ભુજ નગરપાલિકામાં કારોબારી ચેરમેનની વરણીમાં સતત ખેંચતાણ અને ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ પછી હવે સહી ઝુંબેશ શરૂ થતાંજ રાજકીય ખળભળાટ મચી ગયો છે. નારાજ નગરસેવકો કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલને ઘેર પહોંચ્યા હતા. ત્યાં લગભગ અડધો થી પોણો કલાક રજૂઆતો અને ચર્ચાનો દોર ચાલ્યો હતો.
ક્યા નગરસેવકોએ સહીઓ સાથે નારાજગી વ્યક્ત કરી?
ભુજ નગરપાલિકામાં કારોબારી ચેરમેનની સતાવાર વરણીના આખરી કલાકો વચ્ચે નારાજ નગરસેવકોએ પૂર્વ જિલ્લા મંત્રી પરાક્રમસિંહ જાડેજાની આગેવાની નીચે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ સમક્ષ રજુઆત કરી હતી. બે દિવસ થી ચાલતા મીટીંગોના દોર વચ્ચે સામાન્ય સભાની આગલી રાત્રે કેશુભાઈ પાસે શું રજુઆત થઈ? ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભુજ નગરપાલિકાના વર્તમાન ૧૬ જેટલા નગરસેવકોએ પોતાની સહી સાથે જિલ્લા પ્રમુખ પાસે કારોબારી ચેરમેન તરીકે સક્ષમ નગરસેવકની વરણી કરાય તેવી લાગણી વ્યક્ત કરી છે કેશુભાઈ પાસે રજૂઆતમાં જગત વ્યાસ, અજય ગઢવી, મહીદીપસિંહ જાડેજા, ગોદાવરીબેન ઠક્કર, જિજ્ઞાબેન ઠક્કર, ધાલાભાઈ કુંભાર સહિત સાત જેટલા નગરસેવકો હતા. કેશુભાઈએ શું કહ્યું? એ અંગે પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેમણે અમારી લાગણી ઉપર પહોંચાડવાની ખાત્રી આપીને પક્ષ જે નિર્ણય કરે તે માન્ય રાખવાની વાત કરી હતી.
કેશુભાઈ કહે છે,બળવા જેવું કંઈ નથી
ભુજ નગરપાલિકામાં કારોબારી ચેરમેનની ખેંચતાણ અને છેલ્લી ઘડી સુધીની રાજકીય હલચલે ભુજ સહિત કચ્છના રાજકારણ માં ગરમી લાવી દીધી છે. ભુજ પાલિકાના મુદ્દે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે કબુલ્યું હતું કે નગરસેવકોએ પોતાની લાગણી વ્યક્ત કરી છે. સહી ઝુંબેશની ચર્ચાને બળવો ગણી શકાય? એ પ્રશ્નનો જવાબ આપતા કેશુભાઈએ કહ્યું હતું કે સહી ઝુંબેશ જેવું કંઈ નથી, અને બળવાની ક્યાંયે વાત જ નથી. આ માત્ર નગરસેવકોએ વ્યક્ત કરેલી પોતાની લાગણી છે, જે હું જિલ્લા પ્રમુખ તરીકે ઉપર પહોંચાડીશ. પરંતુ, નામ તો નક્કી ઉપરથી જ થશે અને પક્ષની શિસ્તમાં તે સૌને માન્ય રાખવું પડશે.
હવે શું?
કારોબારી ચેરમેન તરીકે ચર્ચાતા નામોમાં ભરત રાણા, મહીદીપસિંહ જાડેજા, અશોક પટેલ અને જગત વ્યાસ છે. હવે શું થાય છે તે જોવું રહ્યું. કદાચ પ્રમુખ ની વરણી કરાયા પછી રાજકીય ગરમી જોવા મળી તેવી રાજકીય ગરમી ફરી જોવા મળશે એવું લાગી રહ્યું છે. કચ્છ જિલ્લા ભાજપ સામે પક્ષની શિસ્તને કેમ સાચવવી એ યક્ષ પ્રશ્ન છે.