કચ્છમાં મહિલાઓ ઉપરાંત સગીર બાળાઓ સાથેના છેડતી, ગેરવર્તણુંક અને જાતીય અત્યાચારના બનાવોમાં આવેલો ઉછાળો સમાજ માટે ચિંતા અને આઘાતજનક છે. ગાંધીધામમાં સ્કૂલ અને ટ્યુશને જતી છોકરીઓની છેડતી તેમજ તેમનો પીછો કરવાના મુદ્દે થયેલી પોલીસ ફરિયાદને પગલે આઈજી ડી.બી. વાઘેલા અને પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડે આવા તત્વો વિરૂદ્ધ કડકાઈભરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેને પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વોચ ગોઠવીને અમન વીરેન્દ્ર ધરાદ નામના યુવાનની ધરપકડ કરી છે. અત્યારે ગાંધીધામના ગુરુકુલ વિસ્તાર, પ્લોટન. ૨૯૨ માં રહેતો અમન વીરેન્દ્ર ધરાદ હેલ્મેટ પહેરીને મોટરસાઈકલ ઉપર છોકરીઓનો પીછો કરતો હતો. સીસી ટીવી કેમેરા અને રૂબરૂ વોચ રાખીને એ ડિવિઝન પોલીસ ટીમે વિકૃત મગજના યુવાન અમન વીરેન્દ્ર ધરાદને પકડ્યા બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એ ડિવિઝન પીઆઇ ડી.બી. પરમારની સાથે પીએસઆઇ જી.એ. ઘોરી સહિતના સ્ટાફે આ કામગીરી કરી હતી.