છ મહિના અગાઉ મુંદરા ની અદાણી સમુદ્ર ટાઉનશીપ માં ત્રાટકેલી ઘરફોડ ચોરોની ગેંગે મચાવેલા આતંક નો મુખ્ય સૂત્રધાર ઝડપાઇ ગયો છે. મુંદરા પોલીસે અનિલ ભવાન વાસકેલીયાની મધ્યપ્રદેશ થી ધરપકડ કરી છે. પાંચ આરોપીઓની આ ગેંગ ખૂંખાર હોઈ ઘરફોડ ચોરીના બનાવ દરમ્યાન આડે આવનારને મારતાં પણ અચકાતા નહીં. ગત ૬/૧૧/૧૭ ના રાત્રે ૧ વાગ્યાના અરસામાં ઘરફોડ ચોરી કરી નાસી રહેલ આ ગેંગને સિક્યુરીટી ગાર્ડે પડકારતા ઘરફોડ ચોરો ની આ ગેંગે સિક્યુરીટી ગાર્ડ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ગુનાનો મુખ્ય માસ્ટર માઈન્ડ એવો મુખ્ય સૂત્રધાર અનિલ ભવાન વાસકેલીયા પોલીસને હાથતાળી દઈ ફરાર થઈ ગયો હતો. જેને મુંદરા પી.આઈ. એમ.એન. ચૌહાણે છેક મધ્યપ્રદેશ ના અંતરિયાળ ગ્રામીણ વિસ્તાર અલીરાજપુર જિલ્લાના જોહબટ તાલુકા ના મોટી કદવાલ ગામે થી ઝડપી પાડ્યો હતો. આ ગેંગ ના અન્ય ચાર આરોપીઓ હેમલ જોહરીયા વાસકેલીયા, સુભાન માલસિંગ અજનારીયા, જગદીશ જોહરીયા વાસકેલીયા, મડીયા બદનીયા એ અગાઉ ઝડપાઇ ચુક્યા છે. મધ્યપ્રદેશની આ આદિવાસી ઘરફોડ ગેંગ મુંદરા પંથકમાં વધુ આંતક મચાવે તે પહેલાં તેને ઝડપવામાં પી.આઈ. એમ. એન. ચૌહાણ, પી.એસ.આઈ. ટી.એચ.પરમાર અને અન્ય પોલીસ કર્મીઓ નારાણભાઇ રાઠોડ, પ્રદીપસિંહ ઝાલા, રવજીભાઈ બરાડીયા, વાલાભાઈ ગોયલ, ખોડુભા ચુડાસમાની ટીમે આ કામગીરી સફળ રીતે પાર પાડી તમામ ગુનેગારોને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.