ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમાનું ઐતિહાસિક ધાર્મિક મૂલ્ય છે. ગુરુ–શિષ્ય નો નાતો પિતા–પુત્ર સમાન હોય છે અને તેનું શિષ્યના જીવનમાં શું મહત્વ છે તેનો અહેસાસ કરાવતી પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા, જે સમગ્ર જગતમાં ઉજવાય છે . ગુરુપૂર્ણિમાનો ઉત્સવ એ ગુરુએ કરેલી કૃપાનાં ઉપકાર નું ઋણ ચુકવવાનો અને ગુરુદક્ષિણા આપવાનો દિવસ છે, જે શિષ્ય ને મન ઉત્સવનો અવસર છે. આ દિવસે દરેક શિષ્ય ગુરુ પાસે જઇને અથવા તેમનું સ્મરણ કરીને તેમજ પૂજા-વંદના કરી શ્રધ્ધાસુમન સમર્પિત કરે છે. આટલું જાણ્યા પછી વાત કરીએ કચ્છમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય કક્ષાના ગુરુપૂર્ણિમા મહોત્સવની.
વિશ્વભરમાં વિખ્યાત એવી સમર્પણ ધ્યાનયોગ પદ્ધતિના પ્રણેતા પરમ પૂજ્ય સદગુરુ ‘શ્રી શિવકૃપાનંદ સ્વામીજી’ના પાવન સાંનિધ્યમાં આ વખતે કચ્છના યજમાન પદે , સમર્પણ આશ્રમ કચ્છ માંડવી રોડ પર આવેલા પુનડી ખાતે તા ૨૫ જુલાઈ થી ૨૭ જુલાઈ દરમિયાન ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય ગુરુપૂર્ણિમા ધ્યાનયોગ મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાશિબીરમાં સમર્પણ ધ્યાનયોગ સાથે જોડાયેલા વિશ્વભરના ૪૦૦૦ જેટલા સાધકો કચ્છના મહેમાન બનશે.
આ ધ્યાન મહાશિબિર દરમિયાન સાધકોને પરમ પૂજ્ય ગુરુદેવ અને ગુરુ માં ના દિવ્ય પ્રવચનોનો તેમજ સામૂહિકતામાં ધ્યાન કરવાનો અવસર મળશે તથા તા ૨૬ જુલાઈ ના સવારે સમર્પણ આશ્રમ કચ્છ ખાતે વાતાવરણ તથા ચિત્તના શુદ્ધિકરણ ના હેતુ થી ૧૦૧ કુંડીય મહાયજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેનો દેશ-વિદેશ થી પધારેલા સાધકો લાભ ઉઠાવશે .
આ શિબિરના અંતિમ દિવસે એટલેકે તા ૨૭ જુલાઈ ના રોજ સાંજે ૪ થી ૭ વાગ્યા દરમિયાન ‘ગુરુદર્શન સમારોહ’ નું આયોજન કરવા માં આવ્યું છે જેમાં કચ્છની જાહેર જનતાને આશ્રમ પધારવા જાહેર નિમંત્રણ છે. આશ્રમ ખાતે સદગુરુ ના દર્શન અને પાદુકાપૂજન નો લાભ તેમજ વિવિધ પ્રદર્શની જેમ કે સમર્પણ પ્રદર્શની , ગુરુશક્તિધામ પ્રદર્શની રક્ષક પ્રદર્શની (રક્ષકના જીવનમાં ધ્યાનનું મહત્વ ) વગેરે વિષય પર પ્રદર્શની રાખવામાં આવનાર છે. પ્રદર્શની નિહાળવા અને મહાપ્રસાદનો લાભ લેવા સર્વેને હાર્દિક આમત્રંણ છે .
આ મહાશિબિર ને સફળ બનાવવા ડૉ પ્રવીણ લિંબાણીના અધ્યક્ષ સ્થાને સમર્પણ આશ્રમ કચ્છ ખાતે ગુરુપૂર્ણિમા ધ્યાન મહાશિબિરની કમિટી દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે .