કુંવરજી બાવળીયાએ તડજોડ કરીને ભાજપમાં જોડાઈ સૌરાષ્ટ્રમાં રાજકીય ખલભળાટ સર્જ્યો છે તે ચર્ચામાં છે. પરંતુ, તે પહેલાં જ કચ્છની તાલુકા પંચાયતોના સુકાનીઓની વરણીમાં કચ્છના કોંગ્રેસી સભ્યોએ કરેલા બળવાએ રાજકીય ખળભળાટ સર્જ્યો હતો. હવે મોડે મોડે પ્રદેશ કોંગ્રેસે કચ્છની તાલુકા પંચાયતોના ૬ બળવાખોર સભ્યોને કોંગ્રેસમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા તાલુકા પંચાયતના સભ્યોમાં ૩ તાલુકા પંચાયત અંજાર, માંડવી અને લખપતના ૬ સભ્યોમાં ૪ મહિલા અને બે પુરુષ સભ્યો છે.
રાજકીય તડજોડ કરનાર કોંગ્રેસના ૪ મહિલા અને ૨ પુરુષ સભ્યો કોણ?
કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સુચનાથી સંકલન સમિતિના સભ્ય બાલુભાઇ પટેલે ભાજપને ટેકો આપનારા કચ્છના ૬ સભ્યોને કોંગ્રેસમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલાઓમાં ૪ મહિલા સભ્યો ગંગાબેન કલ્યાણજી સેંઘાણી, ઉષાબેન મેઘુભા જાડેજા, સાવિત્રીબેન શાંતિલાલ જબુઆણી ત્રણેય માંડવી તાલુકા પંચાયતના સભ્ય છે. જ્યારે વીણાબેન બાબુલાલ અસારી લખપત તાલુકા પંચાયતના સભ્ય છે. જ્યારે ૨ પુરુષ સભ્યોમાં અરજણ રવાભાઈ માતા (અંજાર) , વાડીલાલ વિસનજી વાસાણી (માંડવી) તાલુકા પંચાયતના સભ્યો છે. કોંગ્રેસના આ સભ્યોએ તાલુકા પંચાયતોના સુકાનીઓની વરણીમાં ખુલીને ભાજપના ઈશારે કામ કર્યુ, ભાજપને ટેકો આપ્યો એટલે તેમને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસે પક્ષમાં થી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા પછી તેમનું પક્ષાંતર ધારા હેઠળ તાલુકા પંચાયતના સભ્ય તરીકેનું સભ્યપદ રદ્દ કરવાની રજુઆત માટેની પણ ચીમકી આપી છે. રાજકીય વિશ્લેષકો નું માનીએ તો ટેકનિકલી તાલુકા પંચાયતનું સભ્યપદ રદ્દ કરવાની પ્રક્રિયા થોડી અટપટી છે, તેમ જ નિર્ણયની સામે અપીલ પણ થઈ શકતી હોઇ કાયદાકીય પ્રક્રિયા ચાલે ત્યાં સુધીતો ટર્મ પણ પુરી થઈ જશે.
ભાજપના દરવાજા ખુલ્લા
જોકે, ભાજપે કોંગ્રેસને વળતો જવાબ આપીને કચ્છના રાજકારણને ગરમ બનાવ્યું છે. જિલ્લા ભાજપના મહામંત્રી અંનિરુદ્ધ દવેએ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે સસ્પેન્ડ કરેલા તાલુકા પંચાયતના સભ્યો માટે ભાજપના દરવાજા ખુલ્લા છે. સૌરાષ્ટ્રના કુંવરજી બાવળીયાની જેમ કચ્છના અનેક કોંગ્રેસી આગેવાનોને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ છે. અને હજીયે સારા આગેવાનો જે ભાજપની નીતિરિતિ માં વિશ્વાસ મુકવા માંગે છે તેમને અમે આવકારીશુ.