મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જનસુખાકારીને વેગ આપનારા પ્રજાલક્ષી નિર્ણયોની પરંપરાને આગળ ધપાવતા કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે નવી સિટી સર્વે કચેરી શરૂ કરવા માટે અનુમતિ આપીને લોકલાગણીને મૂર્તિમંત કરી છે
આ નિર્ણયના કારણે દેશના અગ્રીમ બંદરો પૈકીના એક એવા દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ (કંડલા પોર્ટ ટ્રસ્ટ) અને આજુબાજુના વિસ્તારોની ૨૬૦૦ એકર જમીનના ૩૦,૦૦૦ લિઝ જમીન ધારકોને લીઝ દસ્તાવેજોના આધારે પ્રોપર્ટી કાર્ડ આપવાની કામગીરી શરૂ થશે આ વિસ્તારનો સંતુલિત વિકાસ શક્ય બનશે રાજ્યના અન્ય વિકસિત શહેરી વિસ્તારોની જેમ આ વિસ્તારના યોજનાબદ્ધ આયોજન અને વિકાસને પણ વેગ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છના સમુદ્રતટે કંડલા પોર્ટના વિકાસ સાથે ગાંધીધામ-આદિપુર શહેરની વસાહત માટે જે તે સમયે કંડલા પોર્ટ ટ્રસ્ટને જમીન ફાળવવામાં આવી હતી
ફેબ્રુઆરી ૧૯૬૪માં જમીનના વિકાસના કામ પર દેખરેખ રાખવા તથા લિઝની શરતોના પાલનનું દાયિત્વ કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેનને સોંપાયું હતું કંડલા પોર્ટ ટ્રસ્ટની જમીનો કેન્દ્ર સરકાર હસ્તક હોય છે, તેથી લિઝ હોલ્ડની જમીનનું ફ્રી હોલ્ડમાં રૂપાંતર થયેલું નહોતું, જેના લીધે રાજ્ય સરકારનું પણ કોઇ પ્રત્યક્ષ નિયંત્રણ નહોતું
૨૦૧૪માં ટાઉનશિપની જમીનોને ફ્રી હોલ્ડ કરવાની મંજૂરી મળી અને ત્યારબાદ કેન્દ્ર સરકાર અને દીનદયાળ (કંડલા) પોર્ટ ટ્રસ્ટે ૨૦૧૯માં ગાંધીધામમાં સિટી સર્વે ઓફિસ શરૂ કરવા સંમતિ આપી હતી.
સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટની ઓફીસ શરૂ થયા બાદ લીઝ હોલ્ડથી ફ્રી હોલ્ડ થયેલ જમીન અને મિલકતો કે જેની નોંધણી અગાઉ રેવન્યુ રેકર્ડમાં થઈ શકતી નહોતી, તેની હવે સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ ઓફીસ દ્વારા નોંધણી થશે અને જરૂરી વિધિઓ બાદ પ્રોપર્ટી કાર્ડ પણ આપવામાં આવશે આનાથી જે તે મિલકતોના કબજેદારોની સુનિશ્ચિત્તતા નક્કી થશે અને ફ્રી હોલ્ડ થયેલ જમીનોના હસ્તાંતરણ ઝડપી અને સરળથી થતાં વિકાસને વેગ મળશે.
(સમાચાર સોર્સ-માહિતી કચેરી)