૨૦ જૂને બુધવારે જિલ્લા પંચાયત પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે તેની સાથે જ ભાજપમાં કોણ કોની ફેવરમાં છે? તેની રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વખતે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખની બેઠક સામાન્ય છે. આથી અગાઉની છેલ્લી ટર્મમાં બક્ષીપંચ અને હમણાં ની પહેલી ટર્મમાં મહિલા અનામત હોઈ ઘણા લાંબા સમયબાદ કચ્છ જિલ્લા પંચાયતને સામાન્ય પુરુષ પ્રમુખ મળશે. એટલે આમ સ્પર્ધા તો છે પણ સામે દાવેદારો પણ મર્યાદિત હોઈ એ સ્પર્ધા વધુ ટફ અને રાજકીય ખેંચતાણ ભરી છે.
કોણ છે દાવેદારો અને કોણ કોની ફેવરમાંછે?
કચ્છ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખના નામોની ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમા શું ચર્ચા થઈ અને તે ચર્ચામાં કચ્છ ભાજપના કયા આગેવાનોએ કોની ફેવર કરી એ જાણવાની સૌને ઉત્તેજના છે, અંદરની એ રાજકીય ચર્ચા અત્યારે ભાજપના ‘ક્લોઝ વર્તુળો’ માં ખૂબ જ હોટ બની છે. જે નામ ચર્ચામાં છે તેમાં ૨ પૂર્વ કચ્છના કરશનભાઇ મંજેરી અને લક્ષમણસિંહ સોઢા જ્યારે ૨ પશ્ચિમ કચ્છના અરવિંદ પીંડોરીયા અને ભીમજી જોધાણી છે. ચાર દાવેદારોમાંથી ૩ પટેલ અને ૧ ક્ષત્રિય છે. ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાં આ ચારેય દાવેદારોમાં કોણ કોની તરફેણમાં રહ્યું? આંતરિક રાજકીય સુત્રોનું માનીએ તો કચ્છ જિલ્લા ભાજપ સંગઠને ૨ નામોની યાદી આપી હોવાની ચર્ચા છે તેમાં લક્ષમણસિંહ સોઢા અને ભીમજી જોધાણીનું નામ છે. જ્યારે ધારાસભ્ય નિમાબેન આચાર્યએ અરવિંદ પીંડોરીયાની તરફેણમાં અને પૂર્વ જિલ્લા પ્રમુખ પંકજ મહેતાએ કરશનભાઇ મંજેરીની તરફેણમાં પોતાના મંતવ્ય આપ્યા હોવાની વાત ચર્ચામાં છે. જોકે, દાવેદારો ભલે ચાર જ છે પણ પ્રમુખપદ માટેની ખેંચતાણ ઘણી હોઈ કચ્છ ભાજપમા ચર્ચા ખૂબ જ છે. સુત્રોનું માનીએ તો કચ્છ ભાજપના સંગઠને લક્ષમણસિંહ સોઢા અને ભીમજી જોધાણીનું નામ આપ્યું છે. નિમાબેન આચાર્યએ અરવિંદ પીંડોરીયાનું અને પંકજ મહેતાએ કરશનભાઇ મંજેરીનું નામ આપ્યું છે.જ્યારે પાર્લામેન્ટરી બોર્ડમાં ઉપસ્થિત અન્ય ધારાસભ્યો, સાંસદ અને અપેક્ષિત સભ્યો સંગઠને સૂચવેલા ૨ નામો સાથે હોવાની ચર્ચા છે. શકયતા પાટીદાર ઉમેદવારની વધુ છે.
ઉપપ્રમુખમાં મનીષાબેન કે છાયાબેન અને ભાવનાબા માંથી કોણ?
જ્ઞાતિ જાતિની રીતે વાત કરીએ તો કદાચ બ્રમ્હ સમાજના મનીષાબેન કેશવાણીની શકયતા કદાચ વધુ છે. અન્ય સમાજને અન્ય પદો મળી ગયા છે. તો, છાયાબેન ગઢવી કામગીરીની રીતે મજબૂત છે. ભાવનાબા જાડેજા મહિલા અને બાળકલ્યાણ સમિતિના ચેરપર્સન તરીકે સક્રિય રહ્યા છે. એટલે ઉપપ્રમુખની પસંદગી થોડી અઘરી છે. ક્ષત્રિય સમાજ ને પ્રતિનિધિત્વ મળે તો પછી મનીષાબેન અને છાયાબેન કારોબારી સમિતિ માં સ્થાન મળી શકે છે.