Home Crime આદિપુરમાં જોખમી સ્ટંટ સાથે રીલ બનાવનાર પાંચ નબીરાઓ પકડાયા !

આદિપુરમાં જોખમી સ્ટંટ સાથે રીલ બનાવનાર પાંચ નબીરાઓ પકડાયા !

4137
SHARE
આદિપુર-શિણાયના જાહેર રોડ પર બેફામ રીતે કાર ચલાવવા સાથે એરગનથી વિડીયો બનાવનાર આદિપુરની સ્કુલના પાંચ વિદ્યાર્થીઓ ઝડપાયા 10 સગીર પણ કારમાં સવાર હતા લોકો અને પોલીસના જીવ અધ્ધર કરનાર યુવકોએ કાયદાનો પાઠ મળતા બાદમાં માફી માંગી
કચ્છ ભલે સરહદી જીલ્લો હોય પરંતુ અહી કાયદો-વ્યવસ્થાની સ્થિતી સામે સવાલો ઉભા કરતા બનાવો છાસવારે બને છે. કહેવાતી રીતે સોસીયલ મિડીયા પર નજર રાખવાની વાતો કરતી પોલીસના ધ્યાને આવી બાબતો વાયરલ થયા બાદ પહોંચે છે. તાજેતરમાં પચ્છિમ કચ્છમાં જાહેરમાં પ્રખ્યાત માંડવી બીચ પર દારૂ વહેંચાણના વિડીયોએ પણ અનેક સવાલો ઉભા કર્યા હતા. જો કે બાદમાં આબરૂ બચાવવા માટે પોલીસે ત્વરીત કામગીરીના પોકળા દાવાઓ કર્યા હતા. તેવામાં આદિપુરમાં પણ આવોજ એક વિડીયો આજે વાયરલ થયા બાદ પોલીસ હરકતમા આવી હતી અને જોખમી સ્ટંટ સાથે બંદુક જેવા હથિયાર સાથે રીલ બનાવનાર યુવકો વિરૂધ્ધ ફરીયાદ નોંધી કાયદાનુ ભાન કરાવ્યુ હતુ. જો કે તે પહેલા વિડીયોએ ભારે સનસનાટી સર્જી હતી. વિગતે વાત કરીએ તો આદિપુર-શિણાય રોડ પર જોખમી રીતે કાર ચલાવતા કેટલાક નબીરાના વિડીયો સોસીયલ મિડીયામાં શનિવારે વાયરલ થયા હતા જે વાયુવેગે ફરતા પોલીસ પણ એક્શનમાં આવી હતી વિડીયોમાં કેટલીક કારો બેફામ રીતે જાહેર રોડ પર સ્પીડમાં જોખમી રીતે પસાર થઇ હતી સાથે બાદમા કોઇ ગ્રાઉન્ડમાં કારના ચાલકોએ સ્ટન્ટ પણ કર્યા હતા. મામલો સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને જોખમી સ્ટંટ કરનાર યુવકો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી પાંચ યુવકોની ધરપકડ પણ કરી હતી. જો કે નવાઇ વચ્ચે છ તારીખે જાહેર માર્ગ પર બનેલા આ બનાવની જાણ પોલીસને વિડીયો વાયરલ થયા બાદ થઇ હતી.
સ્ટંટ કરનાર યુવકો વિદ્યાર્થી
વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ કરી (૧) આર્યા વિશાલ દુબે ઉ.વ.૧૮ રહે.બી/૨૮૮ સપાનાનગર ગાંધીધામ(૨) પાર્થ જેહાભાઈ ચૌધારી ઉ.વ.૨૦ રહે.પ્લોટ નં.૪૮૪ ડીસી-૪૫ આદીપુર(૩) રીતેશ સજન રોહીવાલઉ.વ.૧૮ રહે. સિદ્ધેશ્વર રેસી. મેઘપર(કું) તા.અંજાર(૪) પુનિત ઉમેદ રોહિવાલ ઉ.વ.૨૦ રહે.સિદ્વેશ્વર રેસી. મેઘપર (કું) તા.અંજાર(૫) જયદિપ મનોહર શર્મા ઉ.વ.૧૮ રહે. બાગેશ્રી ટાઉનશીપ-૧ વરસામેડી તા.અંજારની ધરપકડ કરી હતી પોલીસની તપાસમાં સામે આવ્યુ છે. કે યુવકો 6 તારીખે સ્કુલના કાર્યક્રમમાં જઇ રહ્યા હતા ત્યારે રોલો પાડવા માટે આ વિડીયો બનાવ્યો હતો.કારમાં સવાર જોખમી સ્ટંટ કરતા પકડાયેલા પાંચ યુવકો સાથે અન્ય 10 કાયદાના સંધર્ષમાં આવેલા સગીરો પણ સામેલ હોવાનુ પોલીસે જણાવ્યુ હતુ પોલીસે બે એરગન સાથે યુવકો સામે કાર્યવાહી કરી હતી પોલીસે 44 લાખની કિંમતી 6 કાર સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો
પહેલા રોલો પછી માફી.….
પોલીસની આબરૂના લીરા ઉડાડતા આ બનાવના દ્રશ્યો જોખમી અને વિચલીત કરે તેવા છે. ફુલ સ્પીડમાં કારની જોખમી સવારી કરતા આ યુવકોએ અન્ય વાહન ચાલકો સાથે રસ્તા પરથી પસાર થતા લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે કાર હંકારી હતી.મામલો સામે આવ્યા બાદ આદિપુર પોલીસે નેત્રમની મદદથી તમામ ગાડીઓના રજીસ્ટ્રેશન નંબરની માહિતી મેળવી હતી અને તે આધારે તપાસ કરી ફોરવ્હીલ ગાડીઓના વાહન ચાલકો વિરૂદ્ધ આદીપુરમાં બી.એન.એસ. કલમ ૩(૫), ૨૭૦, ૨૮૧, ૨૮૯ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબનો ગુન્હો નોંધી પાંચ નબીરાઓની ધરપકડ કરી હતી રોલો પાડનાર યુવકોએ બાદમાં વિડીયો મારફતે માફી માંગ પોતાની ભુલ પણ સ્વીકારી હતી.પોલીસે સ્કુલના વિદ્યાર્થીઓને ઝડપ્યા બાદ તેના લાઇસન્સ રદ્દ થાય તે માટે પણ પ્રક્રિયા શરૂ કરી હોવાનુ પોલીસે ઉમેર્યુ હતુ.
સોસીયલ મીડીયાના અતીરેકમાં છાસવારે કચ્છ જ નહી ગુજરાતના અનેક વિસ્તારોમાં આવા જોખમી બનાવો સામે આવી રહ્યા છે જે ક્યારેક અન્ય માટે જીવલેણ પણ સાબિત થયા છે. તેવામા પોલીસે બનાવ બાદ કરેલી ઝડપી કાર્યવાહી સરાહનીય છે. પરંતુ વાત અહી પોલીસના ડર વગર બનતા આવા બનાવોની છે. તેમાય વડી છ તારીખે બનેલો બનાવ ટેકનોલોજીથી સજ્જ પોલીસના ધ્યાને બે દિવસ બાદ સામે આવે તે ચિંતાજનક બાબત છે. તેવામાં પોલીસ કડક કાર્યવાહી સાથે આવી પ્રવૃતિ કરતા લોકોમાં કાયદાનો ડર ઉભો કરે તે પણ એટલુજ જરૂરી છે.