસાર થતી વિજલાઈનો ના કારણે ઘોરાડ પક્ષીઓના મૃત્યુના બનાવ બની ચુક્યા છે આ અંગે કચ્છના પક્ષીવિદ નવીન બાપટ અને અન્ય પર્યાવરણ પ્રેમીઓએ વારંવાર વીજળીની ભૂગર્ભ લાઈનો નાખવા રજુઆત કરી છે વળી, ઘોરાડના ઉડવાની જગ્યાએ જ ગેટકો દ્વારા વીજ સબ સ્ટેશન બનાવાયું છે આ વિસ્તારમાં મોટા પાયે નખાયેલી પવનચક્કીઓ તેમજ સિમેન્ટ ફેકટરીઓના કારણે પણ ઘોરાડની સલામતી જોખમાઈ છે કચ્છના વાગડ વિસ્તારના રણમાં વીજ લાઈનોના કારણે ફ્લેમિંગોના મોત થવાની ઘટના તેમજ વિન્ડમિલ (પવનચક્કી)ના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરના મોતના બનાવો બની ચુક્યા છે સુપ્રિમકોર્ટમાં અરજીકર્તા પ્રકૃતિ,પક્ષી અને પર્યાવર્ણ પ્રેમીઓએ રજુઆત કરી છે કે ઘોરાડને બચાવવા માટે વારંવાર સરકારનું ધ્યાન દોરવા છતાંયે સાવ ધીમી કાર્યવાહી થઈ છે.