પૂર્વ મુખ્યમંત્રી અને કચ્છના રાજકીય આગેવાન સુરેશ મહેતાના ધર્મપત્ની ઈન્દિરાબેનનું આજે દુઃખદ અવસાન થયું છે ૭૯ વર્ષીય ઈન્દિરાબેનને કેન્સરની બીમારી હતી અને છેલ્લા એક મહિનાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તેમને ત્રણ વર્ષ થયાં કેન્સરની બીમારી હતી છેલ્લે તેમણે બેંગ્લોરમાં ઓપરેશન કરાવ્યું હતું સ્વર્ગસ્થ ઈન્દિરાબેનની ઈચ્છા પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર માંડવી મધ્યે કરાશે આવતીકાલે શનિવારે સવારે ૮ વાગ્યે બાબાવાડી માંડવી મધ્યેથી તેમની અંતિમયાત્રા નીકળશે સદ્દગત ઈન્દિરાબેનની પ્રાર્થનાસભા સોમવારે માંડવી મધ્યે યોજાશે.
સુરેશ મહેતાની સફળ રાજકીય કારકિર્દી પાછળ ઈન્દિરાબેન
સદ્દગત ઈન્દિરાબેનને કચ્છના અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ ભાવપૂર્ણ અંજલિ અર્પી છે સુરેશ મહેતાના ગાઢ અને વિશ્વાસુ સાથીદાર અરુણભાઈ વચ્છરાજાનીએ ન્યૂઝ4કચ્છ સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમણે એક વાત્સલ્યપૂર્ણ છત્રછાયા ગુમાવી છે સ્વ. ઈન્દિરાબેનનો સ્વભાવ સરળ અને સાલસ હતો, સુરેશ મહેતા સતત રાજ્ય સરકારમાં અગ્રીમ હરોળના નેતા રહ્યા, પ્રધાન મંડળમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી પદે પહોંચ્યા પણ ઈન્દિરાબેન તો એવા જ સરળ અને સાલસ રહ્યા તેમને રાજકારણ ક્યારેય સ્પર્શયું નહોતું અરુણભાઈ વચ્છરાજાની કહે છે કે, કાર્યકરોને ઘેર આવતા સારા-માઠા પ્રસંગોમાં ઈન્દિરાબેન અચૂક પહોંચી જતા અને જ્યાં જરૂરત પડ્યે ત્યાં મદદરૂપ પણ બનતા સુરેશ મહેતા આજે ભલેને ભાજપમાં નથી પણ તેઓ જ્યારે ભાજપમાં જાહેરજીવનમાં સક્રિય હતા ત્યારે તેમને ત્યાં માંડવી કે ગાંધીનગર આવતા કાર્યકરોની ઈન્દિરાબેન મહેમાનગતિ કરતા કચ્છના જુની પેઢીના જનસંઘના કાર્યકરો અને ભાજપના અનેક કાર્યકરોને તેમની હમેંશા યાદ રહેશે સુરેશભાઈની સફળ રાજકીય કારકિર્દી પાછળ સ્વ. ઈન્દીરાબેન મહેતાનું મહત્વનું યોગદાન હોવાની લાગણી પારિવારિક મિત્ર તરીકે અરુણભાઈ વચ્છરાજાનીએ વ્યક્ત કરી હતી.