
મુન્દ્રાના બરાયા ખાતે રાજ્યમંત્રી વાસણભાઇ આહીર સહિત માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તથા ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીના સન્માનનો કાર્યક્રમ યોજાઈ ગયો રવિવારે રાત્રે મુંદરાના બરાયા ગામે ધારાસભ્યોના સન્માન સમારોહને સંબોધતાં અંજારના ધારાસભ્ય અને રાજયમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે ગુજરાતમાં છઠ્ઠી વખત જનપ્રિય સરકાર રચાઇ તેનું મુખ્ય કારણ રાજયનો વિકાસ છે. રાજયના વિકાસની નેમ સાથે કચ્છના લોકોની આકાંક્ષા-અપેક્ષાઓ પણ પૂર્ણ કરવા જાગૃત રહી કાર્ય કરાશે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજયના ફાસ્ટટ્રેક મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની જનપ્રિય સરકારે ૫૭૫ નિર્ણય કર્યાં તેનો સામાન્ય જણને લાભ મળ્યો વિશેષ કરીને એક સર્વે નંબરમાં બે બોરનો કચ્છને વધુ લાભ મળ્યો છે. તેમણે મુંદરા ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યું હોવાનું જણાવી ગુજરાત જેવી ઔદ્યોગિક શાંતિ અને તેમાંય કચ્છમાં ૧૨૫૦ ઉદ્યોગોગૃહોને કોઇપણ પ્રકારે કનડગત નહીં હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પ્રજાજનોના સુખ-દુઃખમાં સાથે રહેવાનો કોલ આપી કચ્છના વિકાસની રાહ પર છેવાડાના માનવીના વિકાસ માટે કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકાર દ્વારા લેવાયેલા પગલાં સહિત અનેક મહત્વનાં કામો થયા હોવાનું જણાવી તેમણે વેપાર, ઉદ્યોગ, ખેતીના વિકાસ સહિત મુંદરા પોર્ટથી આ વિસ્તારના વિકાસ માટે સરકારની કટ્ટીબધ્ધતા દોહરાવી હતી.
ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીએ મુંદરાની દીકરી-બહેન તરીકે કામ કરવા કટ્ટીબધ્ધ છું, તેમ સન્માનના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું. માંડવી-મુંદરાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ સન્માન બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.
કાર્યક્રમના યજમાન એવા મુંદરા એપીએમસીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજાએ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યોનું આશાપુરા માતાજીની છબી, સન્માનપત્ર, કચ્છી પાઘડી, તલવાર અને મોમેન્ટોથી ખાસ સન્માન કરાયું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, શિક્ષણ સમિતિના ચેરપર્સન છાયાબેન ગઢવી, તા.પં. પ્રમુખ રણજીતસિંહ જાડેજા, ઉપપ્રમુખ ડાહ્યાલાલ આહિર, મુંદરા સરપંચ ધર્મેન્દ્ર જેસર, માંડવી ન.પા. અધ્યક્ષા સુજાતાબેન ભાયાણી, માંડવી તા.પં. અધ્યક્ષા ગંગાબેન પટેલ, રામજીભાઈ ઘેડા, પૂર્વ ધારાસભ્ય ગોપાલભાઈ ધુવા, વાલજીભાઈ ટાપરીયા, ચંદુભાઈ વાડીયા, કીર્તિભાઈ ગોર, મહામંત્રી જયેશભાઈ આહિર, રાજેન્દ્રસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ, વિવિધ સમાજના અગ્રણીઓ, રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો, વિવિધ ગામોના સરપંચો, ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.