Home Current કચ્છની દરિયાઈ વનસ્પતિમાંથી બની શકે છે પ્લાસ્ટિક – વૈજ્ઞાનિકોએ કરેલી સફળ શોધ...

કચ્છની દરિયાઈ વનસ્પતિમાંથી બની શકે છે પ્લાસ્ટિક – વૈજ્ઞાનિકોએ કરેલી સફળ શોધ વિશે જાણો

627
SHARE
પર્યાવરણની રક્ષા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વન ટાઈમ પ્લાસ્ટિક યુઝ’ અંગે લોકોને જાગૃત બનવા હાકલ કરીને ‘પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા’ ની મુવમેન્ટ શરૂ કરી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પડકાર ગુજરાતના વૈજ્ઞાનિકોએ ઝીલી લીધો છે કચ્છ મધ્યે પર્યાવરણ સુરક્ષા સંદર્ભે કામ કરતી જાણીતી સંસ્થા ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી ‘ગાઈડ’ ના વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિક સામે ‘બાયોપ્લાસ્ટિક’ની શોધ કરીને પર્યાવરણ ક્ષેત્રે એક નવી ક્રાંતિ સર્જી છે કચ્છની દરિયાઈ વનસ્પતિ ચેરીયામાંથી પર્યાવરણને નુકસાન ન કરે તેવું ઇકો ફ્રેન્ડલી ‘બાયોપ્લાસ્ટિક’ બની શકે છે કેવી રીતે? આ અંગે ભુજમાં કાર્યરત ગાઈડ સંસ્થાના ડાયરેકટર અને વૈજ્ઞાનિક ડો. વિજયકુમારે ‘ન્યૂઝ4કચ્છ’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, દરિયાઈ ચેરીયામાંથી મળી આવેલા બેક્ટેરિયામાંથી ‘બાયોપ્લાસ્ટિક’ બની શકે છે સતત ત્રણ વર્ષની સઘન મહેનત બાદ ચેરીયાના પાનમાંથી મળી આવેલા ‘માઇક્રોબ્સ’ (માઇક્રોસ્કોપમાં જ દેખાઈ શકે તેવા સૂક્ષ્મ બેકેરિયા) નું વૈજ્ઞાનિક ડો. જી. જયંતી દ્વારા સંશોધન તેમજ વૈજ્ઞાનિક ડો. કે. કાર્તિકેય દ્વારા પરીક્ષણ કરાયા બાદ લેબોરેટરીમાં ‘બાયપ્લાસ્ટિક’ બનાવવામાં સફળતા મળી છે પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી દેશ વિદેશની નામાંકિત સંસ્થાઓ સાથેનો બહોળો અનુભવ ધરાવતા સીનીયર વૈજ્ઞાનિક ડો. વિજયકુમારના જણાવ્યા પ્રમાણે  તેમની ગાઈડ સંસ્થાની લેબોરેટરીમાં ચેરીયાના બેક્ટેરિયામાં મળેલાં ‘હેલોટોલરેન્ટ માઇક્રોબીઅલ એન્ડોપાઇટ્સ’ માંથી આ બાયોપ્લાસ્ટિક બનાવાયું છે. ચેરીયામાંથી મળેલા કુલ નવ પ્રકારના બેક્ટેરિયાઓનું સંશોધન કરાયા બાદ જે બેક્ટેરિયામાંથી વધુ પ્લાસ્ટિક (PHA, પોલિહાઇડ્રોક્સી અલકાનોએટ) મળવાની શક્યતા છે, તે બેકટેરિયાના જિન (પ્રજાતિ) વિશે વધુ જાણકારી મેળવવા તેને પરીક્ષણ માટે GSBTM (ગુજરાત સ્ટેટ બાયો ટેક્નિકલ મિશન) ની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે આ સંશોધન વિશે ‘ન્યૂઝ4કચ્છ’ને વધુ જાણકારી આપતા વૈજ્ઞાનિક ડો. કાર્તિકેય કહે છે કે, એકવાર બૅક્ટેરિયાનું નિર્માણ લેબોરેટરીમાં પણ કલ્ચર પ્રોસેસ દ્વારા હજારોની સંખ્યામાં થઈ શકે છે, જે પ્રયોગ એમણે બાયોપ્લાસ્ટિક બનાવવા માટે ગાઈડની ભુજની લેબોરેટરીમાં કર્યો છે એટલે, બાયોપ્લાસ્ટિકનું રો મટીરીયલ લેબોરેટરીમાં જ બેક્ટેરિયામાંથી બની શકશે આ બાયોપ્લાસ્ટિકની શોધ કરનાર મહિલા વૈજ્ઞાનિક ડો. જયંતિ ‘ન્યૂઝ4કચ્છ’ને કહે છે કે, આ નવું બાયોપ્લાસ્ટિક ‘ડિગ્રેડેબલ’ છે, એ વાતાવરણમાં પોતાની મેળે ઓગળી જાય છે એટલે તે પર્યાવરણને નુકસાનકર્તા નથી વળી, આ બાયોપ્લાસ્ટિક બનાવવા માટેના બેક્ટેરિયા ચેરીયાના પાનમાંથી મળી જાય છે, એના માટે ચેરીયાનો નાશ કરવાની જરૂર નથી, એકવાર બેક્ટેરિયા મળી ગયા બાદ આ બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયા લેબોરેટરીમાં બનાવવા શક્ય છે એટલે ‘બાયોપ્લાસ્ટિક’ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે. અત્યારે લેબોરેટરીમાં ‘બાયો પ્લાસ્ટિક’ની પોલીફિલ્મ બનાવાઈ છે પણ, હવે બાયો પ્લાસ્ટિકના વ્યવસાયિક ઉપયોગ કરવા માટે વધુ સંશોધનની જરૂરત ઉપર ભાર મુકતા ડો. વિજયકુમાર કહે છે કે, આ બાયોપ્લાસ્ટિકનો ઉપયોગ અત્યારે વપરાતા પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે સંપૂર્ણપણે થઈ શકે તેમ છે અમે પ્રાથમિક સફળતા મેળવી છે, પરંતુ, તેના વ્યવસાયિક ઉપયોગના પરિક્ષણની પ્રક્રિયા અને ખર્ચ વધુ હોઈ તે માટે જો સરકાર દ્વારા પ્રયાસો થાય તો બાયોપ્લાસ્ટિકનું નિર્માણ અને વપરાશ દેશ દુનિયામાં પર્યાવરણ ક્ષેત્રે ક્રાંતિ આણશે ગુજરાતના નિવૃત પૂર્વ વરિષ્ઠ સનદી અધિકારી સુધીર માંકડના ચેરમેન પદે કાર્યરત ગાઈડ સંસ્થાએ કચ્છમાં ચેરીયાના સંરક્ષણ તેમજ બન્નીના ઘાસિયા મેદાનો ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.