કચ્છની રણ સીમાએ વિઘાકોટ પાસે આવેલા બોર્ડર પીલર નંબર 1127 નજીકથી ઝડપાયેલ પાકિસ્તાનીની પ્રાથમિક પુછપરછ કરવામાં આવી રહી છે. જેમાં તે અવાર નવાર નિવેદનો બદલી રહ્યો હોવાને કારણે તપાસ કરી રહેલા અધિકારો પણ પરેશાન થઈ ગયા છે કે ખરેખર આ વ્યક્તિ સાચું બોલી રહ્યો છે કે ગાંડો હોવાનો ડોળ કરીને વાતને ફેરવી રહ્યો છે. ગુરુવારે તેને બોર્ડર પરથી પકડી લીધા પછી સીમા સુરક્ષા દળ દ્વારા તેને નરા પોલિસ મથકે સોંપી દેવામાં આવ્યો હતો. હજુ એક દિવસ નરા પોલિસ તેની પુછપરછ સહિત તેની મેડીકલ તપાસણી કરશે. ગત મોડી રાત્રે નરા પોલિસ મથકને પાકિસ્તાની મોહમંદ અલીને સુપ્રત કરાયા બાદ આજે સવારે શુક્રવારે પાકિસ્તાની ઘૂસણખોરને મેડીકલ તપાસ માટે દયાપર લઈ જવાયો હતો.ત્યાર બાદ તેની માનસિક સ્થિતીનો ચિતાર મેળવવા માટે તેને ભુજની મેન્ટલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જો કે હજુ તેના માનસિક અને શારીરિક સ્થિતીનો રીપોર્ટ ન આવવાને કારણે તેને એક દિવસ નરા પોલિસની કસ્ટડીમાં રાખવામાં આવશે અને મેડીકલ રીપોર્ટ આવ્યા બાદ તેને કોર્ટમાં રજુ કર્યા પછી ભુજમાં આવેલા સંયુકત પૂછપરછ કેન્દ્ર એટલે કે જેઆઇસી હવાલે કરવામાં આવશે તેવુ નરા પોલિસ મથકના અધિકારીઓએ જણાવ્યુ હતુ.
કરાંચીના બદલે કચ્છ આવી ગયો મોહમંદ?
કચ્છની સીમાંથી ઝડપાયેલા પાકિસ્તાનીની પૂછપરછમાં એવી પણ વાત બહાર આવી હતી કે તે તેના ગામથી દૂધ આપવા પાકના કરાંચી શહેર જઇ રહ્યો હતો. જે ટ્રકમાં તે બેઠો હતો તેના ચાલકે તેને રસ્તામાં ઉતારી દીધો હતો. રાતના અંધારામાં ચાલતા ચાલતા તે કરાંચીને બદલે કચ્છમાં આવી ગયો હતો તેમ અલીએ જણાવ્યું હતું. જો કે તેના મેડીકલ રીપોર્ટ અને સયુક્ત પુછપરછ બાદ તેની વાતમાં કેટલુ તથ્ય છે તે સામે આવશે.