મુન્દ્રા, અબડાસા, લખપત વિસ્તારમાં ઔધોગિક એકમો સામે દબાણ અને પ્રદૂષણની ફરિયાદો તેમજ ભુજ, નખત્રાણામાં પવનચકકીઓ દ્વારા કરાતાં દબાણ સામે લોકોમાં નારાજગી છે તે વચ્ચે હવે અંજારમાં પણ આવા જ મુદ્દે પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ દનીચાએ આક્રોશ વ્યક્ત કર્યો છે આ અંગે એક અખબારી યાદી દ્વારા પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ દનીચાએ જણાવ્યું છે કે, સુર્યા કંપની દ્વારા ભુવડ મથડા રાજમાર્ગ જે ૨૦૦ થી ૩૦૦ વર્ષ જૂનો રાજાશાહી સમયનો ગાડા વાટ કાચો રસ્તો છે, તે અહીં સૂર્યા કંપની શરૂ કરાતાં છેલ્લા ૧૦ વર્ષથી કંપનીએ પોતાની બાઉન્ડ્રી કરી બાકીના રસ્તા નું ગેર કાયદેસર દબાણ કરી લીધું છે સૂર્યા ઉદ્યોગની બને બાજુ એ પોતાની માલિકીની જમીનો આવેલ છે.
આ રાજ માર્ગ ને ખુલ્લો કરવા ભુવડ – મથડા, ચાંદ્રોડા, ખેડોઈ, ચંદીયા, મીંદીયાળા, વગેરે ગામોની પંચાયતો અને વિવિધ સામાજિક સંસ્થાઓ છેલ્લા ૧૦ વર્ષથી મૌખિક – લેખિત રજૂઆતો કરતા આવે છે તેમ છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી તેમજ આ રાજમાર્ગ જાહેર પ્રજા માટે ખુલ્લો કરવામાં આવતો નથી ચોમાસા દરિમયાન સૂર્યા કંપનીની આસપાસ વરસાદના પાણી ભરાવાના કારણે છેલ્લા ત્રણ ચાર મહિનાથી પગ રસ્તો તેમજ બે પૈડા વાળા વાહનો પણ આવ જાવ કરતા હતા તે હવે બંધ થઈ ગયા છે
અધૂરા માં પૂરું કંપનીનું નકામું ગંદુ પાણી જે નિકાલ કરવામાં આવે છે તે પણ આજ રસ્તામાં આવી જતા વાહનો તો દૂર રહ્યા પણ પગે આવન જાવન કરતી પ્રજાને ભારે હાલાકી સહન કરવી પડે છે જેની મૌખિક રજૂઆતો અનેક વખત કંપનીને કરેલી છે આ રાજમાર્ગનો આજુબાજુ ના તમામ ગામોના લોકો તેમજ પશુધન ચરાવવા માટે ઉપયોગમાં આવતો હતો જે હાલે બંધ કરી દેતા પરેશાની ભોગવવી પડે છે વિશેષમાં જાણવા મળતી વિગત મુજબ સૂર્યા કંપનીએ જે ગૌચરની જમીનો ઉપર ગેરકાયદેસર દબાણ કરેલું છે તે દૂર કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટે દ્વારા હુકુમો થયેલા છે છતાં પણ કંપનીએ હજુ સુધી અમલ કર્યો નથી.
કંપની કોર્ટના આદેશનું પાલન કરતી ન હોઈ હવે ઉપવાસ અને લોક આંદોલનની ચીમકી
ઉપરોકત તમામ સંજોગો જોતા સૂર્યા કંપનીને પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ દનિચાએ કડક રજુઅાત કરી આ રાજમાર્ગનું ગેરકાયદેસર દબાણ તત્કાલિક હટાવી આ રાજમાર્ગ 10 દિવસની મુદતમાં શરૂ નહીં કરવામાં આવે તો પ્રજાકીય લડત, આમરણ ઉપવાસ કે યોગ્ય તે કાનૂની કાર્યવાહી કરવાની અમોને ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી સૂર્યા કંપનીની રહેશે જેની ગંભીરતા થી નોંધ લેવાનું જણાવ્યું છે.