પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલીની હત્યા કેસમાં રેલવે પોલીસે ઝડપેલા મનીષા ગોસ્વામી અને સુજીત પરદેશીને ભચાઉ કોર્ટમાં રજૂ કરી ૧૨ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે, ગત તા/૭/૧/૧૯ ના જેન્તીભાઈની કરાયેલી હત્યા પછી ૧૦ મહિને ઝડપાયેલા મનીષા અને તેના મિત્ર સુજીત પાસેથી પોલીસને અનેક માહિતી મેળવવાની છે. કોર્ટમાં પોલીસે આ સંદર્ભે કરેલી રજુઆતમાં મનીષા તેમજ સુજીત ઉપરાંત છબીલ પટેલ, જેન્તી ઠકકર ઉપર પણ હત્યા સંદર્ભે અનેક સવાલો ઉઠાવ્યા હતા.
જાણો પોલીસ દ્વારા કોર્ટમાં ઉઠાવાયેલા સવાલો,
મનીષા અને સુજીત સહિતના આરોપીઓની સાંઠગાંઠ વિશે તેમજ આ હત્યા કેસની અત્યાર સુધીની તપાસ વિશે પોલીસ શું કહે છે? પોલીસ ૧૨ દિવસના રિમાન્ડ દરમ્યાન આ સવાલોના જવાબ મનીષા અને સુજીત પાસેથી મેળવવાની મથામણ કરશે.
– મનીષા ગોસ્વામી અને જેન્તી ભાનુશાલી વચ્ચે તબેલાની જમીનના મુદ્દે કે અન્ય કોઈ આર્થિક લેતી દેતી હતી? ★ તા/૧૧/૪/૧૮ ના જેન્તી ભાનુશાલી અને તેમના પરિવારજનોએ મનીષા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી, તો મનીષા ગોસ્વામીએ જેન્તી ભાનુશાલી વિરૂદ્ધ પોલીસમાં અરજી કરી હતી. આ મામલો શું હતો? કયા આર્થિક વિવાદો હતા? ★ મનીષા ગોસ્વામી છુટી જાય તેના પ્રયોજન માટે સુજીત ભાઉ, જેન્તી ઠકકર અને છબીલ પટેલ ભેગા થયા હતા. આ લોકો વચ્ચે કેવા સંબંધો હતા? ★ જેન્તી ડુમરાના નિવેદન મુજબ હત્યાના બનાવ પહેલા ૩/૧/૧૯ ના તેની સાથે મુંબઈથી ભુજ પ્લેનમાં મનીષા, સુજીત અને આ કેસનો વોન્ટેડ આરોપી નિખિલ થોરાટ હતો તો, તેમની ભૂમિકા શું હતી? ★ સુજીત ભાઉએ પુનાના વિશાલ કામ્બલેની મદદથી છબીલ પટેલનો ભેટો જેન્તીભાઈની હત્યા કરનાર શાર્પ શૂટરો શશીકાંત કામ્બલે અને અશરફ શેખ સાથે કરાવ્યો હતો તે વિશેની માહિતી મેળવવી. ★ અનેક હનીટ્રેપના રહસ્યો છુપાવીને બેઠેલી પરિણીત મનીષા ગજ્જુગીરી ગોસ્વામી અને તેનો મિત્ર તેમજ ભાગેડુ રહ્યા તે દરમ્યાન સતત ૧૦ મહિના તેની સાથે પતિ તરીકે રહેનાર સુજીત પરદેશી વચ્ચે સંબંધો કેવા છે? તેનો ભેદ પોલીસ જાણવા માંગે છે. ★ જેન્તીભાઈની હત્યા પહેલા સુજીતની હાજરીમાં તા/૧૨/૧૧/૧૮ના મનીષા, છબીલ પટેલ, સહિત આ હત્યા કેસના તમામ આરોપીઓ પૂનામાં આવેલા એકવિરા માતાજીના મંદિરે ભેગા થયા હતા. ત્યાં શું ચર્ચા થઈ? ★ જેન્તીભાઈની હત્યા પહેલા