જયેશ શાહ, ગાંધીધામ
પાકિસ્તાન સાથેના વણસેલા સંબંધો અને કાશ્મીરની સ્ફોટક સ્થિતીને પગલે કચ્છ સહીત દેશની પાકિસ્તાની બોર્ડર ઉપર હાઈ એલર્ટ છે. આવી અતિ ચુસ્ત સિક્યોરિટી વચ્ચે ગુજરાતનાં સરહદી જીલ્લા કચ્છની ક્રીક સીમાએથી હરામીનાળા વિસ્તારમાંથી શનિવારે વહેલી સવારે બે પાકિસ્તાની બોટ મળી આવી હતી. બોટ તરતી આવી છે કે ઘુસણખોરોને પકડવામાં બીએસએફ નાકામ રહયું છે, તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતું હાઇપર સિક્યોરિટીનાં દાવા વચ્ચે કચ્છ સ્થિત બીએસએફની ઇન્ટેલિજન્સ એજન્સીનું નબળું કામ ફરી એકવાર સામે આવ્યું છે.
બીએસએફના સત્તાવાર સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, શનિવારે સવારે 6.30 વાગ્યાના અરસામાં ઇન્ડો-પાક બોર્ડરનાં અંતિમ પીલર 1175થી થોડે દુર આવેલા હરામીનાળા વિસ્તારમાંથી સિંગલ એન્જિનવાળી બે ફિશીંગ બોટ ભારતીય એરિયામાં જોવા મળી હતી. બીએસએફની પેટ્રોલિંગ પાર્ટીએ તરત જ બોટને કબજામાં લઇને સમગ્ર હરામીનાળા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. પરંતું કોઈ નાપાક તત્વો ઝડપાયા ન હતાં. બોટમાંથી કોઈ જોખમી સામાન ના હોવાનો દાવો પણ સીમા સુરક્ષા દળ દ્વારા કરવામાં આવ્યો હતો. અતિ સંવેદનશીલ ક્રીક એરિયામાં ચુસ્ત બંદોબસ્ત હોવા છતા પાક બોટ કેવી રીતે ભારતીય એરિયામાં આવી ગઇ, તેમાં કેટલા લોકો હતા, બોટનાં લોકો બીએસએફની પેટ્રોલિંગ પાર્ટીને જોઈને ભાગી ગયા કે તેમના મનસૂબાને પાર પાડી ભાગી ગયા વગેરે જેવા પ્રશ્નોનો જવાબ હાલ તો કોઈ અધિકારી પાસે નથી. પરંતું એટલું ચોક્કસ છે કે, લાંબા સમયથી કચ્છ બોર્ડરને લઇને એલર્ટ આપવા છતા બીએસએફની પોતાની આગવી અલાયદી ઇન્ટેલિજન્સ એજન્સીનું ‘જી’ બ્રાન્ચનું ભુજ યુનિટ ફરી એકવાર ઊંઘતુ ઝડપાઇ ગયુ છે. અગાઉ પણ હરામીનાળા વિસ્તાર ઉપરાંતનાં ક્રીક એરિયામાં આ પ્રકારે ઘુસણખોરીની ઘટનાઓ બની ચૂકી છે.
ભૂતકાળમાં હરામીનાળા વિસ્તારમાં બનતી ઘટનાઓને પગલે અહી એક ટ્રાય જંકશન પોસ્ટ પણ ઊભી કરવામાં આવેલી છે. અગાઉનાં અધિકારીઓએ તેમના સફળ ઇન્ટેલિજન્સ નેટવર્કને કારણે મોટી ઘુસણખોરીની ઘટનાઓ અટકાવી છે અને ક્રોસ ફાયરીંગની ઘટના ઉપર પણ કાબુ મેળવ્યો હતો. પરંતું છેલ્લા કેટલાંક સમયથી પ્રોફેશનલ એપ્રોચ વગરનાં અધિકારીઓની પોસ્ટિંગને પગલે કચ્છમાં કચ્છમાં બોર્ડરને લગતી ઇનફોર્મશન મેળવામા નિષ્ફળતા મળી રહી છે જેને કારણે આજના જેવી ઘુસણખોરીની ઘટનાઓ સામે આવી રહી છે.