ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જીવદયા પેમીઓ પશુ પક્ષીઓ માટે ચોક્કસ ચિંતિત હોય છે શહેરોમાં કે સોશિયલ મીડિયા દ્વારા વહેતા સઁદેશ પછી રહેવાસીઓ પણ જીવદયા પ્રત્યે ચોક્કસ જાગૃત બન્યા છે પરંતુ સુમસામ કે વન વગડામાં વિચરતા પશુ પક્ષીઓ માટે શું? આ વિચાર પણ કેટલાક લોકોને આવ્યો અને શરૂ થઈ ફરજની સાથે જીવદયાની સફર અહીં વાત કરવી છે એવાજ એક ઉમદા કાર્યની કચ્છની પશ્ચિમી સરહદે થઈ રહેલું આ કાર્ય અન્ય લોકોને પણ રાહ ચિંધનારું કહી શકાય.
નિયત કરેલા સ્ટોપ વગર જો તમે એસ.ટી કે ખાનગી બસ ચાલકને બસ થંભાવાનુ કહેશો તો ભલે તમને જવાબ ના મા મળતો હોય પરંતુ માતાનામઢ નારાયણસરોવર વચ્ચે એક સ્થળ એવુ છે કે જ્યા કોઇ સ્ટોપ કે કોઇ ગામ ન હોવા છંતા ત્યા બસના પૈડા થંભી જાય છે. અને બસ થોડા સમય માટે ત્યા રોકાય છે. અને તેનુ કારણ બીજુ કહી નહી પરંતુ સેવાનુ છે. આમતો આ વિસ્તારમાં નિયમીત પ્રવાસ કરતા લોકો માટે આ દૈનીક પ્રક્રિયા છે. પરંતુ જે લોકો નથી જાણતા તેમના માટે આ જાણવુ એટલુજ જરૂરી છે કેમકે અહીથી પસાર થતી એસ.ટી.બસ હોય કે ખાનગી બસ ખુલ્લા વગડામાં અબોલ પશુ-પંખી માટે અહી રોજ બસ થોભે છે અને ડ્રાઇવર કન્ડક્ટર તેમની સાથે લાવેલા પાણી અને ખોરાક અહી વસતા અબોલ જીવ માટે નિયમીત નાખવા માટે બસને ઉભી રાખે છે. અને નિયમીત શરૂ થાય છે સેવાનો યજ્ઞ. માતાનામઢ અને નારાયણસરોવર વચ્ચે 10 કિ.મીનો માર્ગ એવો છે કે જે વેરાન છે. આવા સ્થળે રહેતા અબોલ જીવો માટે પાણી અને ખોરાક કોણ આપે? બસ આજ પ્રશ્નનો જવાબ શોધ્યો છે આ બસ ચાલકોએ અને એટલેજ આ લોકો નિયમીત ગાય,કુતરા અને પંખીઓ માટે પાણી ખોરાકની વ્યવસ્થા ઘરેથી કરીને આવે છે.
કઇ રીતે શરૂ થઇ આ સેવાની શરૂઆત?
નારાયણ સરોવર રૂટના બસના ડ્રાઇવરોએ આ સેવાની શરૂઆત આજથી 6 વર્ષ કે તેથી વધુ સમય પહેલા કરી હતી અને હાલમાં સુરુભા જાડેજા અને હનુભા દ્વારા નારણસરોવર-મુન્દ્રા બસમાં કન્ડક્ટર ડ્રાયવરની ફરજની સાથે માતાનામઢથી વીસ કિલોમીટર આગળ વેરાન જગ્યા પર વર્ષોથી આ જીવદયા ની પ્રવૃત્તિ કરાય છે અને હવે તો ખાનગી બસના ચાલકો અને ત્યાથી પસાર થતા અનેક લોકો આ સેવામાં જોડાઈને ફુલરા નજીક મુંગા અબોલ જીવો માટે સેવાનો યજ્ઞ શરૂ કર્યો છે હવે જેટલી પણ ખાનગી અને એસ.ટી બસો અહીંથી પસાર થાય છે તે કઇકને કઇક આ અબોલ પશુ-પંખીઓ માટે આપતુ જાય છે. અને પશુઓ પણ તેની રાહ જોઇ ઉભા હોય તેમ નિયત કરેલા સમયે ત્યા આવી જાય છે.
કચ્છમાં મુંગા અબોલ પશુ-પંખીઓની સેવા એ કોઇ નવી વાત નથી અનેક સંસ્થા અને લોકો વર્ષોથી આવી સેવાકીય પ્રવૃતિ સાથે જોડાઇ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે પરંતુ જ્યા વાહનોની અવરજવર ઓછી છે. ત્યા આવી સેવા છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે જે કદાચ નારાયણસરોવર-માતાનામઢ અને કોટેશ્વરના દર્શનના પુણ્યથી પણ વધુ પુણ્યનુ ભાથુ કહી શકાય, આ સેવામાં અહીં આવતા દર્શનાર્થીઓ અને પ્રવાસીઓ પણ જોડાય તો સોનામાં સુગંધ ભળશે જો કે એસ.ટી અને ખાનગી બસના ચાલકોની આવી સેવાને તમારા વિસ્તારના પણ આવા વેરાન સ્થળો પર કરી તમે પણ પુણ્યનું ભાથું કમાઈને માનવતાનો સંદેશ વહેતો કરી શકો છો