સામખીયાળી-મોરબી વચ્ચે જુના કટારીયા પાટીયા પાસે સર્જાયેલા એક ગમ્ખવાર અકસ્માતમાં 3 લોકો મોતને ભેટ્યા છે જ્યારે 11 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. હળવદમાં ખાખરેચી ગામના લોકો દર્શન કરી પરત ફરી રહ્યા હતા અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલો ટ્રક ચાલક ઝડપાયો
કચ્છમાં માતાનામઢ દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ આવે છે અને આ પર્વ દરમ્યાન કચ્છમા જીવલેણ માર્ગ અકસ્માત પણ સર્જાય છે. ત્યારે આજે પણ આવોજ એક અકસ્માત સર્જાયો હતો જેમાં 3 શ્રધ્ધાળુઓના મોત થયા છે. આજે બપોરના સમયે સામખીયાળીના જૂના કટારીયા પાટીયા વચ્ચેના ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી જેમાં માતાનામઢના યાત્રિકોને લઇ જતા ટ્રેક્ટરને પાછળથી પુરઝડપે જતી ટ્રકની ટક્કર લાગતા ટ્રોલીમાં સવાર 14 જેટલા શ્રધ્ધાળુઓ રીતસરના ફંગોળાયા હતા. અકસ્માતમાં ધટના સ્થળેજ ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા જેમાં બે મહિલા એક બાળકનુ મોત થયુ હતુ મૃત્કોમાં જીવતીબેન બીજલ સંખેશ્વરીયા(કોળી), 9 વર્ષના વિવેક ગોરધનભાઇ તથા વનીતા નવધણભાઇનો સમાવેશ થાય છે.
11 ઇજાગ્રસ્ત ત્રણ લોકોને ગંભીર ઇજાઓ
બપોરે બનેલા આ બનાવમાં અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો,હાઇવે પેટ્રોલીંગ ટીમ તથા 108 તાત્કાલીક મદદ માટે દોડી હતી. તો સામખીયાળી તથા લાકડીયા પોલીસના જવાનો પણ તપાસ સહિત મદદ માટે દોડી ગયા હતા. અને ધાયલોને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા હતા. અકસ્માતના આ બનાવમાં હજુ ત્રણ વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યુ છે. તમામને સામખીયાળીની માતૃસ્પર્શ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.શ્રધ્ધાળુઓ માતાનામઢથી દર્શન કરી પરત પોતાના ગામ ખાખરેચી તા. હળવદ જઈ રહ્યા હતા દર્શનાર્થીઓમાં બાળકો અને વૃદ્ધો પણ સામેલ છે.
અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થયો ઝડપાયો
અકસ્માતના સર્જાતા હાઇવે પર ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા અને લોકોની દર્દભરી ચીચયારીઓથી હાઇવે ગાંજી ઉઠ્યુ હતુ અને કરુણ વાતાવરણ સર્જાયું હતું. જો કે અકસ્માત સર્જયા બાદ ટ્રક ચાલક ત્યાથી ફરાર થયો હતો. જેની જાણ થતા પોલીસ દ્રારા તેનો પીછો કરી ટોલનાકા નજીકથી તેને ઝડપી પડાયો છે બનાવ અંગે સામખીયાળી અને લાકડીયા પોલીસ મદદ માટે દોડી ગઇ હતી હાલ પોલીસે ધટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. અને ઝડપાયેલા ટ્રક ચાલકની વિશેષ પુછપરછ હાથ ધરી છે. ઇજાગ્રસ્તો તમામ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કચ્છમાં માતાનામઢે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે. અને તેમની સુરક્ષા માટે તંત્ર દ્રારા જાહેરનામા પણ પ્રસિધ્ધ કરાય છે. પંરતુ દર વર્ષે બેફામ દોડતા વાહનો આવા જીવલેણ અકસ્માત સર્જે છે. ત્યારે કચ્છના આવા ઉત્સવ દરમ્યાન આવા બેફામ વાહનો પર કડક રોક લાગે તે જરૂરી છે. બનાવને પગલે કચ્છ સહિત મૃત્કના વતનમાં શોક ફેલાયો હતો.