ગાંધીધામ: માત્રએક સપ્તાહમાં જ કચ્છની જળ સીમાએથી પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરીની બીજી ઘટના સામેં આવી છે. જેમાં શુક્રવારની રાતે કચ્છનાં ક્રિક એરિયામાં આવેલા હરામીનાળા પાસેથી પાંચ પાકિસ્તાની બોટ મળી આવી છે. જેમાં બીએસએફ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની પેટ્રોલિંગ પાર્ટીને આ સફળતા મળી છે. જોકે અગાઉની જેમ જ આ વખતે પણ માત્ર બોટ જ હાથ લાગી છે. એમાં સવાર નાપાક તત્વો પાકિસ્તાન તરફ ભાગી ગયા કે કચ્છમાં ઘુસી આવ્યા? તે અંગે કોઈ છાતી ઠોકીને બોલવા તૈયાર નથી. સાત દિવસ પહેલા જ આ રીતે પાંચમી ઓક્ટોબરનાં રોજ બે પાકિસ્તાની બોટ અવાવરું સ્થિતિમાં મળી આવી હતી. અને હવે વધુ પાંચ મળી છે ત્યારે કચ્છની સીમાએ છીંડા હોય તેવું ચિત્ર હાલ તો ઉપસી રહ્યું છે.
ગુજરાત બીએસએફના મુખ્યાલય ફ્રન્ટીયર ગાંધીનગર દ્વારા સીમા સુરક્ષા દળના પીઆરઓ દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવેલી માહિતી પ્રમાણે, શુક્રવારે રાતે પોણા અગિયાર વાગ્યાના અરસામાં બીએસએફની પેટ્રોલિંગ પાર્ટીને હરામીનાળા પાસેથી માછીમારી કરવા આવેલા પાકિસ્તાનીઓની સિંગલ એન્જીનવાળી પાંચ બોટ મળી આવી હતી. આટલી સંખ્યામાં બોટ મળી આવતા સીમા સુરક્ષા દળ દ્વારા આ વિસ્તારમાં રાબેતા મુજબ સર્ચ ઓપરેશન પણ કરવામાં આવ્યું હોવાનો દાવો પ્રેસ બ્રિફમાં કરવામાં આવ્યો છે. જોકે
હજુ સુધી બોટ સિવાય કોઈ અન્ય વસ્તુ કે માણસો મળ્યા નથી તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
સંખ્યાબદ્ધ ઇનપુટ અને અતિ ચુસ્ત હાઈએલર્ટ તથા સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ કચ્છની સીમાએથી જે રીતે અવાવરું બોટ મળવાનો સિલસિલો ચાલુ છે તેને જોઈને કચ્છ બોર્ડર ઉપર સુરક્ષા વ્યવસ્થા ઉપર પ્રશ્નાર્થ ચિન્હ લાગે તે સ્વાભાવિક છે. બીએસએફના જવાનો તથા અધિકારી દ્વારા કચ્છ બોર્ડર ઉપર જડબેસલાક સિક્યોરિટી સિસ્ટમ ઉભી કરવામાં આવેલી છે. પરંતુ જયાંથી તેમને ગુપ્ત માહિતી મળવી જોઈએ તેવી તેમની ઇન્ટેલિજન્સ બ્રાન્ચ તરફથી પ્રોપર માહિતી કે ઇનપુટ ન મળવાની સ્થિતિમાં ક્યાંક ને કયાંક છીંડા રહી જાય છે તેનો બોલતો પુરાવો આ નધણીયાતી બોટ મળી આવવાનો સિલસિલો છે. છેલ્લા કેટલાક સમયથી બીએસએફની ભુજની ‘જી’ બ્રાન્ચ દ્વારા ક્રિક કે રણ બોર્ડર સંદર્ભે ઇનપુટ એકત્રિત કરવાને બદલે તેના અધિકારીઓ દ્વારા તેમના સિનિયર ઓફિસર્સને મોંઘીદાટ ગિફ્ટ આપવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાની સ્થિતિમાં પણ ગુપ્ત માહિતી એકઠી કરવાની કામગીરીમાંથી ધ્યાન ભટકી ગયુ હોવાનું પણ હાલ તો કચ્છનાં ઇન્ટેલિજન્સ નેટવર્કમાં ચર્ચાઈ રહ્યું છે.