તા/૧૬/૧૦/૧૮ના સુજીત, નિખિલ થોરાટ અને વિશાલ કામ્બલે પૂનાથી ટ્રેન દ્વારા અમદાવાદ થઈને ભુજ છબીલ પટેલને મળ્યા હતા. તેમનો ઈરાદો શું હતો? ★ તા/૧૫/૧૨/૧૮ ના મનીષાએ જેન્તી ભાનુશાલીને રાંચી બોલાવેલ, પણ ભાણેજ નિતીનના કહેવાથી જેન્તીભાઈ ગયા નહોતા. ત્યાં તેમની હત્યા કરવાનું ષડયંત્ર હતું તેમજ એક મહિલાની મદદ લઈને જેન્તીભાઈ માટે ટ્રેપ ગોઠવેલી તો એ મહિલા કોણ? એ વિશે માહિતી મેળવવી ★ તા/૨૦/૯/૧૮ ના મનીષા તેના મિત્ર સુજીત સાથે જેન્તી ડુમરાની મુંબઈ ઓફિસ મધ્યે તેને મળી હતી. તેમનો મળવાનો ઈરાદો શું હતો? હત્યા બાદ નાસી છુટવા માટેનો ગૂગલ મેપ છબીલ પટેલે આપ્યો હોવાનું શાર્પ શૂટરોએ કબૂલ કરેલ હોઈ, મનીષા ગોસ્વામીએ કઈ રીતે છબીલ પટેલને આ ગૂગલ મેપ મોકલ્યો હતો? મનીષા ગોસ્વામીએ નાસવા માટે અલગ રૂટ બનાવ્યો હતો. ★ જેન્તીભાઈની હત્યા કર્યા બાદ તમામ આરોપીઓ જમ્મુના કટરા મધ્યે ભેગા થયા હતા, શાર્પશૂટરો શશીકાંત અને અશરફે જેન્તી ભાનુશાલીનો મોબાઈલ ફોન મનીષા અને સુજીતને આપ્યો હોવાની પોલીસને શંકા છે, જેની તપાસ માટે રિમાન્ડ જરૂરી હોવાનું પોલીસે કોર્ટને જણાવ્યું હતું. ★ હત્યાના કાવતરા દરમ્યાન મનીષા ગોસ્વામીએ વાપરેલ સિમ કાર્ડ, તેના મોબાઈલ ફોન, નાણાકીય આર્થિક મદદ, વોન્ટેડ હતા તે દરમ્યાન ક્યાં ક્યાં રોકાયા? કોણે મદદ કરી? આ વિશે પણ તપાસ કરવાની હોવાનું પોલીસે રિમાન્ડ માટેની માગણીમાં જણાવ્યું હતું.
મોબાઈલ ખોલી શકે છે રાઝ..
પોલીસ આ હત્યા કેસને લગતા તમામ આર્થિક પાસાઓ તેમજ આરોપીઓની સામેલગીરી વિશે ઘનિષ્ઠ તપાસ કરવા માંગે છે. જો, ચર્ચાતી હકીકતો માનીએ તો, એકંદરે આ હત્યા કેસ જેન્તી ભાનુશાલીના મોબાઈલ સાથે તેમજ મનીષા ગોસ્વામીના મોબાઈલ સાથે સંકળાયેલો છે. જેન્તીભાઈના મોબાઈલમાં અને મનીષા ગોસ્વામીના અન્ય મૈત્રીભર્યા સંબંધોમાં આ હત્યા કેસના અનેક રાઝ છુપાયેલા છે. સીટની ટીમના પોલીસ અધિકારીઓ જેન્તીભાઈની હત્યાની એક પછી એક કડીઓ જોડી રહ્યા છે પણ, આ કામ પડકારજનક છે, ખુદ પોલીસે પણ કોર્ટમાં જણાવ્યું છે કે, મનીષા ગોસ્વામી અને સુજીત ભાઉ બન્ને સામે અગાઉ ગુનાઓ નોંધાઇ ચુક્યા છે બન્ને પોલીસની પૂછપરછની સ્ટાઇલ ઉપરાંત પોલીસની મર્યાદાથી વાકેફ છે જોકે, ભચાઉ કોર્ટમાં આવ્યા ત્યારે મનીષા અને સુજીત બન્ને જીન્સ પેન્ટ સાથે હળવા મિજાજમાં વાતો કરતા જોવા મળ્યા હતા પોલીસ બન્નેને અલગ અલગ લઈ આવી હતી.