નગરપાલિકાઓના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પુરી થયા પછી આડા, ભાડા, રાડાના ચેરમેન તરીકે અપાયેલા રાજકીય વાયદાઓ આડે કદાચ અવરોધ સર્જાઈ શકે છે. ખાસ કરીને સરકારે રાજ્યની નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સતા મંડળો માટેના નિયમોમાં મહત્વના ફેરફાર જાહેર કર્યા છે. જેમાં મકાનના બાંધકામ થી માંડીને ટાઉન પ્લાનર, કલમ ૨૫૭ હેઠળની નગરપાલિકાઓ સામેની ફરિયાદો સહિતના મુદ્દે મહત્વના ફેરફારો કર્યા છે. લોકોને સીધા જ સ્પર્શતા આ નવા ફેરફારો જાણવા ન્યૂઝ4કચ્છે જિલ્લા કલેકટર રેમ્યા મોહન સાથે વાત કરીને આ અંગે જાણકારી મેળવી હતી. આવો જાણીએ શું છે આ નવા ફેરફાર.
બધી જ નગરપાલિકાઓ અને સત્તા મંડળો માટે નવો વિભાગ
કલેકટર રેમ્યા મોહનના જણાવ્યાનુસાર સરકારે રાજ્યની તમામ નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સતા મંડળો માટે કમિશનર ઓફ મ્યુનિસિપાલટીનો અલાયદો વિભાગ શરૂ કર્યો છે. જે અંતર્ગત રાજ્યમાં અલગ ઝોન પાડવામાં આવ્યા છે, જેમાં કચ્છની છ નગરપાલિકાઓ ભુજ, માંડવી, અંજાર, ગાંધીધામ,ભચાઉ, રાપર અને પાંચ સત્તા મંડળો ભાડા(ભુજ), આડા(અંજાર), જી.ડી.એ.(ગાંધીધામ), ભાડા(ભચાઉ) અને રાડા(રાપર) નો સમાવેશ સૌરાષ્ટ્ર ઝોનમાં કરાયો છે, એટલે આપણું કચ્છ નું હેડ ક્વાર્ટર રિજીઓનાલ કચેરી રાજકોટ રહેશે. એટલે કચ્છની છ નગરપાલિકાઓ અને ૫ શહેરી વિકાસ સત્તા મંડળો ની બાંધકામ મંજૂરી, DP અને રોડ રસ્તા જેવા વિકાસ પ્લાન, જિલ્લા કક્ષાની શહેરી વિકાસની કામગીરી સહિતની તમામ પ્રક્રિયાઓ રાજકોટ થી થશે.
બાંધકામ મંજૂરી લોકલ ઓથોરીટી નહીં આપે તો કોણ આપશે?
કલેકટર રેમ્યા મોહન ના જણાવ્યાનુસાર મુખ્યમંત્રીશ્રીએ બાંધકામની મંજૂરી ની કામગીરી પારદર્શક અને ઝડપી બનાવવા માટે મહત્વનો ફેરફાર એ કર્યો છે કે હવે થી બાંધકામની અરજી ઓન લાઇન જ કરવી પડશે અને તે પણ રાજકોટ રિજીઓનલ કચેરી ને મોકલવાની રહેશે. એટલે કે, આપણને હવે આડા(AADA)ભાડા(BHADA)કે રાડા(RADA)નહીં પણ બાંધકામની મંજૂરી રાજકોટ થી જ મળશે. ઓન લાઇન પ્રક્રિયાના કારણે દરેકને સમયસર મંજૂરી મળશે અને કામગીરી પારદર્શક બનશે એવું કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું. આ ફેરફાર નવું મકાન બનાવનાર એકલ દોકલ નાગરિક થી માંડીને બિલ્ડરો સહિત બધાને લાગુ પડશે. જિલ્લા કક્ષાએ પણ શહેરોમાં કંઈ નવું બાંધકામ કરવું હોય તો હવે DUDA જિલ્લા શહેરી વિકાસ સમિતિ ની બદલે બાંધકામની મંજૂરી રાજકોટ થી લેવી પડશે.
તો હવે આડા,ભાડા,રાડા ના ચેરમેનની નિયુક્તિ થશે કે નહીં?
આમ તો રાજ્ય સરકારે જે મહત્વના ફેરફારો કર્યા છે તે જોતાં શહેરી વિકાસ સત્તા મંડળોનો મુખ્ય વહીવટ રિજીઓનાલ કચેરી દ્વારા જ ચાલશે. એટલે સ્થાનિકે વહીવટ જ ન હોય તો પછી ચેરમેન ની કામગીરી શું રહેશે? જોકે, જિલ્લા કલેકટર રેમ્યા મોહને ન્યૂઝ4કચ્છને જણાવ્યું હતું શહેરી વિકાસ સતા મંડળોમાં ચેરમેન રહેશે કે નહીં તે અંગે હમણાં તેઓ કશું કઈ શકે તેમ નથી. કારણકે, નવી કામગીરી અંગે ની સંપૂર્ણ માહિતીનું ચિત્ર એક થી બે મહીનામાં ક્લીયર થઈ જશે. આપણા કચ્છ જિલ્લા માટે કમિશનર ઓફ મ્યુનિસિપલ ની રિજીઓનાલ કચેરી ૧૬ મી જૂન થી રાજકોટ ખાતે શરૂ થઈ જશે તેના માટે કચ્છમાં ફરજ બજાવી ગયેલા સનદી અધિકારી ગૌરાંગ મકવાનાને નિયુક્ત કરી દેવાયા છે.