Home Current કંડલા બંદરે ૬૫૦ કરોડના ખર્ચે બનનારા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સીટીનું ખાતમુહૂર્ત –...

કંડલા બંદરે ૬૫૦ કરોડના ખર્ચે બનનારા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સીટીનું ખાતમુહૂર્ત – હવે ફર્નિચરની ખરીદીનું હબ કચ્છ બને તેવું આયોજન

663
SHARE
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા અમલમાં મુકાયેલા સાગરમાલા પ્રોજેકટને સાકાર કરવાની દિશામાં કેન્દ્રીય શિપિંગ મંત્રાલય કાર્ય કરી રહ્યું છે, કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાએ કંડલા મધ્યે પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, માત્ર પોર્ટ નો નહીં પણ પોર્ટ આધારિત ઉદ્યોગો સ્થાપી સંપૂર્ણ વિકાસ થાય તેવા સરકારના પ્રયત્નો છે. દેશભરના ટીમ્બર ઉદ્યોગના આગેવાન વેપારીઓને કેન્દ્ર સરકાર વતી તમામ સહયોગ આપવાની ખાત્રી શ્રી માંડવીયાએ આપી હતી. કંડલા બંદરની લગોલગ વિકસાવવામાં આવનાર સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સીટી (SIPC) માં ફર્નીચર પાર્ક ઉપરાંત એડીબલ ઓઇલ, એન્જીનીયરીંગ અને ફેબ્રિકેશન ઉપરાંત સોલ્ટ આધારિત ઇન્ડસ્ટ્રીઝ ઉભી કરાશે. હાલના તબક્કે ઈમામી ગ્રુપ દ્વારા એડીબલ ઓઇલનું યુનિટ શરૂ કરવાની કામગીરી થઈ રહી હોવાનું પણ શ્રી માંડવીયાએ જણાવ્યું હતું. ત્રણેક વર્ષમાં ફર્નિચર પાર્ક બરાબર કામ કરતો થઈ જશે અને લોકો ફર્નિચરની ખરીદી માટે વિદેશ જવાને બદલે કચ્છમાં કંડલા આવશે તેવો આશાવાદ પણ શ્રી માંડવીયાએ વ્યક્ત કર્યો હતો. ઉદ્યોગકારો માટે SIPC માં અન્ય માળખાગત સુવિધાઓમાં ડિસેલીનેશન પ્લાન્ટ દ્વારા દરિયાનું પાણી મીઠું કરવાનું આયોજન, ૪૫ કરોડના વધારાના ખર્ચે રેલવે નેટવર્ક પણ ઉભું કરાશે. દીનદયાળ પોર્ટ કંડલા દ્વારા આ ફર્નિચર પાર્ક ગ્લોબલ રીતે વિકસાવવાનું આયોજન છે. આ ફર્નિચર પાર્કની ડિઝાઇન માટે પણ ગ્લોબલ ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. જેનું સંપૂર્ણ પ્લાનિંગ પણ આયોજનબદ્ધ રીતે કરાશે. કંડલા પોર્ટની લગોલગ જ ૮૫૦ એકર જમીનમાં આ ફર્નિચર પાર્ક બનાવવામાં આવશે. આ અંગે દિનદયાળ પોર્ટના ચેરમેન એસ.કે. મેહતાએ ન્યૂઝ4કચ્છને આપેલી માહિતી પ્રમાણે અહીં રેલ, રોડ કનેટક્ટીવીટી સાથે પાર્કની અંદર પણ સંપૂર્ણ માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે. ત્રણ ફેસમાં આ ફર્નિચર પાર્કનું કામ હાથ ધરાયું છે. જે પૈકી ફેસ એકમાં જમીન લેવલીંગનું કામ પૂરું થઈ ગયું છે. અહીં યુનિટ સ્થાપવા માટે જેમ જેમ ડિમાન્ડ આવતી જશે તેમ તેમ કામ આગળ વધતું જશે. આવનારા બે થી ત્રણ વર્ષમાં ફર્નિચર પાર્કમાં યુનિટ કામ કરતા થઈ જાય એ રીતે અમે આગળ ધપી રહ્યા છીએ.કંડલા ટીમ્બર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ હેમચંદ્ર યાદવ અને જનરલ સેક્રેટરી એસ.એન. દુબેએ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કંડલા બંદર દ્વારા આયાત થતાં લાકડાની વાત કરીએ તો દેશનું ૭૦ % લાકડું ૪૦ લાખ મેટ્રિક ટન જેની કિંમત ૧૦,૦૦૦ કરોડ રૂપિયા થાય છે. આ ઉદ્યોગ અહીં ૧ લાખ લોકોને પ્રત્યક્ષ રોજગારી આપે છે. અહીં ફર્નિચર પાર્કને વિકસાવવા માટે ટીમ્બર એસોસિએશન માને છે કે, વિદેશી સ્પર્ધા અને ખાસ કરીને ચાઈના સાથે સ્પર્ધામાં ટકવા માટે કેન્દ્ર સરકાર જો અહીં રાહત દરે જમીન આપીને ટેક્સ હોલી ડે જાહેર કરે તો ભારતીય ઉદ્યોગકારોમાં એ તાકાત છે કે, તેઓ મેક ઇન ઇન્ડિયા બ્રાન્ડ નું ફર્નિચર વિદેશમાં પણ નિકાસ કરી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્નું સાકાર કરવાનું સામર્થ્ય ભારતીય ઉધોગપતિઓમાં છે. કંડલાને ૨૦૦૫ માં આયાત માટે ફ્રી ટીમ્બર ઝોન જાહેર કરાયા બાદ અહીં બે હજાર જેટલા ટીમ્બરના નાના મોટા યુનિટો કાર્યરત છે.