સોમવારે ઉઘડતા દિવસે ભુજ સહિત કચ્છના અન્ય તાલુકા મથકોએ દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવવા આવેલા સેંકડો અરજદારો હેરાન પરેશાન થઈ ગયા હતા. ઓફીસ પણ ખુલ્લી હતી, કર્મચારીઓ હાજર હતા અને લાઈટ પણ હતી. ઈન્ટરનેટ કનેક્શન પણ ચાલુ હતું. છતાંયે દસ્તાવેજની કામગીરી ઠપ્પ હતી. દસ્તાવેજ લખનારાઓ અને અરજદારો હેરાન પરેશાન હતા તો કર્મચારીઓ પણ કોમ્યુટર માઉસને ઠક ઠક કરતા રહ્યા પણ દસ્તાવેજની કામગીરી શરૂ જ ન થઈ શકી. આ સંદર્ભે ન્યૂઝ4કચ્છનું અરજદારોએ ધ્યાન દોર્યું કે દસ્તાવેજ રજિસ્ટ્રેશન ની કામગીરી ઠપ્પ પડી છે.
સ્ટેમ્પડ્યુટીના ડેપ્યુટી કલેકટરને પણ ખબર નહોતી
અરજદારોના ફોન બાદ ન્યૂઝ4કચ્છે સ્ટેમ્પડ્યુટીના ડેપ્યુટી કલેકટર એસ. એમ. કાંથડ મેડમને ફોન કરીને પૂછ્યું તેમના હાથ નીચેની કચ્છની તમામ ઓફિસોમાં દસ્તાવેજ રજિસ્ટ્રેશનની કામગીરી બંધ છે? પરંતુ, તેમને તે અંગે કંઈ પણ ખબર નહોતી. જોકે પછી તેમણે ઑફિસના સ્ટાફને તપાસ કરીને ન્યૂઝ4કચ્છને જાણકારી આપવા કહ્યું. ભુજ દસ્તાવેજ નોંધણી ઑફિસના જ્યંતીભાઈ ગોરે એ અરજદારોની ફરિયાદ સાચી હોવાનું અને દસ્તાવેજની કામગીરી ઠપ્પ હોવાનું કબલ્યું હતું. જોકે તેમણે આપેલા કારણ મુજબ ગાંધીનગરની મુખ્ય ઓફિસમાં કોમ્પ્યુટર પોગ્રામમાં મેટિંગ (અપડેટ અને ફેરફાર) નું કામ ચાલુ હોઈ દસ્તાવેજની કામગીરી ઠપ્પ છે. કયારે ચાલુ થશે તેની કોઈ સૂચના નથી, તેમ જ આ કામગીરીના કારણે સોમવારે દસ્તાવેજની કામગીરી બંધ રહેશે એવી પણ કોઈ પણ પ્રકારની સૂચના ગાંધીનગર થી અપાઈ નહોતી. જોકે, અહીં પ્રશ્ન એ જ છે કે, અગાઉથી જો માહિતી અપાય કે દસ્તાવેજોની રજિસ્ટ્રેશનની કામગીરી બંધ રહેશે તો અરજદારોનો સમય ન બગડે. દૂર દૂર થી રજિસ્ટ્રેશન માટે આવનારાઓનો ધક્કો અને અવરજવરના પૈસા બચે. સૌથી વધુ હાલાકી વૃદ્ધ અને મહિલા અરજદારોને ભોગવવી પડી હતી. સરકારના કમાઉ દીકરા જેવી દસ્તાવેજ નોંધણી કચેરીમાં અરજદારોને એક ગ્રાહક જેવું માન સન્માન મળવું જોઇએ તેને બદલે હાલાકી ભોગવવી પડે તે હકીકત દુઃખદ છે.