Home Crime શિકરા દારૂ પ્રકરણ : બુટલેગર સહિતની પૂછપરછ બાદ સંડોવાયેલા પોલીસ કર્મીઓની જિલ્લા...

શિકરા દારૂ પ્રકરણ : બુટલેગર સહિતની પૂછપરછ બાદ સંડોવાયેલા પોલીસ કર્મીઓની જિલ્લા ટ્રાન્સફર

1321
SHARE
થોડા સમય પહેલા પૂર્વ કચ્છમાં બોર્ડર રેન્જનાં આઈજીના સેલ દ્વારા શિકરામાથી 34 લાખની માતબર રકમનો દારૂ પકડવામાં આવ્યો હતો. જેમાં જે તે સમયે તો સસ્પેન્ડ અને બદલીઓ કરવામાં આવી જ હતી. પરંતુ હવે તેમાં વધુ સોળ જેટલા પોલીસ કર્મચારીઓની જિલ્લા બહાર એટલે કે ગૃહ વિભાગના આદેશથી બદલી કરી દેવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં ચોંકાવનારી વાત એ છે કે ઉચ્ચ કક્ષાએથી કરવામાં આવેલી આ તપાસમાં માત્ર પોલીસ કર્મચારીઓ જ નહીં પરંતુ બુટલેગરોની પણ ખાનગીમાં પૂછપરછ કરાઈ હતી. અને તેમાં બુટલેગરો દ્વારા સંડોવાયેલા પોલીસવાળાના નામ આપી દેવાતા મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. જેમાં હવે જિલ્લા બહારના ટ્રાન્સફરના હુકમ કરવામાં આવ્યા છે. સુત્રોનું માનીએ તો સમગ્ર મામલામાં બોર્ડર રેન્જ દ્વારા શરૂઆતથી જ શિકરા દારૂ પ્રકરણમાં કડક કાર્યવાહીનો અંદેશો આપી દઈને ભચાઉના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણને સસ્પેન્ડ કરી દેવાયા હતા. ત્યારબાદ તપાસનો દોર ચાલ્યો હતો. જેમાં આઈપીએસ કક્ષાના અધિકારીએ જાતે ગાંધીધામ આવીને વન ટુ વન પોલીસ કર્મચારીઓની તપાસ કરી હતી. ત્યારબાદ ખાનગી રાહે પૂર્વ કચ્છનાં કેટલાક બુટલેગરને પણ પોલીસની ભાષામાં પૂછવામાં આવ્યું હતું. જેમાં શિકરા દારૂ પ્રકરણમાં કોનો, કેવો, કેટલો રોલ હતો તે સ્પષ્ટ થઈ ગયું હતું. જે અંગેનો એક રિપોર્ટ ગાંધીનગર ગૃહ વિભાગને આપવામાં આવ્યો હતો.

ઉચ્ચ અધિકારી સામે પણ થઈ શકે છે કાર્યવાહી

જે રીતે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા શિકરાના દારૂ પ્રકરણમાં આકરા પગલાં લેવામાં આવ્યા છે તેને જોતા આગામી દિવસોમાં એક ઉચ્ચ અધિકારી સામે પણ પગલાં તોળાઈ રહયા હોવાનો દાવો સૂત્રોએ કર્યો હતો. રેન્જ દ્વારા કરવામાં આવેલી બદલી પછી ફરી એજ કર્મચારીઓને પાછા લાવવાની ઘટનાથી પણ પોલીસ બેડામાં પડઘા પડ્યા હતા. જેમાં એક સિનિયર ઓફિસરે તો આ અંગે ડીઓ લેટર લખવામાં આવ્યો છે અને ખુલાસો પણ પૂછ્યો છે કે આમ કેમ થયું હતું?

રેન્જ બહારના જિલ્લામાં બદલાયા

આમ તો બદલીના ઓર્ડર અંગેનો પત્ર ગાંધીધામ આવી ગયો હતો પરંતુ છેલ્લી ઘડી સુધી તેને જાહેર કરવામાં આવ્યો ન હતો. દારૂની ચાર બાટલી પકડીને ફોટા પડાવતી પૂર્વ કચ્છ પોલીસની શિકરા દારૂના મામલે બોલતી બંધ થઈ ગઈ હતી. સુત્રોનું માનીએ તો પૂર્વ કચ્છમાંથી બદલાયેલા આ કર્મચારીઓને ગોધરા, ખેડા, સુરત, અમદાવાદ, વડોદરા, નવસારી, સાબરકાંઠા જેવી જગ્યાએ બદલી નાખવામાં આવ્યા હતા.