
એક તરફ કચ્છમા બાળકો ઉપાડી જવાની અફવાઓનો દોર માંડ શાંત પડ્યો છે,તે વચ્ચે આજે મુન્દ્રામા બનેલા એક બનાવે બાળકના પરિવાર અને પોલિસને દોડતા કર્યા હતા. થયું એવું કે,14 વર્ષનો કુલદીપ સવારના 6:30 વાગ્યે શાસ્ત્રી મેદાનમાં યોગ દિવસમા જવાનુ કહી સાઇકલ લઇને નિકળ્યો તો ખરો. પરંતુ તે મોડે સુધી પાછો ઘેર આવ્યો નહીં. એટલે પરિવારજનો ચિંતીત બન્યા અને તેની શોધખોળ શરુ કરી દીધી. પણ, કુલદીપનો પતો ક્યાંય મળ્યો નહીં. સ્વાભાવિકપણે અફવાઓ અને શંકા કુશંકાના દોર અને ચિંતા વચ્ચે કુલદીપના પરિવારજનોએ પોલિસની મદદ લેવાનો નિર્ણય કર્યો. કુલદીપના પિતા ભરતભાઈ મહેશ્વરી અને પરિવારજનોને પોલિસે સાંત્વના આપી. જોકે, બાળકો ગુમ થવાની ઘટનાના વર્તમાન માહોલમાં મુન્દ્રા પોલિસે ખૂબ જ સહાનુભુતિપૂર્વક કામ લીધું. સાથે સાથે સોશિયલ મીડીયા અને કોમ્બીંગ કરી બાળકની શોધખોળ શરુ કરી હતી.જો કે,સાંજ સુધી તે પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યા હતા અને મોડી સાંજે પોલિસ ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી રહી હતી. ત્યારે જ ઉમીયાનગર સોસાયટી વિસ્તારમાંથી ગુમ કુલદીપનો પત્તો પોલિસે મેળવી લીધો અને તેના પરિવારને સોંપ્યો હતો. મુન્દ્રા પોલિસ સહિત સામાજીક આગેવાનોએ પણ કુલદીપને શોધવાની કમર કસી હતી જે સફળ રહી હતી.
…અને બાળક આ કારણોસર થયો લાપતા !!
પરિવારને ચિંતા, જ્યારે પોલિસ માટે અનેક સવાલો બાળક ગુમ થયા બાદ ઉભા થયા હતા. આખરે કુલદીપ ગુમ કેમ થયો? અનેક સવાલો સાથે પોલિસ સતત તેની શોધખોળ કરતી રહી તે વચ્ચે બાળક મળી આવતા સૌને હાશ તો થઇ પરંતુ તે ગુમ કેમ થયો? તે સવાલનો જવાબ મેળવવા તેની પુછપરછ કરતા એ જાણવા મળ્યું કે,સાઇકલના ટાયર મા પંક્ચર પડી જતા ઘરે પોતાને ઠપકો મળશે તે બીકમા કુલદીપ સાંજ સુધી ફરતો રહ્યો હતો.મુન્દ્રાના પી.આઈ. એમ. એ. ચૌહાણે બાળકો ગુમ થવાની ધટનામા કચ્છની વર્તમાન સ્થિતીને ધ્યાને લઈને સંવેદના સાથે કામ લીધું તો ગંભીરતાપૂર્વક તપાસ કરી. જેમા તેમને સફળતા મળી અને મહેશ્ર્વરી સમાજના “કુલદીપ’ ને ગણતરીની કલાકોમાં જ પોલિસે શોધીને તેના પરિવારને સોંપ્યો હતો.