માણસના મનમાં સવાર થઈ ગયેલો શેતાન ઘણીવાર ન કરવાનું કરાવી દે છે. ભુજમા શનિવારે મધરાતે બનેલી એક અરેરાટી ભરી ઘટનાએ સૌને ધ્રુજાવી દીધા છે. એક જ પરિવારને જીવતા સળગાવી દેવાની આ ઘટના, આ કૃત્ય આચરનારાની ઉંમર અને મૃત્યુ પામનારાઓ વચ્ચેનો તેમનો સબંધ એ સૌને વિચારતા કરી મૂકે તેવો છે, શુ આવું શેતાનીયતભર્યું કૃત્ય કોઈ કઈ રીતે કરી શકે?
રાત્રે દોઢ વાગ્યે પેટ્રોલ છાંટીને લગાડી આગ..
ભુજના મહાદેવનાકા પાસે આવેલા વંડી ફળિયામાં રહેતા એક માત્ર મુસ્લિમ સૈયદ પરિવારમાં સર્જાયેલા આ બનાવની વિગત આ પ્રમાણે છે અહીં રહેતા મોહમ્મદ ઇસ્માઇલ પીર સૈયદ પરિવારના ઘરમાં શનિવારે રાત્રીના સમયે પેટ્રોલ છાંટીને આગ લગાડાઈ હતી. મધરાતે દોઢ વાગ્યાના અરસામાં બનેલા આ બનાવમાં આગ ઉગ્ર બનતા ઘરમાં રહેતા સભ્યો તેમાં જીવતા ભૂંજાયા હતા. જેમાં ઝુલેખા મોહમ્મદ ઇબ્રાહિમ પીર સૈયદ (ઉંમર ૪૨) અને શેરબાનું મોહમ્મદ પીર સૈયદ (ઉંમર ૬૫) નું જીવતા ભૂંજાઈ જવાથી મોત નીપજ્યું હતું. મૃત્યુ પામનાર બન્ને મા દીકરી હતા. જ્યારે પરિવારના વડીલ ૬૫ વર્ષીય મોહમ્મદ ઇસ્માઇલ પીર સૈયદ અને સાબેરા પીર સૈયદ એ બન્નેની હાલત ગંભીર છે. બધાને જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ગંભીર ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે.
વયોવૃદ્ધ મોભીએ પેટ્રોલ છાંટયું અને પરિવાર હતો નહતો થઈ ગયો
આ ફિટકાર ભર્યું કૃત્ય પીર સૈયદ પરિવારના ૮૫ વર્ષના વૃદ્ધ મોભી ઇસ્માઇલશા પીર સૈયદે આચર્યું હોવાની ફરિયાદ કરાઇ છે. તેમણે મિલકતના વિવાદમાં પોતાના નાનાભાઇના પરિવારને જ આગ ચાંપી દીધી મકાનના મિલકત સબધી વિવાદના કારણે પરિવારના મોટાબાપુ એ હીંચકારું કૃત્ય આચરયું હતું. જેમના ઉપર બેવડી હત્યા અને હત્યાના આરોપનો ગુનો દાખલ થયો છે તે વયોવૃદ્ધ આરોપી ઇસ્માઇલશા પીર સૈયદ પણ જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે. આ ઘટના સંદર્ભે ડીએસપી એમ. એસ. ભારાડાએ પણ રૂબરૂ મુલાકાત લઈને સમગ્ર બનાવની માહિતી મેળવી હતી.
ઈદની ઉજવણી આખરી બની
મુસ્લિમ પીર સૈયદ પરિવાર માટે
ઇદની ઉજવણી આખરી બની હતી. મૃત્યુ પામનાર પરિવારનો માળો વેરવિખેર થયો હતો તો હવે આ કૃત્ય આચરનાર વયોવૃદ્ધ વડીલ માટે પોલીસ, કોર્ટ અને જેલની કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ ફીટકાર ભર્યા કૃત્યથી વંડી ફળીયા ઉપરાંત સમગ્ર ભુજમાં અરેરાટી છવાઈ ગઈ છે.