રાપરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતીનો ચિતાર આપતો એક વીડીયો સોસીયલ મીડીયામા વાયરલ થયો હતો જેમાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા એક આધેડ શખ્સને બાંધી માર મારવા સહિત હથીયારો સાથે દેકારો મચાવતા દેખાયા હતા. જો કે વાયરલ થયેલા એ વીડીયો મામલે અંતે પોલિસે કાર્યવાહી કરી હતી. અને ભોગ બનનાર અને તેને માર મારનાર બન્ને શખ્સોની ઓળખ કરવા સહિત સમગ્ર મામલાની તપાસ કરી નિવેદન લીધા હતા. તો વીડીયોમાં દેખાતા હથીયાર બાબતની પણ જાણકારી મેળવી હતી જો કે સંપુર્ણ તપાસ બાદ ભોગ બનનાર શખ્સે ફરીયાદ કરવાનુ ટાળતા હવે આ સંપુર્ણ મામલે ફરીયાદ થશે નહી.
કોણ છે? ભોગ બનનાર અને શા માટે નહી થાય ફરીયાદ
વીડીયોમાં દેખાતા એ શખ્સને જોઇને કદાચ વિડિઓ જોનારને થતુ હશે કે એ નિર્દોષ વ્યક્તિ પર હુમલાની ઘટના ખરેખર દયનીય છે. પરંતુ ભોગ બનનાર રાપરના ઉમીયા નગરના એ શખ્સની હિસ્ટ્રી જાણીને એમ પણ થશે કે શા માટે આ શખ્સ માર ખાઇ રહ્યો હતો. અને પોલિસની ખાતરી પછી પણ ફરીયાદ કરવાનુ ટાળી રહ્યો છે. વીડીયોમા માર ખાતા દેખાઇ રહેલા શખ્સનુ નામ છે. રામજી ભીખા કોળી કે જે વર્ષ 2004 અને 2011માં એક મર્ડર કેસનો આરોપી છે. અને એ ઉપરાંત રાપર પોલિસના એક પી.એસ.આઇ પર હુમલાના કેસમાં પણ સંડોવાયેલો છે. આ ઉપરાંત મારામારી જેવા અનેક બનાવોમાં તેની સંડોવણી છે. પરંતુ હવે વાયરલ વીડીયો અને તેને માર મારવાની ઘટના પછી તે ડરથી ફરીયાદ કરવાનુ ટાળી રહ્યો છે. જો કે પોલિસે તેને ફરીયાદ માટે અનેકવાર સમજાવ્યો પરંતુ તેને ફરીયાદ કરવાની ના પાડતા પોલિસે તેનુ નિવેદન લઇ જવા દીધો છે.
હુમલો કરનાર કોણ છે?
વાયરલ વિડીઓમાં માર મારતા વ્યક્તિ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે ચનુભા સોઢા પણ મર્ડર અને મારામારી જેવા કેસોમાં સામેલ હોવાનુ સામે આવ્યુ છે અને તેની ગણના પણ રાપરના માથાભારે શખ્સોમાં થાય છે. જો કે રામજી કોળીએ ચનુભાના ભાઇ પાસે જમીન લીધા બાદ પૈસાની લેતીદેતી મામલે આનાકાની કરતા આ ઘટના બની હોવાનુ તપાસ કરતા પોલિસ અધિકારી વી.પી.જાડેજાએ જણાવ્યુ હતુ. જો કે વીડીયોમાં દેખાતા હથીયાર બાબતે તપાસ કરતા હથીયાર લાઇસન્સ સાથેનુ હોવાનુ સામે આવ્યુ છે. જેની તપાસ પણ પોલિસે કરી છે.
ફરીયાદ ન થઇ પણ શુ ઘટનાના પ્રત્યાધાત પડશે ?
રાપર તેના ગુન્હાહીત ઇતિહાસ માટે પંકાયેલુ છે અને આવા અનેક બનાવોમાં પોલિસ ફરીયાદ ન કરવી અને કર્યા પછી તેનો બદલો લેવાની ઘટના ભુતકાળમાં અનેક બની ચુકી છે. રામજીએ પોલિસની તપાસ અને સમજાવટ પછી પણ ફરીયાદ ન કરી તેના પાછળ તેનો ડર છે? કે પછી આ ઘટનાના પ્રત્યાઘાત આગામી દિવસોમાં સામે આવશે? આવા અનેક સવાલો વચ્ચે હાલ પૂરતો સવારે બહાર આવેલી ઘટના પર સાંજે પડદો પડી ગયો છે. જો કે પોલિસે ઘટનામાં ભોગ બનનારના નિવેદન અને તેનુ વીડીયો રેકોડીંગ પણ કર્યુ છે.